સ્ટેરૉઇડ્સ લેવાથી વજન કેમ વધે છે?

01 May, 2023 04:05 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

આજની તારીખમાં ‘સ્ટેરૉઇડ્સ’ નામથી કોઈ અજાણ નથી. અનેક બીમારીઓમાં સંજીવની જેવું કામ કરતી આ દવાનું નામ પડતાં સૌકોઈ ગભરાઈ જાય છે, કારણ કે એની અસર સાથે અનેક આડઅસર પણ જોડાયેલી છે, જેમાં લોકોને સૌથી મોટો ભય વજન વધી જવાનો હોય છે.

અનંત અંબાણિ

આજની તારીખમાં ‘સ્ટેરૉઇડ્સ’ નામથી કોઈ અજાણ નથી. અનેક બીમારીઓમાં સંજીવની જેવું કામ કરતી આ દવાનું નામ પડતાં સૌકોઈ ગભરાઈ જાય છે, કારણ કે એની અસર સાથે અનેક આડઅસર પણ જોડાયેલી છે, જેમાં લોકોને સૌથી મોટો ભય વજન વધી જવાનો હોય છે. અલબત્ત, આવું કેમ થાય છે એ સમજવાનો પ્રયત્ન ભાગ્યે જ કોઈ કરે છે. તો આવો, આજે સ્ટેરૉઇડ્સના સાયન્સને સમજવાનો પ્રયાસ કરી જોઈએ...

છેલ્લા કેટલાક દિવસથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી ખૂબ ચર્ચામાં છે. બાળપણથી ભરાવદાર શરીર ધરાવતા અનંત અંબાણીએ ૨૦૧૬માં ડાયટિંગ અને એક્સરસાઇઝ કરીને અધધધ કહી શકાય એવું ૧૦૮ કિલો વજન ઘટાડી સૌકોઈને ચકિત કરી દીધા હતા, પરંતુ તાજેતરમાં બહાર આવેલા અંબાણી પરિવારના કેટલાક વિડિયોઝ અને ફોટોગ્રાફ્સમાં અનંતનું વજન ફરી પાછું જેટલું હતું એટલું વધી ગયેલું જણાય છે. માતા નીતા અંબાણીએ આ બાબતનો ખુલાસો કરતાં કહ્યું કે અનંતની અસ્થમાની તકલીફ ખૂબ વધી જતાં અમારે તેને ઘણીબધી સ્ટેરૉઇડ્સની દવાઓ આપવી પડી, જેને પગલે તેનું વજન પાછું વધી ગયું છે. 

સ્ટેરૉઇડ્સ અત્યંત અકસીર દવા હોવા છતાં એનું નામ પડતાં ભલભલા ગભરાઈ જાય છે. એનું મુખ્ય કારણ જ એ છે કે આ દવા સાથે અનેક આડઅસર પણ જોડાયેલી છે. અનેક પ્રકારની ઍલર્જી ઉપરાંત અસ્થમા, એક્ઝીમા, આર્થ્રાઇટિસ વગેરે જેવી અનેક બીમારીઓ માટે વપરાતી સ્ટેરૉઇડ્સ લેવાથી દરદીઓને અપચો, ઍસિડિટી, અનિદ્રા, બેચેની, ચહેરા પર સોજા આવવા, લોહીમાં શુગરનું પ્રમાણ વધી જવું, બ્લડ-પ્રેશર વધી જવું અને વજન વધી જવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો આવી શકે છે. કેટલાકને વળી શરીર પર અવાંચ્છિત વાળ ઊગી આવવા, ત્વચા પાતળી થઈ જવી જેવી સમસ્યાઓ પણ સતાવતી હોય છે. તો વળી લાંબા સમય સુધી આ દવાઓ લેવાથી ઑસ્ટિઓપોરોસિસ, સ્નાયુઓ નબળા પડી જવાની તથા મોતિયો થવા જેવી બીજી અનેક ગંભીર સંભાવનાઓ પણ રહે છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ જ્યારે બીજી બધા જ પ્રકારની દવાઓ નિષ્ફળ જાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે સ્ટેરૉઇડ્સનો સહારો લે છે. એવામાં જ્યારે સ્ટેરૉઇડ્સથી ભાગવું સંભવ ન હોય ત્યારે એના વિશે યોગ્ય સમજ કેળવી લેવી આવશ્યક બની જાય છે. 

