23 December, 2025 12:54 PM IST | Mumbai | Kinjal Pandya
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રેસને આપણે એક જ સમજીએ છીએ પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે એના પણ પ્રકાર હોઈ શકે છે? મૂળભૂત રીતે સ્ટ્રેસના બે પ્રકાર છે, એક અક્યુટ અને બીજો ક્રૉનિક. સાદી ભાષામાં સમજીએ તો થોડા સમય માટેનું હોય એને અક્યુટ સ્ટ્રેસ કહે છે, જ્યારે લાંબા સમય સુધી ચાલે એને ક્રૉનિક સ્ટ્રેસ કહે છે. જેમ કે આજે કોઈ મહત્ત્વની મીટિંગમાં કોઈ વ્યક્તિનું પ્રેઝન્ટેશન છે અથવા કોઈ ટેન્ડર બહાર પડવાનું છે અથવા ઑફિસમાં બહારથી કોઈ સુપરવિઝન કરવા આવવાનું હોય એવા તત્કાલીન અને આજના દિવસ પૂરતા જ સ્ટ્રેસને અક્યુટ સ્ટ્રેસ કહે છે. આ સ્ટ્રેસ આજે ઊભું થયું છે અને આજે જ પતી જવાનું છે એટલે એને અક્યુટ કહે છે પરંતુ કોઈ વ્યક્તિને પ્રમોશન મળવું જોઈતું હતું અને ન મળ્યું એનો અફસોસ હોવા છતાં તે એ જ કંપનીમાં કામ કરે છે અને દરરોજ પોતે હાયર પોઝિશન પર નથી એનું તેને સ્ટ્રેસ થયા કરે છે તો એ ક્રૉનિક સ્ટ્રેસ છે. પરંતુ મોટા ભાગે એવું જોવા મળે છે કે અક્યુટ સ્ટ્રેસ આગળ જતાં ક્રૉનિક સ્ટ્રેસમાં પરિણમે છે. જેમ કે યર એન્ડિંગમાં કોઈ પણ કંપનીમાં ઘણું કામ વધી જતું હોય છે. એના આધારે દરરોજ કામનું અલગ જ પ્રેશર હોય એટલે એ પ્રેશર જો એક દિવસ હોય તો એ અક્યુટ સ્ટ્રેસ આપે પરંતુ એ દરરોજ જ હોય તો એ દરરોજનું અક્યુટ સ્ટ્રેસ અંતે ક્રૉનિક સ્ટ્રેસમાં ફેરવાઈ જતું હોય છે. આ ક્રૉનિક સ્ટ્રેસ જુદી-જુદી માનસિક બીમારીઓને આમંત્રણ આપે છે. ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન આ રીતે જ વ્યક્તિના જીવનમાં ઘર કરે છે.’
તમે કેવી રીતે જાણશો કે તમને કામને કારણે અનુભવાતું સ્ટ્રેસ નૉર્મલ છે કે એના તરફ ધ્યાન આપવાની જરૂર છે. એ ઓળખ કઈ રીતે થશે? જ્યારે વ્યક્તિને અક્યુટ સ્ટ્રેસ હોય તો તેનું એકદમ બ્લડ-પ્રેશર વધી જાય, ધબકારા વધી જાય, સતત રેસ્ટલેસનેસ લાગ્યા કરે એટલે કે અજંપો રહ્યા કરે, દરેક કામમાં બિનજરૂરી રીતે ઝડપ કર્યા રાખવી, નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જવું, દરેક વસ્તુને વારંવાર ચકાસ્યા કરવી વગેરે લક્ષણો જણાવે છે કે વ્યક્તિને અક્યુટ સ્ટ્રેસ થઈ રહ્યું છે. ક્રૉનિક સ્ટ્રેસનાં લક્ષણોમાં ઉપરનાં બધાં જ લક્ષણોની સાથે-સાથે કેટલાંક મહત્ત્વનાં બીજાં લક્ષણો પણ સામેલ થાય છે. ક્રૉનિક સ્ટ્રેસવાળી વ્યક્તિઓ મોટા ભાગે ઇમોશનલેસ હોય છે. એટલે કે તેમને કોઈ પણ પ્રકારનું ખાસ પેઇન મહેસૂસ થતું નથી. સ્ટ્રેસને કારણે તેઓ મોટા ભાગે જાડા થઈ ગયા હોય છે. ઊંઘનો તેમને પ્રૉબ્લેમ હોય છે. આવા લોકો બધી જ રીતે મહેનત કરતા હોવા છતાં તેમને ક્યારેય રિઝલ્ટ મળતું હોતું નથી અથવા દીધેલો ટાસ્ક પૂરો કરવામાં તેઓ અસફળ રહે છે.