ટ્રાવેલિંગની મજા ખરાબ કરતી મોશન સિકનેસને આ રીતે કરી શકશો દૂર

22 May, 2025 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રવાસ દરમિયાન ચક્કર કે ઊલટીની સમસ્યા બહુ જ સામાન્ય કહેવાય છે, પણ એને અવગણવા ઇલાજ કરવો જરૂરી છે અને દવા વગર એ શક્ય પણ છે

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકોને પ્રવાસ દરમિયાન મોશન સિકનેસ થતી હોય છે એટલે કે મુસાફરી દરમિયાન અસહજતા અનુભવતાં ઘણી વાર માથું ફરે છે, ચક્કર આવે છે, માથાનો દુખાવો થાય છે અથવા ઊલટી થાય છે. ખાસ કરીને કાર, બસ, પ્લેન અને બોટમાં પ્રવાસ કરતા લોકોને મોશન સિકનેસ થતી હોય છે. ખાસ કરીને મહિલાઓમાં અને પાંચથી ૧૨ વર્ષ સુધીનાં બાળકોમાં એ વધુ જોવા મળે છે. એને દૂર કરવા માટે ઘણા લોકો દવા સાથે રાખતા હોય છે પણ આ સમસ્યાનો ઇલાજ ફક્ત દવા નથી. દવા પર નિર્ભર ન રહીને સરળ ઉપાયોથી પણ મોશન સિકનેસની સમસ્યાથી તરત છુટકારો મેળવી શકાય છે.

મોશન સિકનેસથી બચવાની ટ્રિક્સ

 પ્રવાસ વખતે મોશન સિકનેસનાં લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક આરામ મેળવવા માટે સૌથી પહેલાં તમારી જગ્યા બદલી લો અને ધ્યાન ડાઇવર્ટ કરવાની કોશિશ કરો. આનાથી સમસ્યા ગંભીર થવા પહેલાં થોડી રાહત મળશે.

 જો તમે પૅસેન્જર સીટ પર બેઠા હો તો ડ્રાઇવિંગની કમાન પોતાના હાથમાં લઈ લો. મોશન સિકનેસ થાય ત્યારે તમારી આંખ અલગ-અલગ મૂવમેન્ટ જુએ છે પણ જ્યારે તમે ડ્રાઇવિંગ કરો તો ધ્યાન ચલાવવામાં કેન્દ્રિત થાય છે અને આ સમસ્યા દૂર થાય છે.

 જો તમને ડ્રાઇવિંગ ન આવડતું હોય અથવા સાર્વજનિક પરિવહન જેમ કે બસ અથવા બોટથી પ્રવાસ કરો છો તો જે દિશામાં એ આગળ વધી રહ્યું હોય એ દિશામાં જ મોઢું રાખીને બેસો. આમ કરવાથી પણ રાહત મળશે.

 સ્થિર ચીજોને દૂરથી જોવાની કોશિશ કરશો તો પણ ચક્કર કે ઊલટી જેવું થશે નહીં.

 જો બસમાં ટ્રાવેલ કરવું તો સ્લીપર બસની પસંદગી કરો. સૂતાં-સૂતાં ટ્રાવેલ કરવાથી મોશન સિકનેસ ફીલ થતી નથી. આ બધા પર્યાય તમારા પ્રવાસના માધ્યમ પર નિર્ભર કરે છે. તમારે એટલું જોવાનું છે કે કઈ ચીજ તમારા માટે સારી રીતે કામ કરી રહી છે.

 ટ્રાવેલિંગ કરતી વખતે માથું સીટ પાછળ ટેકવી દેવું. આમ કરવાથી માથાની મૂવમેન્ટને ઓછી કરવામાં મદદ મળશે.

 કાર અને બસમાં શક્ય હોય ત્યાં સુધી વિન્ડો સીટ પાસે બેસવાનો આગ્રહ રાખવો. ખુલ્લી હવાથી પણ આ સમસ્યા ઉદ્ભવતી નથી. જો આવું શક્ય ન હોય તો ચહેરા પર હવા આવે એ રીતે કારના ફ્લૅપ પોતાની તરફ રાખવા અને બસમાં પોતાનો નાનો ઇલેક્ટ્રિક પંખો લઈ જવો.

 મોશન સિકનેસનો પ્રૉબ્લેમ હોય તો ટ્રાવેલિંગ પહેલાં અને પછી હેવી મીલ એટલે કે તળેલું અને શેકેલું ખાવાથી સ્થિતિ ગંભીર થઈ શકે છે. તેથી સફરજન, કેળાં અને બ્રેડ-બટર જેવો હળવો નાસ્તો રાખવો અને ખાવો.

 ટ્રાવેલિંગ દરમિયાન ચા-કૉફી પીવાનું ટાળવું, કારણ કે એ ડીહાઇડ્રેશનનું કારણ બની શકે છે. કંઈ ડ્રિન્ક પીવાનું મન થાય તો છાશ અથવા જીરા સોડાનો પર્યાય સારો છે.

ટ્રાવેલિંગ દરમિયાન વાંચન કે મોબાઇલ યુઝ કરવાથી પણ મોશન સિકનેસ થઈ શકે છે. તેથી આ પ્રવૃત્તિ કરવાને બદલે મ્યુઝિક સાંભળવું અથવા વાતચીત કરીને ધ્યાન ભટકાવવાથી પણ સ્થિતિ અન્ડર-કન્ટ્રોલ રહે છે.

 હાથમાં ઍક્યુપ્રેશર બૅન્ડ પહેરવાથી પણ મોશન સિકનેસનાં લક્ષણોમાં રાહત મળે છે. જોકે ઘણા લોકો આ પ્રકારના બૅન્ડને પ્રભાવી માનતા નથી.

 ડીપ બ્રીધિંગની પ્રૅક્ટિસ શરીરને શાંતિ આપે છે અને ઊલટી જેવી ફીલિંગને ઘટાડે છે.

 જો માથું ફરે તો આદુંનો ટુકડો રાખવાથી પણ ફાયદો મળશે. આ ઉપરાંત લવિંગ અને સિટ્રસનાં સુગંધિત તેલ રૂમાલ પર લગાવો અને જ્યારે મોશન સિકનેસ ફીલ થાય ત્યારે એને સૂંઘવાથી પણ એની અસર ઓછી થાય છે.

 આ ઉપાયોથી પણ જો મોશન સિકનેસ વારંવાર થાય તો ડૉક્ટરનો પરામર્શ લેવો યોગ્ય રહેશે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ, માઇગ્રેનના દરદી અને વધુ સેન્સિટિવ લોકોએ મોશન સિકનેસને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. જો આવું બેથી ત્રણ વખત થાય અને રાહત ન મળે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ રહેશે.

life and style health tips travel healthy living