સમય સે પહલે પ્યુબર્ટી?

11 June, 2021 02:09 PM IST  |  Mumbai | Jigisha Jain

ઇટાલિયન જર્નલ ઑફ પીડિયાટ્રિક્સમાં છપાયેલા અભ્યાસ મુજબ ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન અર્લી પ્યુબર્ટીના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ સ્થિતિ લગભગ એવી જ છે ત્યારે પ્રિકૉશ્યસ પ્યુબર્ટી પાછળનાં કારણો આજે સમજવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

નવ વર્ષની અનાયાને છેલ્લા બે મહિનાથી પિરિયડ્સ શરૂ થઈ ગયા છે. એ પણ ૧૦ દિવસ સતત બ્લીડિંગ સહન કરે છે. તેને ફક્ત દુખતું જ નથી, પરંતુ ખૂબ જ નબળાઈ પણ આવી જાય છે. આ છોકરીનો ઇલાજ હાલમાં ચાલુ છે.

આઠ વર્ષના નીરજને છેલ્લા બે મહિનાથી શરીરમાં જુદી-જુદી જગ્યાએ વાળ ઊગવાનું શરૂ થઈ ગયું હતું અને એની સાથે ઍક્નેની તકલીફ પણ ચાલુ થઈ ગઈ હતી. પહેલાં તેની મમ્મીને સમજાયું નહીં, પરંતુ પછી લાગ્યું કે ડૉક્ટરને બતાવવું જ પડશે. ડૉક્ટરે કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં નીરજનું વજન દસેક કિલ્લો જેટલું વધ્યું હતું જેને કારણે અમુક પ્રકારના હૉર્મોનલ ઇશ્યુઝ શરૂ થયા છે.

૮ વર્ષની કાવ્યાની હાઇટ ફક્ત ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી છે. આમ તો ઉંમર પ્રમાણે તેની હાઇટ સારી જ છે, પરંતુ તેના પિરિયડ્સ શરૂ થઈ ગયા છે જેને કારણે હવે તેની હાઇટ વધવાની શક્યતા ઘણી ઓછી ગણાય. આ બાબતે તેનાં માતા-પિતા ઘણા ડૉક્ટર્સને મળી રહ્યાં છે અને કોશિશ કરી રહ્યાં છે કે કાવ્યાની હાઇટ થોડી વધી જાય તો સારું પડે.

કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી બાળકો બિચારાં ઘરમાં ગોંધાઈ ગયાં છે. જેમની દુનિયા રમતનું મેદાન હતું તેમની દુનિયા ઘરની ચાર દીવાલ અને લૅપટૉપ કે ટૅબ્લેટની સ્ક્રીન સુધી સીમિત થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં માનસિક બદલાવની સાથે-સાથે ઘણા શારીરિક બદલાવ પણ આવી રહ્યા છે. આમ પણ છેલ્લાં દસેક વર્ષથી સમગ્ર દુનિયામાં પ્યુબર્ટીની ઉંમર આગળ ધકેલાતી જાય છે. સામાન્ય રીતે ભારતમાં છોકરીઓ ૧૦થી ૧૪ વર્ષની અંદર પુખ્ત બનવાનું શરૂ થાય છે, જ્યારે છોકરાઓમાં આ ઉંમર ૧૨થી ૧૬ વર્ષની હોય છે. જોકે નાની ઉંમરે પ્યુબર્ટીની શરૂઆત થતી હોય એવાં બાળકોની સંખ્યામાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થતો જાય છે. પ્યુબર્ટી જો છોકરીઓમાં ૮ વર્ષની ઉંમરથી અને છોકરાઓમાં ૯ વર્ષની ઉંમર પહેલાં આવી જાય તો એને પ્રીકૉશ્યસ પ્યુબર્ટી કહે છે. એમાં છેલ્લા વર્ષમાં તો તેમની બદલાયેલી દિનચર્યાને કારણે તેમનામાં ઘણા બદલાવ આવ્યા છે જેને કારણે આપણે ત્યાં પણ પ્રીકૉશ્યસ પ્યુબર્ટીના કેસ વધતા જાય છે. હાલમાં ઇટાલિયન જર્નલ ઑફ પીડિયાટ્રિક્સમાં છપાયેલા એક સ્ટડી અનુસાર ત્યાંની એક હૉસ્પિટલમાં માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૦માં ૨૪૬ બાળકો એવાં હતાં જેમને પ્રીકૉશ્યસ પ્યુબર્ટીની તકલીફ હતી. આ આંકડો એના એક વર્ષ પહેલાં ૧૧૮ હતો. પ્યુબર્ટી જિનેટિકલ હોય છે. જે ઉંમરમાં બાળકનાં માતા કે પિતાને પ્યુબર્ટી શરૂ થઈ હોય એ જ ઉંમરમાં બાળકને પણ શરૂ થાય છે. જોકે એવી કઈ બાબત છે જેને લીધે બાળકો નાની ઉંમરે પ્યુબર્ટીમાં પ્રવેશે છે એ આજે સમજીએ.

