13 February, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો માટે અસ્થમા એક શ્વાસ સંબંધિત બીમારી છે જે ફેફસાં અને શ્વસન માર્ગને અસર કરે છે. એ એક પ્રકારની ઍલર્જી છે જે રોગપ્રતિકારક શક્તિ પર નિર્ભર કરે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ વ્યક્તિની માનસિક હેલ્થ સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ વ્યક્તિ ખૂબ જ ડરી જાય ત્યારે તરત જ તેને સુ-સુ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ અસુરક્ષિતતા અનુભવે છે ત્યારે તેને કબજિયાત થઈ જાય છે. ખાસ કરીને જેટલા પણ ઇન્ફ્લમેશન સાથે સંકળાયેલા રોગો છે એનો સીધો સંબંધ માનસિક અવસ્થા સાથે છે. અસ્થમા પણ આ જ પ્રકારનો રોગ છે.
બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે જો મા ડિપ્રેસ્ડ હોય તો બાળકને જન્મ પછી અસ્થમા થવાની શક્યતા રહે છે એવું ઘણાં રિસર્ચે સાબિત કરી દીધું છે. જો માતાની માનસિક અવસ્થા ગર્ભમાંના બાળકને અસ્થમા આપી શકે છે તો બાળકની ખુદની માનસિક અવસ્થા તો તેના શરીર પર અસર કરે જ એમાં શંકા ન હોઈ શકે. જ્યારે બાળક સ્ટ્રેસમાં આવે ત્યારે એવું શું થાય છે જેને કારણે તેના પર અસ્થમાનું રિસ્ક વધી જાય છે? બાળકને જ્યારે કોઈ પણ પ્રકારની ચિંતા, ડર કે અસુરક્ષાની ભાવનામાંથી પસાર થવું પડે છે એ ભાવ તેના મગજમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે અને આ સ્ટ્રેસ શરીરમાં ઇન્ફ્લૅમેટરી ડિસીઝ માટે જવાબદાર બને છે. અસ્થમા એ રોગોમાંનો એક છે.
અસ્થમા થયા પછી પણ વ્યક્તિની માનસિક અવસ્થા તેના રોગ પર અસરકર્તા બને છે. ઘણાં એવાં રિસર્ચ છે જે બતાવે છે કે મોટા ભાગનાં બાળકોને એક્ઝામ સમયે અસ્થમાનો અટૅક આવે છે. એવાં બાળકો જેમનો અસ્થમા હંમેશાં કન્ટ્રોલમાં રહેતો
હોય તેમને પણ એક્ઝામ સમયે તકલીફ વધતી જોવા મળે છે, જે દર્શાવે છે કે સ્ટ્રેસ વધવાથી રોગ પર અસર થાય છે. આમ સ્ટ્રેસ રોગ અપાવે પણ છે અને સ્ટ્રેસ રોગને વધારે પણ છે. બાળકના શારીરિક-માનસિક વિકાસ માટે તેને એક યોગ્ય માહોલ મળે એ જરૂરી છે. ખાસ કરીને એવો માહોલ જે તેને સુરક્ષાની ભાવના આપી શકે. જો બાળકને અસ્થમા થાય તો શરૂઆતનાં વર્ષોમાં તેનું એક્સ્ટ્રા ધ્યાન રાખીને તેના રોગની અસર ઘણી હદ સુધી ટાળી શકાય છે. આ ધ્યાન ફક્ત શારીરિક નહીં, માનસિક પણ હોવું જોઈએ. અસ્થમાના દરદીએ યોગ, ધ્યાન, કસરત દ્વારા હંમેશાં પોતાના મનને સશક્ત બનાવવું અને બિનજરૂરી સ્ટ્રેસથી બચવાનું ખૂબ જ જરૂરી છે.
- ડૉ. અમિતા દોશી નેને
(ડૉ. અમિતા દોશી નેને અનુભવી પલ્મનોલૉજિસ્ટ છે.)