જયજયકાર કરાવી દે એવું પ્રાણાયામ

02 August, 2023 04:25 PM IST  |  Mumbai | Ruchita Shah

નામ છે ઉજ્જયી. અનેક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સમસ્યામાં રામબાણ નીવડી શકતું આ પ્રાણાયામ ૯૦ ટકા લોકો ખોટી રીતે કરે છે. આજે જાણીએ ઉજ્જયી શું છે, કઈ રીતે ઉપયોગી છે અને એને કઈ રીતે કરવું જોઈએ એ વિશે નિષ્ણાતની સલાહ લઈએ

ડૉ. એમ. કે. તનેજા

સાઇકિક બ્રીધિંગ, વિક્ટોરિયસ બ્રીધિંગ, ઓશન બ્રીધિંગ જેવા જુદા-જુદા નામથી જાણીતા પ્રાણાયામનો આ અભ્યાસ યોગિક પુસ્તકોની દૃષ્ટિએ દિવસના કોઈ પણ ભાગમાં, સૂતાં, બેસતાં, ચાલતાં કરી શકાય છે એટલે કે ઍનીટાઇમ પ્રાણાયામ અને જે પ્રાણાયામ કરવાથી સહજ જ તમારા શ્વાસમાં ઊંડાણ આવે, જે સહજ રીતે તમારા શ્વસનમાર્ગની અશુદ્ધિઓ દૂર કરીને તાત્કાલિક પ્રૅક્ટિસ કરનારાના અવાજની ગુણવત્તા સુધારી શકે એટલો પાવરફુલ પ્રાણાયામ એટલે ઉજ્જયી. ઉજ્જયીની સંધિ છૂટી પાડીએ તો એનો ખૂબ જ અફલાતૂન અર્થ મળે છે. ઉદ્ અથવા તો ઉત્ એટલે કે ઉદ્ભવવું, ઉત્પન્ન થવું અને જય એટલે વિજય થવો. જે તમને જીત તરફ, જયજયકાર તરફ ગતિ કરવા માટે સમર્થ છે એવું પ્રાણયામ ગણાય છે ઉજ્જયી, જેનાં પ્રાચીન યોગીએ પેટ ભરીને વખાણ કર્યાં છે. સત્તરમી સદીમાં લખાયેલા ગ્રંથ હઠદીપ પ્રદીપિકાના બીજા અધ્યાયના ૫૧થી ૫૩ સુધીના શ્લોકમાં ઉજ્જયીનું વર્ણન આવે છે. મોઢું બંધ કરીને ડાબી અને જમણી નાસિકા પર ધ્યાન કેન્દ્રિત કરીને એક નિયંત્રણ સાથે શ્વાસને અંદર ભરવો અને દરેક વખતે અમુક પ્રકારના ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય. પેટને લગતા રોગો, નાડીની અશુદ્ધિઓ અને જલોદર નામના રોગમાં ઉજ્જયી પ્રાણાયામથી લાભ થાય છે એવું હઠદીપ પ્રદીપિકાના સ્વાત્મારામજી કહે છે. આજે જાણીએ ઉજ્જયીને કરવાની સાચી રીત અને એનાથી થતા અકલ્પનીય લાભો વિશે.

કેવી રીતે થાય?

એક સામાન્ય સમજણ છે કે ઉજ્જયીમાં ગળાથી શ્વાસ લેવાનો હોય છે. જોકે દિલ્હીના જાણીતા ઈએનટી સ્પેશ્યલિસ્ટ અને યોગ-રિસર્ચર ડૉ. એમ. કે. તનેજા આ વાતને જુદી રીતે સમજાવતાં કહે છે, ‘મોટા ભાગના લોકો ઉજ્જયી કરતી વખતે સ્વરપેટીને એટલે કે તમારા વોકલ કોર્ડને કૉન્ટ્રૅક્ટ એટલે કે સંકુચિત કરી દેતા હોય છે, જેને કારણે લોકોના ગળામાંથી ચિત્ર-વિચિત્ર અવાજ બહાર આવતો હોય છે જે તદ્દન ખોટી રીત છે. હકીકતમાં તમારે ચેસ્ટના મસલ્સને કૉન્ટ્રૅક્ટ કરવાના હોય છે. ગળામાંથી અવાજ આપમેળે આવે જે એકદમ દરિયાનાં મોજાં જેવો હોય. યોગનાં આઠ અંગ છે; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં પ્રત્યાહાર તમને બહારથી અંદરની તરફ લઈ જાય છે. તમામ પ્રાણાયામના અભ્યાસ જુદી-જુદી રીતે શરીરને અનુકૂળ પરિણામ આપે છે. જોકે ઉજ્જયીનો પોતાનો મહિમા છે. ઉજ્જયી પ્રાણાયામ કરવાથી આપણી વેગસ નર્વ સક્રિય થાય. શરીર અને માઇન્ડ ટ્રાન્સ મોડમાં જઈ શકે છે જો ઉજ્જયીનો નિયમિત અભ્યાસ થાય તો. તમારી પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ઍક્ટિવ થવાથી ફિઝિકલી પણ બૉડીની ઇન્ટર્નલ હીલિંગ પ્રોસેસ તેજ થતી જાય છે. રેસ્પિરેટરી મસલ્સ કૉન્ટ્રૅક્ટ કરીને પછી જ્યારે તમે તમારા શ્વાસને ડીપલ લેવલ પર લઈ જાઓ છો તો લંગ્સમાં આવેલા એલ્વિઓલીમાં થતા ગૅસ એક્સચેન્જની પ્રોસેસમાં થોડો વધુ સમય મળે છે અને એ શરીરને વધુ પ્રમાણમાં ઑક્સિજન મળી જાય છે.’