લાઇફ પૅટર્નમાં બદલાવ

આજકાલ બાળકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે જેને કારણે તેમનામાં હૉર્મોનલ બદલાવ આવી શકે છે. એના તરફ ધ્યાન દોરતાં જુહુની ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘બાળકોની આજકાલ સ્લીપિંગ પૅટર્ન બદલાઈ ગઈ છે. ઘણાં બાળકો રાત આખી જાગીને દિવસે સૂઈ રહે છે. આ સિવાય ફૂડ-હૅબિટ્સ બદલાઈ ગઈ છે. બહારનું ફૂડ ભલે બંધ થઈ ગયું, પરંતુ પૅકેટ ફૂડ્સ અને બેકરી ફૂડ્સ વધારે ખવાઈ રહ્યાં છે. આ સિવાય આખો દિવસ તેમની ફિઝિકલ ઍક્ટિવિટી ઝીરો થઈ ગઈ છે. આ બધાં જ કારણો તેમને ઓબીસ બનાવી રહ્યાં છે અને ઓબેસિટી શરીરમાં હૉર્મોન્સને ઇમ્બૅલૅન્સ કરતી હોય છે. બાળકોમાં હૉર્મોન્સને બૅલૅન્સ રાખવા માટે જરૂરી છે કે તેમનું વજન માપમાં રહે અને તેમણે ફિઝિકલી ઍક્ટિવ રાખવામાં આવે.’

હૉર્મોનલ અસંતુલન

આ સિવાય હૉર્મોન્સને ઇમ્બૅલૅન્સ કરવા માટે કયાં પરિબળો કામ કરે છે એ વિશે વાત કરતાં ક્લિનિકલ ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. સમુદ્રિકા પાટીલ કહે છે, ‘આ પૅન્ડેમિકમાં આપણને લાગે છે કે બાળકોમાં કોઈ સ્ટ્રેસ નથી, પરંતુ એવું નથી. જ્યારે બાળકોની આજુબાજુની દુનિયા સ્ટ્રેસમાં જીવે છે ત્યારે એ લોકો એનાથી કઈ રીતે બચી શકે? ઘણાબધા ઇન્ટરનૅશનલ સ્ટડીઝ પણ કહે છે કે આ પૅન્ડેમિકમાં બાળકોની માનસિક હેલ્થમાં ઘણા બદલાવ આવ્યા છે જે હૉર્મોન્સના ડિસ્ટર્બન્સ માટે જવાબદાર બને છે. આ સિવાય આજે બાળકોનાં સાથી ગૅજેટ્સ બની ગયાં છે. ૨૪ કલાક તેઓ લૅપટૉપ અને મોબાઇલની સ્ક્રીન સાથે જોડાયેલાં રહે છે. આ ગૅજેટ્સના ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડ્સ બાળકોની ઍન્ડોક્રાઇન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે.’

