યુરિન ઇન્ફેક્શન મહિલાઓમાં કેમ વધુ જોવા મળે છે?

04 July, 2024 10:49 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

આજે સમજીએ આ બહુ કૉમન ઇન્ફેક્શન માટે કેવી ગેરસમજો દૂર કરવી જરૂરી છે અને એના ઉપાય શું છે ...

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગે લોકો માને છે કે યોગ્ય હાઇજીન ન હોવાથી સ્ત્રીઓમાં યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થતું હોય છે, ઘણા માને છે કે એ જાતીય સંસર્ગથી ફેલાય છે. પણ આ સંપૂર્ણ સત્ય નથી, મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થવાનાં બીજાં પણ ઘણાં કારણો છે. આજે સમજીએ આ બહુ કૉમન ઇન્ફેક્શન માટે કેવી ગેરસમજો દૂર કરવી જરૂરી છે અને એના ઉપાય શું છે 

પુરુષો કરતાં સ્ત્રીઓમાં યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન (UTI) થવાનું પ્રમાણ ૩૦ ગણું વધારે છે એટલું જ નહીં, જો એક વાર આ ઇન્ફેક્શન થયું હોય તો છ મહિનાની અંદર ફરીથી ઇન્ફેક્શન ઊથલો મારે એવી સંભાવના દર દસમાંથી ચાર સ્ત્રીઓમાં જોવા મળે છે. કદાચ એક પણ સ્ત્રી એવી નહીં હોય જેને જીવનના કોઈક ને કોઈક તબક્કે હળવું યુરિન ઇન્ફેક્શન નહીં થયું હોય.

મૂત્રમાર્ગનો ચેપ આટલો કૉમન હોવા છતાં એ બાબતે ગેરસમજો પ્રવર્તે છે એ ખરેખર જ નવાઈની વાત છે. આટલી કૉમન સમસ્યા વિશે સંકોચ શા માટે? જસ્ટ એ પ્રાઇવેટ પાર્ટ‍્સ સાથે સંકળાયેલી બાબત છે એટલા જ કારણસર? આ બાબતે સાયન્ટિફિક અભિગમ કેળવવો ખૂબ જરૂરી છે. UTI ત્યારે થાય છે જ્યારે બૅક્ટેરિયા પેશાબની નળીમાં પ્રવેશ કરે છે અને મલ્ટિપ્લાય થાય છે.

જાતીય જીવન સાથે સંયોગ

એક માન્યતા એ છે કે એ જાતીય સંબંધના સંસર્ગથી ફેલાતી સમસ્યા છે. આ ગેરમાન્યતા વિશે ચર્ચા કરતાં બોરીવલીની શર્વિલ મૅટરનિટી હૉસ્પિટલના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ચંદન મોરે કહે છે, ‘સામાન્ય રીતે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બાદ UTI થવાના ચાન્સ વધી જાય છે, પણ એનું કારણ પાર્ટનરના હાઇજીન સાથે સીધું ન જોડી શકાય. ઇન્ટરકોર્સ દરમિયાન પેશાબની નળીમાં નવા બૅક્ટેરિયા દાખલ થાય છે, એના લીધે UTI થઈ શકે છે. જોકે આ ચેપ ટીનેજથી લઈને મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. જાતીય સંસર્ગ ન થયો હોય તો પણ. સ્ત્રીઓમાં યુરેથ્રા એટલે કે બ્લૅડરથી મૂત્ર બહાર ફેંકતા માર્ગને જોડતી મૂત્રનલિકાનો માર્ગ ટૂંકો હોય છે એના લીધે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ચેપ થવાની સંભાવના વધે છે. સૌથી મોટી ગેરસમજ તો એ છે કે આ વાતનો સંબંધ સીધો સ્ત્રીઓની ‘હાઇજીન હૅબિટ્સ’ એટલે કે સ્વચ્છતા સાથે જોડવામાં આવે છે, જે સાચું નથી. આ સિવાય સ્ત્રીઓમાં જ્યાં ૭૦ ટકા UTIના ચાન્સ હોય છે એ સામે પુરુષોમાં ૩૦ ટકા જ એના ચાન્સ હોય છે. આ ચેપ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝની જેમ એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી. સેક્સ કરવાથી UTI થઈ શકે છે અથવા એ વકરી શકે છે, પરંતુ તમારે UTI થવા માટે જાતીય સંબંધ થયા જ હોય એવું ધારવાની જરૂર નથી. ટીનેજ છોકરીઓને પણ થઈ શકે છે. કોઈ પણ વસ્તુ, જે તમારા મૂત્રમાર્ગના સંપર્કમાં બૅક્ટેરિયા લાવે છે એ ચેપનું મુખ્ય કારણ બની શકે છે.’

પુરુષોને પણ આ ઇન્ફેક્શન થાય છે, પણ તેમનામાં એનાં લક્ષણો બહુ દેખીતાં નથી હોતાં.

