૧૮ વર્ષ પહેલાં દાંત પર કરાવેલી કૅપમાં સડો થાય તો બદલાવવી જોઈએ?

05 September, 2023 09:09 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

બાજુનો દાંત દુખતો નથી પણ  એની સાઇડનો ભાગ કાળો થઈ ગયો છે અને જીભ પર એની ધાર વાગે છે. કૅપ લગાવ્યાને ૧૮ વર્ષ થઈ ગયા છે. તો શું કૅપ કાઢીને સાફ કરાવવી જોઈએ?    

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને જમ્યા પછી ટૂથપિકથી દાંત ખોતરવાની આદત છે. એને કારણે બે દાંત વચ્ચેનાં પેઢાં બહુ સેન્સિટિવ થઈ ગયા છે. બાળપણમાં ઍક્સિડન્ટને કારણે આગળની સાઇડના બે દાંત તૂટી ગયેલા એની પર આજુબાજુના બે દાંત ઘસીને ચાર દાંતની કૅપ બનાવી હતી. હવે એ કૅપની અંદર ફૂડ ભરાઈ જવાને કારણે તકલીફ થાય છે. ટૂથપિકથી સાફ કરું છું પણ એ છતાં એ બાજુનાં પેઢાં ડાર્ક થઈ ગયા છે. હમણાંથી કૅપની બાજુના દાંત પર પણ અસર થતી હોય એવું લાગે છે. બાજુનો દાંત દુખતો નથી પણ  એની સાઇડનો ભાગ કાળો થઈ ગયો છે અને જીભ પર એની ધાર વાગે છે. કૅપ લગાવ્યાને ૧૮ વર્ષ થઈ ગયા છે. તો શું કૅપ કાઢીને સાફ કરાવવી જોઈએ?
   
તમારા સવાલનો જવાબ આપતાં પહેલાં મારે તમને એક સવાલ પૂછવો છે. તમે મોબાઇલ તો વાપરતા જ હશો. એ કેટલા વર્ષે રિપ્લેસ કરો છો? મોબાઇલ બગડે કે ન બગડે, બે-ત્રણ કે ચાર વર્ષે તમે એને રિપ્લેસ કરો જ છોને?

જે મશીન નિર્જીવ છે એને જો યોગ્ય રીતે કામ કરવા માટે ત્રણ-ચાર વર્ષે સર્વિસિંગ કે રિપ્લેસમેન્ટની જરૂર પડતી હોય તો તમારા શરીરનો ભાગ બની ગયેલી દાંતની કૅપ બરાબર છે કે નહીં એનું ચેકિંગ ૧૮ વર્ષ સુધી કેમ ન કરવું? 

તમારાં પેઢાં કાળાં પડી ગયાં છે. ઉંમરને કારણે પેઢાં નબળાં પડે છે અને લાંબા સમયથી કૅપ લાગેલી હોવાથી પેઢાં અને દાંતની કૅપ વચ્ચે ગૅપ બની ગઈ છે. જ્યાં ગૅપ હોય ત્યાં ફૂડ પાર્ટિકલ્સ ભરાયેલાં રહેવાનાં જ. એ કચરો ભરાય અને જમા થાય એટલે સડો પણ થવાનો જ. એને તમે ભલે ટૂથપિકથી કાઢી નાખો, ગૅપની સફાઈ બરાબર નહીં જ થવાની. સડો થવાને કારણે જ એની ધાર જીભ પર વાગી રહી છે. 

તમે જે વર્ણન કર્યું છે એ જોતાં આ મામલે જેટલું બને એટલું જલદી ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે. બની શકે કે જે ચાર દાંત પર કૅપ બેસાડેલી છે એમાં અંદર પણ સડો થયો હોય. જો એમ હોય તો એને સાચવવા માટે જલદીથી સારવારની જરૂર છે. ડેન્ટિસ્ટ ચેક કરીને કહેશે કે એ દાંત અને પેઢાં વચ્ચે એક્ઝૅક્ટલી શું તકલીફ છે. તમારાં લક્ષણો પરથી પહેલી નજરે તો એવું લાગે છે કે તમારે કૅપ રિપ્લેસ કરાવવી પડશે. 

health tips columnists life and style