સ્ટેરૉઇડ્સ શું છે?  

આ સવાલનો જવાબ આપતાં કાંદિવલી ખાતેના જાણીતા ડૉ. દિલીપ રાયચુરા કહે છે, ‘સ્ટેરૉઇડ્સ બે પ્રકારનાં હોય છે, ઍનાબોલિક અને કૉર્ટિકોસ્ટેરાઇડ્સ. ઍનાબોલિક સ્ટેરૉઇડ્સ વાસ્તવમાં મેલ હૉર્મોન તરીકે ઓળખાતા ટેસ્ટોસ્ટેરોનનું લૅબોરેટરીમાં બનેલું સ્વરૂપ છે. આ હૉર્મોનનું કામ મસલ્સને મોટા કરવાનું છે. કૅન્સર, એઇડ્સ તથા અન્ય કોઈ શારીરિક બીમારીને પગલે જેમનું વજન ખૂબ ઘટી ગયું હોય તેમને ડૉક્ટર આ દવાઓ લેવાની ભલામણ કરી શકે છે. આ દવા ક્રીમ, પૅચ, ઇન્જેક્શન તથા ઇન્હેલરનાં સ્વરૂપોમાં બજારમાં મળે છે. અલબત્ત, કેટલાક ઍથ્લીટ્સ અને બૉડી-બિલ્ડર્સ પણ આ દવાઓનો ઉપયોગ પોતાના મસલ્સ વધારવા માટે કરતા હોય છે પરંતુ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ લેવી ગેરકાનૂની છે અને જો કોઈ ઍથ્લીટના શરીરમાં આ દવા હોવાનું પુરવાર થાય તો તેઓ ડિસ્ક્વૉલિફાઇ પણ થઈ શકે છે. કેટલાક લોકો પોતાનો સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ વધારવા માટે પણ આ દવાઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ એક કળા છે જે દવાથી પ્રાપ્ત થતી નથી. એના માટે માનવ શરીર અને માનવીય સંવેદનાઓને સમજવી પડે છે. તેથી ઍનાબોલિક સ્ટેરૉઇડ્સ લેવાથી સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ સુધરે છે એ માન્યતા સાવ ભૂલભરેલી છે.’ 

આટલું કહી વાતને આગળ વધારતાં ડૉ. રાયચુરા કહે છે, ‘બીજી બાજુ કૉર્ટિકોસ્ટેરૉઇડ્સ સ્ટ્રેસ હૉર્મોન તરીકે ઓળખાતા કૉર્ટિઝોલનું લૅબોરેટરીમાં બનેલું સ્વરૂપ છે. કૉર્ટિઝોલનું કામ કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ કે આક્રમણ સામે શરીરનું રક્ષણ કરવાનું, બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવાનું, મેટાબોલિઝમ વધારવાનું તથા શરીરના કોઈ પણ ભાગમાં આવેલા સોજાને દૂર કરવાનું છે. શરીરમાં કૉર્ટિઝોલનો ખૂબ વધુ કે ખૂબ ઓછો સ્રાવ અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી શરીરમાં એનું યોગ્ય બૅલૅન્સ જળવાઈ રહેવું આવશ્યક છે. એડિસન્સ ડિસીઝ જેવી કેટલીક બીમારીઓમાં શરીરમાં કૉર્ટિઝોલનું ઉત્પાદન ઘટી જાય છે. આવા સમયે ડૉક્ટરને કૉર્ટિકોસ્ટેરૉઇડ્સ નામક દવા આપવાની ફરજ પડે છે. અલબત્ત, આજનું આધુનિક વિજ્ઞાન અસ્થમા, સૉરાયસિસ, રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઑર્ડર (સીઓપીડી), ઇન્ફ્લેમૅટરી બાઉલ ડિસીઝ તથા લુપસ જેવા કેટલાક ઑટોઇમ્યુન ડિસઑર્ડર્સમાં પણ કૉર્ટિકોસ્ટેરૉઇડ્સનો ઉપયોગ કરે છે. આ દવા ટૅબ્લેટ, ઇન્હેલર, નેઝલ સ્પ્રે, ઇન્જેક્શન, સ્કિન ક્રીમ જેવાં સ્વરૂપોમાં બજારમાં મળે છે.’ 