ભૂલ કરો તો શું થાય?

ધારો કે તમે ગળાના સ્નાયુઓને સંકુચિત કરીને ઉજ્જયી પ્રાણાયામ કરો તો એનાથી કોઈ નુકસાન થાય? એના જવાબમાં ડૉ. તનેજા કહે છે કે ‘સામાન્ય રીતે ઉજ્જયી તમને રિલૅક્સ કરનારું અને બ્લડપ્રેશરને ઘટાડનારું પ્રાણાયામ છે, પરંતુ જો તમે ખોટી રીતે કરો તો એનું પરિણામ પણ ઊંધું જ આવે. જેમ કે હૃદયના ધબકારા ઝડપી બને, બ્લડપ્રેશર વધી જાય, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થવાથી મન શાંત થવાને બદલે ઉત્તેજિત થઈ જાય. આ ફરક બહુ સૂક્ષ્મ છે. તમે ગળામાં આવેલી સ્વરપેટીને કૉન્ટ્રૅક્ટ કરો છો કે તમે શ્વાસમાં ઉપયોગમાં આવતા રેસ્પિરેટરી મસલ્સને કૉન્ટ્રૅક્ટ કરો છો એનો ભેદ તમે જેમ-જેમ તમારા અભ્યાસમાં ઊંડાણ લાવો એમ એમ સમજાતો જશે. ગળામાં પ્રેશર ન હોય છતાં ગળામાંથી હલકી હવાનો ઝોંકો પસાર થયો હોય કે દરિયાનાં મોજાં ઊછળતાં હોય ત્યારે આવતા અવાજનો અનુભવ થશે જ.’

મેથડ જાણી લો

સૌથી પહેલાં ટટ્ટાર બેસો અને આંખ બંધ કરીને શ્વાસ પર ધ્યાન આપો. કોઈ પણ અનુકૂળ આસનમાં બેઠા પછી ધીમે-ધીમે કૉલર બોન, છાતીના ભાગના સ્નાયુઓને સહેજ ખેંચો અને પછી ધીમે-ધીમે ઊંડો શ્વાસ લો. શ્વાસ લેતી વખતે સહેજ ઘર્ષણને કારણે આગળ કહ્યું એમ દરિયાદાં મોજાં જેવો અવાજ આવશે. એક વારમાં બેથી પાંચ મિનિટ માટે આ અભ્યાસ કરી શકાય. જેમને સહજ રીતે રેસ્પિરેટરી મસલ્સ કૉન્ટ્રૅક્ટ ન થતા હોય એ લોકો જીભને ઉપરના તાળવા પર લગાવીને પછી શ્વાસ લેશે તો આપમેળે તેમનાથી ઉજ્જયીનો જ અભ્યાસ થશે. સામાન્ય રીતે ઉજ્જયી કરો ત્યારે ચહેરા પર શાંતિ અને સહજતા વર્તાતી હોય, પરંતુ જો ચહેરા પર સ્ટ્રેસ કે ટેન્શન ફીલ થાય તો તમારી પદ્ધતિમાં કોઈ ત્રુટિ હોઈ શકે છે. સામાન્ય રીતે ઉજ્જયીને ત્રણ સ્ટેપમાં કરવાની સલાહ ડૉ. એમ. કે. તનેજા આપે છે અને કહે છે, ‘પહેલાં શ્વાસ ભરો ત્યારે પેટમાં, પછી છાતીમાં અને છેલ્લે છાતીના ઉપલા ભાગમાં શ્વાસ અંદર જાય એવા પ્રયાસ કરવા જોઈએ. એનાથી ઉજ્જયીના વધુમાં વધુ લાભ મેળવી શકાશે.’

ખૂબ ઉપયોગી

ઉજ્જયીનાં શાસ્ત્રીય ગુણગાન ભરપૂર ગવાયાં છે. જોકે મેડિકલ પ્રૅક્ટિશનરની દૃષ્ટિએ પણ એના લાભ સાબિત થયા છે, જેમ કે ડૉ. એમ. કે. તનેજા કહે છે એમ, ‘જેમને નસકોરાં બોલાવવાની બીમારી છે તેમની તકલીફ ઉજ્જયીને કારણે મૂળમાંથી જશે. તમારું પાચન સુધરશે. ઉજ્જયીથી બેસિલ મેટાબોલિક રેટ વધે છે એટલે ઓબેસિટીમાં એ ઉપયોગી છે. થાઇરૉઇડ અને પૅરાથાઇરૉઇડની સમસ્યા ધરાવતા લોકો પણ ઉજ્જયી કરી શકે છે. ઈએનટીને લગતા પ્રૉબ્લેમ્સમાં ઉજ્જયી ઉપયોગી છે. વાઇરલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્ટ કરે છે અને થઈ ગયા હોય તો એમાંથી જલદી બહાર પણ કાઢે છે. ખેચરી મુદ્રા સાથે એટલે કે જીભને ઉપરના તાળવા પર લગાવીને જે ઉજ્જયીનો અભ્યાસ થાય છે એ તમારી અધ્યાત્મિક સાધનામાં તમને વધુ ઊંડે લઈ જવામાં, ધ્યાનમાં ઝડપથી સક્રિય થવામાં તમારી મદદ કરે છે. મર્મ ચિકિત્સાની દૃષ્ટિએ પણ એ ખૂબ જ પ્રભાવશાળી અભ્યાસ છે.’

ઉજ્જયીથી કેવા લાભ થાય?

columnists life and style yoga ruchita shah