શરીરરચના ભાગ ભજવે

ભારતમાં રૂઢિચુસ્ત માહોલમાં આજે પણ જ્યારે પુરુષોને આવું કશું થાય તો એ માટે તે પોતાની પાર્ટનરને જ જવાબદાર ગણે છે એટલું જ નહીં, અડધીપડધી સમજ રાખતા પુરુષો આવા સમયે પોતાની પત્નીની વફાદારી પર શક કરે છે. આ પણ એક મોટી ગેરસમજ છે. UTI આ રીતે નથી ફેલાતું. આ વાતનો વિસ્તાર કરતાં ડૉ. ચંદન મોરે કહે છે, ‘સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ વખત UTI થાય છે એનું કારણ તેની શરીરરચના છે, સ્વચ્છતા નહીં. આ કાંઈ એઇડ્સ નથી કે સંભોગથી એ ફેલાય! સ્ત્રીઓમાં મૂત્રમાર્ગ પુરુષો કરતાં ટૂંકો હોવાના લીધે બૅક્ટેરિયાને મૂત્રાશય સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે છે. આ સિવાય સ્ત્રીઓમાં મૂત્રમાર્ગ અને મળમાર્ગ

નજીક-નજીક જ હોય છે એટલે ત્યાં પણ E. coli બૅક્ટેરિયાનું ઇન્ફેકશન લાગવું બહુ જ સામાન્ય છે. આ સિવાય ગર્ભાવસ્થા, ડાયાબિટીઝ, વધતી જતી ઉંમર, મેનોપૉઝ અને બર્થ-કન્ટ્રોલ ટૅબ્લેટ્સને કારણે પણ ચેપ થઈ શકે છે. UTI મોટા ભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં મેનોપૉઝ પછી એસ્ટ્રોજનનું સ્તર ઘટી જાય છે અને યોનિમાર્ગ હાનિકારક બૅક્ટેરિયાને બહાર રાખતું એનું પ્રોટેક્ટિવ કવચ ગુમાવે છે. પુરુષોમાં પ્રોસ્ટેટ પચાસ વર્ષની ઉંમર પછી મોટું થવાનું શરૂ કરે છે. તેમના મૂત્રાશયમાં પેશાબ ફસાઈ જાય છે. આ સિવાય તમામ વૃદ્ધ વયસ્કોમાં કિડનીની પથરી અથવા ડાયાબિટીઝ જેવા રોગોથી દબાયેલી રોગપ્રતિકારક શક્તિને કારણે ચેપ લાગી શકે છે.’

ચેપનું નિદાન કઈ રીતે?

તમને UTI છે કે કેમ તે નક્કી કરવા એ ચેપ ક્યાં છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ઉપરાંત વારંવાર પેશાબ કરવા જવું, પેશાબમાં બળતરા થવી કે લોહી આવવું અથવા પેડુ આસપાસ દુખાવો થવો એ બધા મૂત્રમાર્ગનાં ચેપનાં લક્ષણો છે. જો પ્રાથમિક ઇન્ફેક્શનની સારવાર પૂરી ન થાય તો એ ચેપ છેક કિડની સુધી ફેલાઈ શકે છે. જો આવું થયું હોય તો પીઠ કે કમરના ભાગમાં દુખાવો થવો, ઠંડી સાથે તાવ આવવો, ઊલટી-ઊબકા જેવાં લક્ષણો જોવાં મળે. આ વિશે ડૉ. ચંદન કહે છે, ‘ઘણી વાર સ્ત્રીઓને એક વાર ચેપ લાગે એ પછી છએક મહિનામાં બીજી વાર પણ થાય છે. હકીકતમાં લગભગ ચારમાંથી એક મહિલાને છ મહિનામાં બીજી વાર ચેપ લાગે તો એમાં તેનો કોઈ વાંક નથી હોતો. તેમને એ બાબતે એવું લાગે છે કે સારવાર બરાબર નથી થઈ અથવા આવું વારંવાર થાય છે તો કશુંક ગંભીર હશે એવો ડર લાગે છે. વારંવાર ઊથલો મારતા ઇન્ફેક્શન માટે અમે મોટા ભાગે ઍન્ટિબાયોટિક આપીએ છીએ.’

યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શનનાં લક્ષણો શું છે?

બ્લૅડર ફુલ ન હોય તો પણ વારંવાર પેશાબ કરવાની તીવ્ર ઇચ્છા

પુરુષોમાં પેટમાં કે ગુદામાર્ગમાં દુખાવો

ઘાટો, ધૂંધળો અથવા લોહીવાળો પેશાબ

તાવ અને ઠંડી

સ્ત્રીઓમાં પેડુના નીચેના ભાગમાં દુખાવો અથવા દબાણ અનુભવવું

દુર્ગંધયુક્ત પેશાબ

ઊબકા અને ઊલટી

જ્યારે ચેપ કિડનીમાં ફેલાઈ

જાય છે ત્યારે તાવ, પીઠનો દુખાવો, બાજુમાં દુખાવો, શરદી અને ધ્રુજારી, ઊબકા-ઊલટી પણ થાય છે.

health tips life and style columnists