10 February, 2023 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
મારું બાળક બે મહિનાનું છે. જન્મથી તેને સ્તનપાન વ્યવસ્થિત કરવામાં દસેક દિવસ નીકળી ગયા. મેં ખૂબ સ્ટ્રગલ કરી, પણ પછી થોડા દિવસમાં બધું થાળે પડતું લાગેલું. છેલ્લા એકાદ અઠવાડિયાથી મને લાગે છે કે તે ભૂખ્યું રહી જાય છે. દૂધ તેને ઓછું પડે છે એટલે તે ખૂબ ઇરિટેટ થઈ જાય છે. દૂધ ઓછું પડતું હોય તો ફૉર્મ્યુલા મિલ્ક ચાલુ કરું?
ઘણી સ્ત્રીઓને શરૂઆતમાં તો દૂધ વ્યવસ્થિત જ આવતું હોય છે, પરંતુ પાછળથી પીવડાવતાં-પીવડાવતાં જેમ બાળક મોટું થતું જાય અને તેની માગ વધતી જાય એમ દૂધ ઓછું પડે છે. આવું શા માટે થાય છે એ સમજવાની કોશિશ કરીએ તો સ્ત્રીના દૂધનો સીધો સંબંધ બાળક કેટલું દૂધ ખેંચે છે એના પર હોય છે. તમને દૂધ ઓછું થતું લાગે તો તમારે બાળકને વારંવાર સ્તન પાસે રાખવું અને તેને દૂધ ખેંચવા દેવું. આ રીતે ફરક પડી શકે છે. શરૂઆતમાં દૂધ નહીં આવે એટલે બાળક છોડી દે અને વધુ ખેંચે નહીં એવું પણ બને, પરંતુ ધીરજ રાખજો. તેને થોડા-થોડા સમયે સ્તન પાસે લઈ આવવું. તે દૂધ ખેંચશે તો દૂધ આપોઆપ વધશે.
આ સિવાય સ્ટ્રેસ કે ખાનપાન બરાબર ન હોય તો પણ ફરક પડી શકે છે. વધુ પ્રવાહી લો. દૂધ, નારિયેળપાણી કે પ્રવાહી વસ્તુ લેવાથી, અંતે કઈ નહીં તો પાણી પણ વધુ પીવાથી દૂધનું પ્રોડક્શન વધે છે. ડિલિવરી પછી સ્ત્રીની સંપૂર્ણ રીતે બદલાઈ ગયેલી દુનિયાની અસર સ્ત્રીના મન પર ઘણી રહે છે, જેને લીધે ડીપ્રેશન, નકારાત્મકતા અને સ્ટ્રેસ વધી જાય છે. આ એક મોટું કારણ છે સ્ત્રીનું દૂધ ઓછું થવા પાછળ. બાળકની સાથે-સાથે સ્ત્રીને પણ અત્યંત કાળજીની જરૂર હોય છે. જો તમને લાગે કે સ્ટ્રેસ વધુ છે તો કામ વહેંચતા શીખો. જવાબદારી વહેંચી લો. ફૉર્મ્યુલા મિલ્ક એ સાવ છેલ્લું ઑપ્શન રાખજો. કઈ જ ન થઈ શકે અને બાળક ખૂબ પરેશાન કરી રહ્યું હોય તો ફૉર્મ્યુલા મિલ્ક આપજો, પરંતુ એ પરિસ્થિતિ આવે એ પહેલાં જ થોડા પ્રયત્નો વધારી દો. મનથી મક્કમ રહો કે મારે મારા બાળકને સ્તનપાન કરાવવું જ છે, એનાથી પણ ફરક પડશે. હજી તમારું બાળક નાનું છે. તેને સ્તનપાન કરવાની જરૂર છે. તેના માટે થઈને પ્રયત્ન વધારો.