સવારના સમયે ખાંસી સાથે કફ બહુ નીકળે છે, શું કરવું?

06 April, 2021 03:09 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

હેમંત અને શિશિર ઋતુમાં શરીરમાં કફનો ભરાવો થાય અને વસંત ઋતુમાં ગરમીની શરૂઆત થાય એટલે કફ પીગળવાનું શરૂ થાય અને નીકળે છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૨ વર્ષની છે. સામાન્ય રીતે મને બહુ કફ થતો નથી, પણ છેલ્લા સાત-આઠ દિવસથી સવારના સમયે ખૂબ કફ નીકળે છે. સવારે ગળામાં ખરાશ જેવું લાગે અને થોડીક ખાંસી ખાઉં એટલે કફ નીકળી જાય. આવું કેમ થતું હશે? અત્યારે કોરોનાનો ભય વ્યાપેલો છે ત્યારે ડર પણ લાગે કે ક્યાંક ચેપ તો નહીં હોયને? જોકે દિવસ દરમ્યાન કફ કે ખાંસી જેવું બહુ વર્તાતું નથી. સવારના સમયે જાણે કફ ગળામાં ચીપકી ગયો હોય એવું લાગે છે. સવારના સમયે એટલે જ ખાંસી જેવું વર્તાય છે અને થોડીક ખાંસી ખાઉં એટલે નીકળી પણ જાય છે. કોઈ આયુર્વેદિક ઉપાય ખરો?

 

તમારાં લક્ષણો પરથી લાગે છે કે સમસ્યા સીઝનને કારણે થયેલી છે. હેમંત અને શિશિર ઋતુમાં શરીરમાં કફનો ભરાવો થાય અને વસંત ઋતુમાં ગરમીની શરૂઆત થાય એટલે કફ પીગળવાનું શરૂ થાય અને નીકળે છે. આ જ કારણોસર આ સીઝનમાં ગરમીની શરદી થવાનું પ્રમાણ પણ વધી જાય છે. કફનો કાળ છે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પછીનો પહેલો પ્રહર. આ બે કાળમાં કફનું આધિક્ય વર્તાય છે. તમને સવારના સમયે કફ નીકળી જાય છે એ સારું જ લક્ષણ છે.

કફ શરીરને પોષણ અને લુબ્રિકેશન આપવાનું કામ કરે છે, પરંતુ જ્યારે એમાં વિકૃતિ થાય છે ત્યારે આપણને તકલીફ આપે છે. કફનો સૌથી મોટો અને રામબાણ ઇલાજ છે શોધન અને શોધન માટે વમન કરાવવામાં આવે છે. વમન કરવાથી કફ ખેંચાઈને વૉમિટિંગ વાટે બહાર નીકળી જાય છે અને શરીરને શુદ્ધ કરવાનું કામ કરે છે. એવું જોવા મળ્યું છે કે વમન કરનારાઓમાં કોરોનાનો ચેપ લાગવાની સંભાવના પણ ઘટી જાય છે.

આ સીઝનમાં દિવસ દરમ્યાન ગરમ પાણી અને એ પણ સૂંઠ નાખીને ગરમ કરેલું પાણી પીવાનું રાખવું. સહેજ પણ અકરાંતિયાની જેમ ખાવું નહીં.

વસંતઋતુ જન્ય કફની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો ગુઢીપડવાની શરૂઆત થાય એટલે લીમડાનાં કૂમળાં પાન ચપટીક ગોળ સાથે ચાવીને ખાઈ જવાં. કફના ઔષધ તરીકે ત્રિકટુ તેમ જ આદું જેવી ઔષધિઓનું સેવન કરવું. યાદ રહે, રોગનાં લક્ષણો જેટલી માત્રામાં હોય એ મુજબ જ આ ઔષધોનું સેવન કરવું.

columnists