મોઢામાંથી દુર્ગંધ પાછળ શું કારણ હોઈ શકે?

21 June, 2021 04:16 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

મોઢામાંથી દુર્ગંધ એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ એની પાછળ જુદાં-જુદાં કારણો જવાબદાર હોય

પ્રતીકાત્મક તસવીર

હું ૪૫ વર્ષનો છું અને મને છેલ્લા ૬ મહિનાથી મોઢામાં વાસની તકલીફ શરૂ થઈ ગઈ છે. દુર્ગંધ મારતું મોઢું કોને ગમે. તકલીફ એ છે કે દુર્ગંધની સમજ ખુદને ઓછી પડે છે અને આસપાસના લોકોને વધુ. એને દૂર કરવા મેં માઉથવૉશ વાપરવાનું શરૂ કર્યું, પરંતુ એ ખાસ કામ નથી આવતું. મને મુખવાસ કે ઇલાયચી ખાવાનું ગમતું ન હોવા છતાં ચાવતા રહેવું પડે છે. હું શું કરું?      

મોઢામાંથી દુર્ગંધ એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ એની પાછળ જુદાં-જુદાં કારણો જવાબદાર હોય છે. દાંતના કોઈ પણ પ્રૉબ્લેમનું એક મોટું લક્ષણ મોઢામાંથી આવતી વાસ છે. મોઢામાં દાંત વચ્ચે ફસાયેલા ખોરાકમાં બૅક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે અમુક પ્રકારના દુર્ગંધવાળા ગૅસ ઉત્પન્ન કરે છે અને એમાંથી નીકળતા ગૅસને કારણે મોઢામાંથી વાસ આવે છે. આ સિવાય પાણી ઓછું પીવાતું હોય તો મોઢું સૂકું થઈ જતું હોય છે કે પછી ઘણા લોકોને મોઢામાં લાળ ઓછી બનતી હોય છે. સૂકા મોઢામાં પણ બૅક્ટેરિયા ખૂબ જલદીથી ઉત્પન્ન થાય છે અને એ બૅક્ટેરિયાને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને પાચનને લગતા પ્રૉબ્લેમ્સ હોય જેમ કે અપચો હોય કે કબજિયાત હોય ત્યારે તેના મોઢામાંથી વાસ આવી શકે છે. આ ઉપરાંત કોઈ પ્રકારનું ગાળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ મોઢામાંથી વાસ આવી શકે છે. ડુંગળી, લસણ, કૉફી લેતા હોય, તંબાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય તેવી વ્યક્તિઓના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે. જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શ્વસનને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ જેમ કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફમાં તેના મોઢામાંથી વાસ આવી શકે છે. આ માટે તમારે દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. તમે માઉથવૉશ વાપરો છો એ ફક્ત મોંને સાફ કરે છે, દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને નહીં, જે વાસ માટે જવાબદાર બને છે. માટે માઉથવૉશ કરતાં પણ વધુ જરૂરી બ્રશિંગ છે. તમે બરાબર ૩ લિટર પાણી પીવો છો કે નહીં એની કાળજી રાખવી જરૂરી છે. જો વાસનો પ્રૉબ્લેમ અવગણવામાં આવે તો ભવિષ્યમાં દાંતનો સડો, દાંતનું ઘસાઈ જવું કે દાંત ખવાઈ જવા કે પેઢાની તકલીફ થઈ શકે છે. માટે વહેલાસર એનું નિદાન કરી ઇલાજ કરવો જરૂરી છે.

columnists