વજન સાથે શું સંબંધ છે?

આ દૃષ્ટિએ જોઈએ તો સ્ટેરૉઇડ્સ અનેક બીમારીઓમાં અત્યંત ઉપયોગી છે. તેમ છતાં ડૉક્ટરો પણ એનો ઉપયોગ છેલ્લા વિકલ્પ તરીકે કરે છે, કારણ કે સ્ટેરૉઇડ્સની ઇફેક્ટ્સ સાથે અનેક સાઇડ ઇફેક્ટ્સ પણ જોડાયેલી છે જેમાં વજન વધી જવાની સમસ્યા સૌથી સામાન્ય છે. આવું કેમ? આ સવાલનો જવાબ આપતાં હિન્દુજા, નાણાવટી તથા જુહુની સુજૉય હૉસ્પિટલ સાથે સંકળાયેલા ફિઝિશ્યન ડૉ. અભિષેક ભાર્ગવ કહે છે, ‘સ્ટેરૉઇડ્સની અન્ય વિશેષતાઓમાં એક વિશેષતા એ પણ છે કે તે આપણા ફૅટ ટિશ્યુસને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. ફૅટ ટિશ્યુસ સ્ટિમ્યુલેટ થતાં શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા માંડે છે, જેને પગલે દરદીનું વજન એકાએક ઉપર જવા લાગે છે. એ સિવાય કૉર્ટિકોસ્ટેરૉઇડ્સની બીજી વિશેષતા એ છે કે એ શરીરમાં પાણીનો ભરાવો કરે છે, જેને પગલે દરદીનું વજન વધવા લાગે છે. આ જ કારણ છે કે નાછૂટકે પણ જ્યારે સ્ટેરૉઇડ્સનો ઉપયોગ કરવો જ પડે ત્યારે પણ એ બને તેટલો ટૂંકા ગાળાનો એટલે કે ત્રણ અઠવાડિયાંથી ઓછો હોવો જોઈએ. એમાં પણ અસ્થમાના ઇલાજ માટે વપરાતાં નેઝલ સ્પ્રે અને ઇન્હેલર્સ કે પછી ત્વચાના રોગોમાં મલમ તરીકે વપરાતા સ્ટેરૉઇડ્સથી વજન પર કોઈ ખાસ અસર થતી નથી. ટૅબ્લેટ્સ તથા ઇન્જેક્શનના સ્વરૂપે લેવાતાં સ્ટેરૉઇડ્સથી જ વજન વધવાની સંભાવના રહે છે. તેથી બહેતર તો એ છે કે સ્ટેરૉઇડ્સ લેવાની જરૂર પડશે એવો ખ્યાલ આવતાં જ દરદી તરત ડાયટમાં આવશ્યક પરિવર્તન શરૂ કરી દે. એમ છતાં રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ, કનેક્ટિવ ટિશ્યુ ડિસઑર્ડર તથા લુપસ જેવા કેટલાક ઑટોઇમ્યુન ડિસઑર્ડર્સના દરદીઓને આ દવાઓ જીવનભર લેવાની ફરજ પડે છે. આવા વખતે ફક્ત ડાયટમાં પરિવર્તનથી કામ પતતું નથી. આવા દરદીઓએ લાઇફસ્ટાઇલ ચેન્જિસ કરવા આવશ્યક બની જાય છે.’

