03 June, 2026 12:37 PM IST | Mumbai | Kajal Rampariya
સફેદ કોળું
આપણે ત્યાં સામાન્ય રીતે જે શાકની સૌથી વધુ ઉપેક્ષા થતી હોય છે એ જ ઘણી વખત ન્યુટ્રિશનનું પાવરહાઉસ નીકળે છે. એવું જ એક શાક છે ઍશ ગૉર્ડ એટલે કે સફેદ કોળું. આપણે એનો ઉપયોગ મોટા ભાગે પેઠા બનાવવા માટે કરીએ છીએ, પરંતુ એ આપણા શરીરની આંતરિક શુદ્ધિ એટલે કે ડીટૉક્સિફાય કરવામાં મદદરૂપ સાબિત થાય છે. બદલાતી જીવનશૈલીમાં આપણે જ્યારે મોંઘા ડાયટપ્લાન તરફ દોડી રહ્યા છીએ ત્યારે સફેદ કોળું લિવર અને કિડનીની હેલ્થ માટે બહુ સારું છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને ચોમાસું દસ્તક આપી રહ્યું છે ત્યારે બદલાતા વાતાવરણમાં ચયાપચયની ક્રિયા ધીમી પડે છે. આવા સમયે સફેદ કોળું શરીરને કઈ રીતે હેલ્ધી રાખે છે એ અનુભવી ન્યુટ્રિશનિસ્ટ અને બાયો-ઇન્ટ્યુઇટિવ હીલર રીમા ધોરાજીવાલા પાસેથી જાણીએ.
સફેદ કોળાના ગુણો વિશે વાત કરતાં જાણીતા ડાયટિશ્યન રીમા ધોરાજીવાલા કહે છે, ‘સફેદ કોળું પોષક તત્ત્વોનું એવું પાવરહાઉસ છે જે કૅલરીમાં અત્યંત ઓછું અને હાઇડ્રેશનમાં સર્વોત્તમ છે. એ માત્ર એક શાક નથી, ખાસ કરીને પિત્તદોષને શાંત કરનારું અને પાચનતંત્ર માટે અત્યંત જેન્ટલ સુપરફૂડ છે. ૧૦૦ ગ્રામ સફેદ કોળામાં શરીરને માત્ર ૧૭.૪૫ કૅલરી મળે છે જે બહુ ઓછી કહેવાય. તેથી એનું સેવન વજન ઘટાડવા માટે બહુ જ આઇડિયલ માનવામાં આવે છે. એમાં કાર્બોહાઇડ્રેટ્સ ૨.૮૪ ગ્રામ, પ્રોટીન ૦.૭૯ ગ્રામ, ફૅટ ૦.૧૪ ગ્રામ, ફાઇબર ૩.૩૭ ગ્રામ હોય છે જે પાચન સુધારે છે. એમાં પોટૅશિયમ સૌથી વધારે હોય છે જે કિડની માટે સારું હોય છે અને સાથે એ બ્લડ-શુગરને રેગ્યુલેટ કરે છે. એમાં મૅગ્નેશિયમ, કૅલ્શિયમ અને આયર્ન જેવાં મિનરલ્સ હોય છે. સફેદ કોળામાંથી વિટામિન C પણ ભરપૂર માત્રામાં મળતું હોવાથી એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ કરીને અત્યારે એટલે કે સીઝન બદલાઈ રહી છે એ સમયમાં સફેદ કોળાનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત આંખોને હેલ્ધી રાખનારાં તત્ત્વો પણ એમાં સમાયેલાં છે.
ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆત વચ્ચેનો જે ટ્રાન્ઝિશન પિરિયડ હોય છે એ બફારાનો હોય છે તો આવા સમયે ઍશ ગૉર્ડ કઈ રીતે કૂલિંગ અને હાઇડ્રેટિંગ એજન્ટ સાબિત થાય છે એની માહિતી આપતાં રીમા કહે છે, ‘વધતા ભેજને કારણે પરસેવો સુકાતો નથી અને શરીરની આંતરિક ગરમી વધી જાય છે. સફેદ કોળું પ્રકૃતિમાં અત્યંત શીતળ હોવાથી એ શરીરના તાપમાનને કુદરતી રીતે અંદરથી ઓછું કરે છે. આ સીઝનમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડવાની શક્યતા વધુ હોય છે. ત્યારે સફેદ કોળું શરીરના કોષોને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત બફારાને કારણે અળાઈઓ, ખંજવાળ કે ત્વચાનું ઇન્ફેક્શન વધે છે ત્યારે આ શાકનો જૂસ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને ત્વચાને ઠંડક આપીને આવા રોગોથી બચાવે છે. ભેજવાળા વાતાવરણમાં આપણને વારંવાર સુસ્તી અને થાક લાગે છે. સફેદ કોળાનું સેવન તરત જ તાજગી આપે છે.’
સફેદ કોળું ઘણી સમસ્યામાં દવા જેવું કામ કરે છે એમ જણાવીને રીમા કહે છે, ‘સફેદ કોળામાં કાર્બોહાઇડ્રેટ્સ બહુ ઓછાં હોય છે અને ગ્લાઇસેમિક લોડ એટલે કે શર્કરાનું પ્રમાણ નહીંવત્ હોવાથી બ્લડ-શુગરને કન્ટ્રોલમાં રાખે છે. તેથી ડાયાબિટીઝના દરદીઓ સફેદ કોળાને જૂસ, સૂપ કે શાક તરીકે આરોગી શકે છે. એમાં કુદરતી રીતે જ સોડિયમ ઓછું અને પોટૅશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં ફ્લુઇડનું બૅલૅન્સ જાળવીને બ્લડ-પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓ માટે સફેદ કોળાનું સેવન બહુ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત આજકાલ મહિલાઓમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ અને PMOS એટલે કે પૉલિએન્ડોક્રીન મેટાબૉલિક ઓવેરિયન સિન્ડ્રૉમ જે અગાઉ PCOS (પૉલિસિસ્ટિક ઓવરી સિડ્રૉમ) તરીકે ઓળખવામાં આવતું હતું જેવી સમસ્યા બહુ વધી ગઈ છે. સફેદ કોળામાં શર્કરાનું પ્રમાણ ઓછું હોવાને કારણે એ વજન મૅનેજ કરવામાં અને ડાયટપ્લાનમાં ડીટૉક્સ ડ્રિન્ક તરીકે સામેલ કરવાથી આ સમસ્યામાં અસરકારક સાબિત થાય છે. યુરિક ઍસિડનું પ્રમાણ વધારે રહેતું હોય એ લોકો જો સફેદ કોળાનું સેવન કરે તો યુરિન વાટે વધારાનો યુરિક ઍસિડ નીકળી જાય છે અને એ કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. આથી તેમના માટે આ બેસ્ટ શાકભાજી છે. પણ હા, જો કોઈને ક્રોનિક કિડની ડિસીઝ હોય અથવા ડૉક્ટરે પોટૅશિયમ ઓછું ખાવાની સલાહ આપી હોય તેમણે ડૉક્ટરની સલાહ વગર એ ખાવું જોઈએ નહીં.’
આજકાલ સોશ્યલ મીડિયા પર ડીટૉક્સ શબ્દ બહુ ફેમસ છે. રીમા આ અંગે સાયન્ટિફિક વાત સમજાવતાં કહે છે, ‘કોઈ એક સિંગલ ફૂડ શરીરનાં ટૉક્સિન્સ બહાર નથી ફેંકી શકતું. આપણું લિવર અને કિડની આ કામ જાતે જ કરે છે. જોકે સફેદ કોળું ભરપૂર પાણી અને ફાઇબરને કારણે લિવર-કિડનીની કાર્યક્ષમતા વધારે છે અને આંતરડાંને સાફ રાખીને બૉડીને નૅચરલી ડીટૉક્સ કરે છે.’