કસમયે મૅચ્યોરિટી

માનસિક સ્થિતિ બાળકના શારીરિક ગ્રોથને કઈ રીતે ઝડપી બનાવે છે એ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘આમ તો દરેક વ્યક્તિને તેની ઉંમરની વ્યક્તિની કંપની ગમતી હોય છે, પરંતુ બાળકો માટે એ અત્યંત જરૂરી છે. ૮થી ૧૮ વર્ષની વય એવી છે જેમાં શારીરિકથી માંડીને માનસિક ઘણા ફેરફાર બાળકોમાં આવે છે. આ એ જ ઉંમર છે જ્યારે માતા-પિતા વિલન લાગવા લાગે છે અને મિત્રો પોતાનાથી પણ વધુ ગમવા લાગે છે. કોરોનાકાળમાં બાળકોથી તેમના મિત્રો છીનવાઈ ગયા છે જેને લીધે એ લોકો ભયંકર ફ્રસ્ટ્રેશનમાં છે. મોટા ભાગનાં બાળકો અંદરથી ગભરાઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં તેઓ ગૅજેટ્સમાં પોતાને બિઝી રાખી રહ્યાં છે જેને લીધે તેઓ રિલૅક્સ થવાને બદલે વધુ થાકી રહ્યાં છે, વધુ અંદર ભરી રહ્યાં છે. આ પરિસ્થિતિ ચિંતાજનક છે. આ પરિસ્થિતિ તેમના હૉર્મોન્સ પર અસર કરે છે. બીજું એ કે આજના બાળક પાસે અઢળક એક્સપોઝર છે. તેને ખૂબ જલદી મોટા થઈ જવું છે અને જ્યારે માનસિક રીતે તમે જલદી મોટા થઈ રહ્યા હો તો શારીરિક રીતે પણ જલદી મોટા થવાતું હોય છે. આવા કસમયે આવી જતી મૅચ્યૉરિટીથી તેને બચાવવું જરૂરી છે.’

અર્લી પ્યુબર્ટી ન આવે એ માટે શું કરવું?

- બાળકોને ફિઝિકલી ઍક્ટિવ રાખો. ભલે ઘરની બહાર ન લઈ જાઓ, પરંતુ ઘરના કામમાં, યોગમાં અને જુદી-જુદી રમતોમાં તેમને ઍક્ટિવ રાખો.

- જનરલી આ ઉંમરનાં બાળકો માટે એવી સલાહ આપવામાં આવે છે કે તેમને મુક્ત રાખો. જોકે આજની પરિસ્થિતિમાં એવું કહેવું પડશે કે તેમને જરૂરી સમય આપો, કારણ કે તેમની પાસે મિત્રો નથી. તમે તેમના મિત્રો બનીને તેમની સાથે રહો. તેની માનસિક હેલ્થ માટે એ જરૂરી છે.

- મિત્ર બનવાના ચક્કરમાં તમે તેને જે કરવું છે એ કરવા દો એ પણ બરાબર નથી. ખાસ કરીને તેનું શેડ્યુલ તમે કડકાઈ સાથે ગોઠવો અને જુઓ કે એ બરાબર ફૉલો કરે. સમય પર સૂવું અને સમય પર જમવું ખૂબ જરૂરી છે. હેલ્ધી ખાવું ખૂબ જરૂરી છે. ગૅજેટ સાથે લિમિટેડ ટાઇમ જ વિતાવવો, એનાથી વધુ નહીં એ નિયમ પાળવો જરૂરી છે. એટલે એમાં બાંધછોડ ન કરો.

- આજકાલ બાળકો ખૂબ જલદી મૅચ્યૉર બની રહ્યાં છે. તેમનું બાળપણ સાવ છીનવાઈ રહ્યું છે. તમારા બાળકને બાળક બનીને રહેવામાં મદદ કરો. બાળકને સ્માર્ટ બનાવવાના ચક્કરમાં તેનું ભોળપણ છીનવાઈ ન જાય એનું ધ્યાન રાખો.

columnists Jigisha Jain