આ પણ વાંચો : શું ૧૮ વર્ષે જીવનસાથી પસંદ કરવાની પરિપક્વતા આવી જાય?

દુર્ઘટના કરતાં સાવધાની સારી

આનો અર્થ એવો પણ નથી કે સ્ટેરૉઇડ્સ લેનારા બધા જ દરદીઓનું વજન વધે છે. કેટલાકનું વધે છે તો કેટલાકનું બિલકુલ વધતું નથી. આવામાં દુર્ઘટના કરતાં સાવધાની સારી. આ સાવધાની કેવી રીતે રાખી શકાય એની વાત કરતાં અંધેરીની ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘સ્ટેરૉઇડ્સ લેવાથી વ્યક્તિની ભૂખ એકાએક ખૂબ વધી જાય છે. તેથી સ્ટેરૉઇડ્સ લેનારાઓએ પોતાના ખોરાકમાં ધરમૂળથી ફેરફાર કરવા આવશ્યક છે. તેમણે ઘી, તેલ, બટર, ચીઝ, તળેલો ખોરાક તથા ઠંડાં પીણાં વગેરે સાવ બંધ કરી દેવાં જોઈએ. આ સાથે તેમણે સરખું પેટ ભરાય એવો હેવી બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ખાવાં જોઈએ. તેમના પ્રત્યેક મીલમાં પેટ લાંબો સમય ભરેલું રાખે એવાં પ્રોટીન, ફાઇબર અને કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોવાં જોઈએ. સ્ટેરૉઇડ્સથી લોહીમાં શુગર વધી જવાની શક્યતા પણ હંમેશાં રહે છે, તેથી સ્ટેરૉઇડ્સ લેનારાઓએ સાકર ઉપરાંત ગ્લુકોઝ હોય એવા ભાત, મેંદો, અંજીર, ખજૂર વગેરે જેવી બધી જ સામગ્રીઓ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ ઉપરાંત સ્ટેરૉઇડ્સ લેવાથી પાચનતંત્ર પણ ખોરંભે ચડે છે, જેને પગલે સ્ટેરૉઇડ્સ લેનારાઓને ખૂબ ઍસિડિટી પણ થાય છે. આ માટે તેમણે દિવસ દરમિયાન ખૂબ પાણી પીતા રહેવું જોઈએ અને બને એટલી વધારે કસરત કરતાં રહેવું જોઈએ.’

વાતના અંતે ડૉ. રાયચુરા ચેતવણી આપતાં કહે છે, ‘અમે ડૉક્ટર્સ જ્યારે કોઈ દરદીને સ્ટેરૉઇડ્સ લેવાની ભલામણી કરીએ છીએ ત્યારે એની આડઅસરને ધ્યાનમાં રાખતાં કઈ દવા લેવી, કેટલા પ્રમાણમાં લેવી, કેટલો સમય લેવી તથા એની આડઅસરને ટાળવા સાથે બીજું શું કરી શકાય એ બધાનો વિચાર કરીને પ્રિસ્ક્રિપ્શન લખતા હોઈએ છીએ પરંતુ કેટલાક લોકો જાતે ડૉક્ટર બની પોતાનો ઇલાજ કરવાનો પ્રયત્ન કરે છે, જેને પગલે ક્યારેક તેમણે ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થાય છે. સ્ટેરૉઇડ્સ જેવી દવાઓ સાથે આવા અખતરા ક્યારેક ભારે પડી શકે છે, તેથી કોઈ પણ વ્યક્તિએ ડૉક્ટરની સલાહ વગર આ દવાઓ લેવી ન જોઈએ.’

 સ્ટેરૉઇડ્સ લેવાથી પાચનતંત્ર પણ ખોરંભે ચડે છે, જેને પગલે ખૂબ ઍસિડિટી થાય છે. આ માટે ખૂબ પાણી પીતા રહેવું જોઈએ અને બને એટલી વધારે કસરત કરવી જોઈએ. - ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા

columnists health tips life and style falguni jadia bhatt