નવરાત્રિમાં જોઈએ છે ગ્લોઇંગ સ્કિન?

29 September, 2019 12:03 PM IST  |  મુંબઈ | B ફોર બ્યુટી-આર. જે. મહેક

નવરાત્રિમાં જોઈએ છે ગ્લોઇંગ સ્કિન?

નવરાત્રી પર મેળવો ચમકતી ત્વચા

હેલો, કેમ છો? હું છું આરજે મહેક. રેડિયો પર ૧૨ વર્ષ થયાં અને ડિજિટલ તેમ જ સોશ્યલ મીડિયા પર ત્રણ વર્ષથી મેકઅપ, ફૅશન, શૉપિંગ અને બ્યુટી બ્લૉગર અને વ્લૉગર તરીકે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એટલે હવે ‘મિડ ડે’ના માધ્યમ દ્વારા આપ સૌ વાચકો સાથે જોડાઈશ અને ટિપ્સ આપતી રહીશ, જે હું મારા અનુભવોથી આપ સુધી પહોંચાડીશ. તો ચાલો શરૂ કરીએ આપણી બ્યુટીની સફર.
કહેવાય છે સુંદરતા જોવાવાળાની આંખોમાં હોય છે, પણ હવે આ સેલ્ફીના જમાનામાં કાયમ જ પર્ફેક્ટ દેખાવું જાણે ફરજિયાત બની ગયું છે. સુંદરતા તો વ્યક્તિ લઈને જ જન્મે છે, પણ થોડી મહેનતથી એને નિખારી જરૂર શકાય છે.
અને આટલું વાંચતાં જ તમે બોલી પડ્યા હશો કે મહેક, લપેડા-થપેડા કરવાનો જરા પણ સમય નથી. હા, પણ જો ઓછા સમયમાં નહીં જેવી મગજમારીથી ગ્લોઇંગ સ્કિન મળે તો આઇડિયા બુરા નહીં હૈ.
નવરાત્રિ આવે એટલે બૉડી-પૉલિશિંગ શબ્દ કાને પાડવા માંડે, પણ એનો ચાર્જ સાંભળતાં જ ચહેરાનો રંગ ઊડી જાય. એના કરતાં તમારા કિચનમાં જ રહેલી વસ્તુઓથી સારું રિઝલ્ટ મળે તો કેવું રહે? જેમ કે
ટમેટું 
જેને અડધું કાપીને એના પર દળેલી ખાંડ લગાવી ફેસ અને બૉડી પર ધીમે-ધીમે મસાજ કરો અને સાદા પાણીથી ધોઈ લો. ટમેટાનું ઉપરનું ડીચકું પણ આ રીતે વપરાશમાં લઈ શકાય. ટમેટું કુદરતી બ્લીચનું કામ કરશે.
પપૈયું 
બે ટેબલસ્પૂન પપૈયાને મૅશ કરી એમાં ૧ ટેબલસ્પૂન દૂધ મિક્સ કરી ફેસમાસ્ક કે બૉડીમાસ્કની જેમ લગાવો. ૧૦ મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ધોઈ નાખો. પપૈયું સ્કિનને ચમકાવશે અને ડેડ સેલ્સને રિમૂવ કરશે.
કૉફી 
બહુ જ સારી સ્કિન એક્સફોલિએટર છે. એમાં મોટા પ્રમાણમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જેવા ભારે-ભારે શબ્દો વાંચી મૂંઝાઓ એ પહેલાં કહી દઉં કે કૉફી પાઉડરમાં દળેલી ખાંડ અને કોકોનટ ઑઇલ મિક્સ કરી બૉડી અને ફેસ સ્ક્રબની જેમ લગાવી હળવા હાથે મસાજ કરી સાદા પાણીથી ધોઈ લો જેથી સ્કિન ચમકશે. સન ટૅનને પણ રિમૂવ કરશે.
અલોવેરા જેલ 
એમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ અને કોપરેલ મિક્સ કરી તમે ફેસ કે બૉડી પર લગાવી શકો છો, જેનાથી સ્કિન સ્મૂધ તો થશે જ સાથે ચમક પણ આવશે.
ચોખાનો લોટ
જપાનમાં ચોખાનો લોટ, એનું પાણી સુંદરતા નિખારવા મોટા પ્રમાણમાં વપરાય છે. ચોખાના લોટમાં ચપટી હળદર અને મધ મિક્સ કરી હળવા હાથે ફેસ અને બૉડી પર માસ્કની જેમ લગાવી શકો છો. ચોખા તમને યંગ રાખશે ને સાથે મધ સ્કિનને સૉફ્ટ રાખશે અને હળદર સ્કિનને ચમકાવશે. 
એટલે હવે આ નવરાત્રિમાં ગજવામાં પંક્ચર પાડ્યા વગર ચમકો અને દમકો. તો કોની રાહ જુઓ છો? એ હાલો... 

health tips navratri