જન્મ સમયે બાળકનું વજન અઢી કિલોથી ઓછું હોય તો તેની વિશેષ કાળજી અનિવાર્ય છે

29 May, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવાં બાળકોનો જો ઇલાજ ન થયો તો જીવનભર માટે શારીરિક અને માનસિક વિકાસ અટકી શકે છે. આવાં બાળકોનો વિકાસ રૂંધાય છે અને તેઓ સ્લો બેબીઝ ગણાય છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં બાળક જન્મે તો તેનું વજન અઢી કિલોથી ૩ કિલો વચ્ચેનું હોય છે, જેને યોગ્ય વજન કહી શકાય. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ જ્યારે બાળક જન્મ સમયે અઢી કિલોથી ઓછું વજન ધરાવતું હોય તો તેને ઓછા વજનનું બાળક કહી શકાય છે. પ્રી-ટર્મ ડિલિવરીમાં બાળક જન્મે તેનું વજન ઓછું જ હોવાનું. પરંતુ ભારતમાં ફુલ ટર્મ બેબી એટલે કે પ્રેગ્નન્સીનાં ૩૭ અઠવાડિયાં પૂરાં કરીને જે બાળક જન્મે છે એ બાળકનું વજન અઢી કિલોથી ઓછું હોય તો એ બાળકની હેલ્થ વિશે ગંભીર થવું જરૂરી છે.

જ્યારે સ્ત્રી કુપોષણનો શિકાર હોય ત્યારે તેના બાળકની આ હાલત થાય છે. ભારતીય સ્ત્રીઓમાં ૫૦ ટકા સ્ત્રીઓ ઍનીમિક છે એટલું જ નહીં, કેટલીક સ્ત્રીઓ છે જેમને સંપૂર્ણ ખોરાક મળતો નથી અને ડૉક્ટરે આપેલા સપ્લિમેન્ટ કે ગોળીઓ તેઓ ખાતી નથી. આ પરિસ્થિતિમાં બાળક ઓછા વજનનું જન્મે છે. સામાન્ય રીતે આવાં બાળકોની ઇમ્યુનિટી એટલી ઓછી હોય છે કે સામાન્ય ડાયેરિયા પણ થાય અને તેમનું ધ્યાન ન રાખવામાં આવે તો તે મૃત્યુ પામી શકે છે. આવાં બાળકોનું વજન ઓછું હોવાને કારણે તેમને ડાયાબિટીઝ આવી શકે છે. આવાં બાળકોનો જો ઇલાજ ન થયો તો જીવનભર માટે શારીરિક અને માનસિક વિકાસ અટકી શકે છે. આવાં બાળકોનો વિકાસ રૂંધાય છે અને તેઓ સ્લો બેબીઝ ગણાય છે.

સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આપણે આપણી સ્ત્રીઓને સશક્ત બનાવવી જોઈએ. જો સ્ત્રી હેલ્ધી હશે તો જ બાળક હેલ્ધી રહેશે. સ્ત્રીઓને જો ખોરાકના માધ્યમથી પોષણ ન મળે તો સપ્લિમેન્ટ આપીને પોષણ પૂરું કરવુ. નાનામાં નાનું સ્ટ્રેસ પ્રેગ્નન્સી દરમિયાન બાળકની હેલ્થ પર અસર કરે છે. તેથી એ બાબતે થોડું વિચારવું. જો બાળક ૧-૨ કિલો ઓછું વજન ધરાવતું હોય તો આરામથી બ્રેસ્ટ-ફીડિંગ દ્વારા તેનું વજન લેવલમાં લાવી શકાય છે. જો માનું દૂધ તેને છ મહિના સુધી બરાબર આપવામાં આવે અને એના પછી પણ પોષણયુક્ત ખોરાક મળે તો ચોક્કસ તેનામાં મોટા ફેરફાર આવી શકે છે. વેઇટ ગેઇન સ્ટિમ્યુલેટર કરીને દવાઓ આવે છે જે મદદરૂપ થઈ શકે. અમુક પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ પણ આવે છે જે ઇન્જેક્શન દ્વારા બાળકને આપી શકાય છે. આ બધી જ સહુલિયત બાળકને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં મળે છે. એક વખત બાળકનું વજન નૉર્મલ આવી જાય પછી એનો વિકાસ પણ નૉર્મલ જ થાય છે. અને આગળ જતાં કોઈ તકલીફ નથી આવતી. જન્મ પછી તેને યોગ્ય પોષણ, પરિવારનો સાથ અને સાચો જરૂરી ઇલાજ મળવો જરૂરી છે.

-ડૉ. ઝીનલ ઉનડકટ શાહ

childbirth health tips world health organization life and style diabetes columnists gujarati mid-day mumbai