સફેદ કોળું ભલે અમૃત સમાન હોય, પણ એની અતિશય ઠંડી પ્રકૃતિ અને હાઈ-પોટૅશિયમ ગુણધર્મોને કારણે અમુક ચોક્કસ સ્વાસ્થ્ય-સમસ્યાઓ ધરાવતા લોકોએ આનું સેવન કરવાનું ટાળવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ પછી જ લેવું જોઈએ એમ જણાવીને રીમા કહે છે, ‘સફેદ કોળાની પ્રકૃતિ ખૂબ ઠંડી હોવાથી જે લોકોને વારંવાર શરદી, ઉધરસ, કફ, સાઇનસ, અસ્થમા કે બ્રૉન્કાઇટિસની તકલીફ રહેતી હોય તેમણે આ શાક ખાવું જોઈએ નહીં. જો લેવું જ હોય તો રાંધેલું શાક કે સૂપ જેમાં આદું અને મરી વધુ હોય એ લઈ શકાય. જે લોકોનું પાચન નબળું હોય, સાંધાના દુખાવા અને વાતની તકલીફ રહેતી હોય તેમણે આ શાકથી અંતર જાળવવું જ હિતાવહ છે.’
સફેદ કોળું એવા જૂજ ખોરાકમાં આવે છે જેને પચાવવા માટે શરીરને જેટલી ઊર્જા વાપરવી પડે છે એના કરતાં ઓછી કૅલરી આ ફળમાંથી મળે છે. આથી તેને નેગેટિવ કૅલરી ફૂડ કહેવાય છે જે વેઇટલૉસ માટે આશીર્વાદ સમાન છે.
માત્ર ભારતીય આયુર્વેદ જ નહીં, સદીઓ જૂની ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનમાં પણ સફેદ કોળાનો ઉપયોગ શરીરની આંતરિક ગરમી શાંત કરવા અને યુરિનરી ટ્રૅક્ટના ઇન્ફેક્શનને મટાડવા માટે થતો આવ્યો છે.
આ શાકની સૌથી અદ્ભુત બાબત એ છે કે એને વેલ પરથી તોડ્યા પછી પણ જો કાપવામાં ન આવે તો એ કોઈ પણ જાતના કોલ્ડ સ્ટોરેજ વગર ત્રણથી પાંચ મહિના સુધી બગડતું નથી. એના પર રહેલું સફેદ પાઉડર જેવું કુદરતી મીણ એનું વાતાવરણ સામે રક્ષણ કરે છે.
તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણ જેવાં રાજ્યોમાં ભાગ્યે જ એવી દુકાન કે ઘર હશે જેની બહાર સફેદ કોળું લટકાવેલું ન હોય. આ શાકમાં નકારાત્મક વાઇબ્સને શોષી લેવાની ક્ષમતા હોવાથી નજર ઉતારવા માટે એનો ઉપયોગ થાય છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ નવાં કાર્યો શરૂ કરતાં પહેલાં નકારાત્મક ઊર્જાથી બચવા કોળા પર કાળો રંગ લગાવીને લટકાવવામાં આવે છે.
ઍશ ગૉર્ડ અને કોથમીરનો જૂસ : ૧ કપ સફેદ કોળાના ટુકડા અને મુઠ્ઠીભર કોથમીરને બ્લેન્ડ કરી, ગાળીને સવારે ખાલી પેટે પીઓ. ઍસિડિટી અને યુરિક ઍસિડની સમસ્યામાં ફાયદો થશે.
સફેદ કોળાનો સૂપ : કોળાના ટુકડાને આદું, કાળા મરી અને કોથમીર સાથે ઉકાળીને બ્લેન્ડ કરી લો. વેઇટલૉસ અને બદલાતી ઋતુમાં રિકવરી માટે બેસ્ટ છે.
શાક : સફેદ કોળાને જીરું, મીઠો લીમડો, કોથમીર અને બેસિક મસાલા ઉમેરી એનું શાક બનાવીને ખાઈ શકાય.
ઍશ ગૉર્ડ મિન્ટ કૂલર : સફેદ કોળું, ફુદીનો, કોથમીર અને આદુંના ટુકડાને બ્લેન્ડ કરીને ફ્રેશ ડ્રિન્ક તરીકે પણ પી શકાય.
પૌષ્ટિક દાળ : મગ અથવા મસૂરની દાળ બનાવતી વખતે એમાં સફેદ કોળાના ટુકડા ઉમેરી દો. આનાથી દાળ સુપાચ્ય બનશે અને પ્રોટીનની ગુણવત્તા પણ વધશે.