પગની આંગળીમાં થતા દુખાવા માટે શું કરવું?

08 June, 2021 03:38 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

ઘણી વાર ખોટી સાઇઝના ખોટા પગરખા પહેરીએ તો આવી તકલીફ ઊભી થતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

હું ૫૭ વર્ષની છું. મારું વજન ૬૦ કિલો અને હાઇટ ૫’૬” છે. છેલ્લા એક વર્ષથી મને પગના અંગૂઠાની બાજુની આંગળીની નીચે સખત દુખાવો થાય છે. મેં ડૉક્ટરને બતાવ્યું અને તેમના કહેવા પ્રમાણે એક્સ-રે, યુરિક ઍસિડ પણ મપાવી જોયું, પરંતુ બધું નૉર્મલ છે. જ્યારે ચાલુ ત્યારે જ દુખે છે. હું પ્લૅન્ક એક્સરસાઇઝ કરું છું, શું મને એના લીધે દુખાવો થઈ ગયો હશે? કયો ઉપાય કરવાથી અને કયા ક્ષેત્રના ડૉક્ટરને બતાવવાથી આ દુખાવો દૂર થઈ શકે?

તમારો પ્રૉબ્લેમ સૂચવે છે કે કદાચ તમને પગરખાની તકલીફ હોય. ઘણી વાર ખોટી સાઇઝના ખોટા પગરખા પહેરીએ તો આવી તકલીફ ઊભી થતી હોય છે. પહેલી વાત તો એ કે તમે ઉઘાડા પગે ફરો નહીં. ઘરમાં પણ ગાદીવાળા, સારી ક્વૉલિટીના સ્લીપર્સ પહેરીને જ રાખો. બહાર જાઓ ત્યારે પણ સ્પોર્ટ્સ શૂઝ પહેરો અથવા ડૉક્ટર્સ ચંપલ પહેરો. સારી ક્વૉલિટીના સારા શૂઝ અત્યંત જરૂરી છે. એનાથી ૨-૩ મહિનામાં તમને આપોઆપ ફરક દેખાશે. જો તો પણ કોઈ ફરક ન દેખાય તો ડૉક્ટરને મળવું જરૂરી છે.

એક્સ-રે અને યુરિક ઍસિડના રિપોર્ટ કરાવવા જરૂરી હતા, જે તમે કરાવ્યા એ સારું કર્યું. એમાં કઈ નથી નીકળ્યું અને રિપોર્ટ્સ નૉર્મલ છે તો તમે કોઈ પણ ઑર્થોપેડિક સર્જનને બતાવો. ક્લિનિકલ ચેક-અપમાં ઘણી વખત ખબર પડી શકે છે. પગના અંગૂઠાની બાજુની આંગળીમાં કૉર્ન કે કેરેટોલિસિસ જેવી તકલીફ પણ હોઈ શકે છે. તમે એ જગ્યાએ દબાવો તો એનાથી સમજાશે. ઉપરની ચામડી એકદમ કડક થઈ જાય છે અને એક બિંદુ પર ખૂબ દુખે છે. આ પ્રકારની તકલીફ એ સ્કીનને ઘસવાથી દૂર થાય છે. ફૂટ સ્પામાં આ કામ થઈ શકે. બીજી શક્યતા એમ પણ છે કે ન્યુરોમા હોય એટલે કે નસમાંથી ગાંઠ ઉદ્ભવે છે. એના નિદાન માટે સ્કૅન કરવું જરૂરી છે, પરંતુ એ સ્કૅનનો નિર્ણય તમારા ઑર્થોપેડિક સર્જન જ લઈ શકે. જો એ કારણ પણ ન હોય તો એ જગ્યાએ એક સ્ટેરૉઇડનું ઇન્જેક્શન ઘણું જ કામ લાગી શકે છે. બાકી પ્લૅન્ક એક્સરસાઇઝને કારણે પણ આવું થઈ શકે છે. પ્લૅન્કમાં જો એ આંગળી પર પ્રેશર આવતું હોય તો કદાચ એવું થઈ શકે. આ માટે પ્લૅન્કને જુદી રીતે ટ્રાય કરો, જેમાં અંગૂઠા અને આંગળી પર પ્રેશર ન આવે. કરીને જુઓ, કદાચ ફાયદો દેખાય.

columnists