દાંત પરની છારી નીકળતી જ નથી

23 January, 2023 05:05 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

૯૦ ટકા વ્યક્તિઓ અરીસામાં દાંત જુએ તો એને જોઈને તરત ખબર પડતી નથી કે તેમના દાંતની ઉપર છારી કે પ્લાક બની ગયું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૮ વર્ષનો છું અને નાનપણથી મારા દાંત પર એકદમ ટ્રાન્સપરન્ટ છારી બાજી જતી હતી, જેને હું નખથી ખોતરતો ત્યારે મમ્મી ખૂબ ખિજાતી અને બે ટાઇમ બ્રશ પરાણે કરાવતી, પણ મોટા થયા પછી આ આદતો રહી નથી. રાતનું બ્રશ તો મોટા ભાગે રહી જ જાય છે. આજકાલ મારા દાંત પર એક આછું પીળાશ પડતું આવરણ જોવા મળે છે. મને થાય છે કે એ છારી જ છે, પરંતુ હું નખથી ખોતરું છું તો નીકળતી નથી. આ વાત મને મૂંઝવે છે. લાગે તો છે કે દાંત આગળ એક આવરણ છે, પણ બ્રશથી ઘસો કે નખથી, એ જતું જ નથી. ઘણી વાર તો જોરથી ઘસવાના ચક્કરમાં પેઢાં છોલાઈ જાય અને લોહી નીકળે છે. આવું કેમ થાય છે? 

તમે જેને છારી કહો છો એને અંગ્રેજીમાં પ્લાક કહેવાય. દાંત ઉપર ચીકણો અને પારદર્શી પ્લાક હોય છે, જેને લીધે એને જોઈને પણ ઓળખી શકાતો નથી, કારણ કે એ સાધારણ રીતે દેખાઈ આવતો નથી. ૯૦ ટકા વ્યક્તિઓ અરીસામાં દાંત જુએ તો એને જોઈને તરત ખબર પડતી નથી કે તેમના દાંતની ઉપર છારી કે પ્લાક બની ગયું છે. બાળકો ઘણી વાર એની રમતમાં દાંત ખોતરતા હોય તો તેમના હાથમાં આવી જાય ત્યારે સમજાય છે. 

આ પણ વાંચો : માઇગ્રેન વંશાનુગત આવી શકે?

જ્યાં સુધી તમે બરાબર બ્રશ કરતા રહો આ પ્લાક દૂર થતો રહે એટલે તકલીફ ન થાય, પરંતુ પ્લાક જ્યારે લાંબો સમય સુધી બન્યા જ કરે અને દાંત ઉપર ચોંટેલો રહ્યા જ કરે ત્યારે એક બીજી કેમિકલ પ્રક્રિયા પણ થાય છે. જ્યારે આ દાંતની છારી પર કૅલ્શિયમ ભળે છે ત્યારે એનું કૅલ્સિફિકેશન થાય છે. સામાન્ય દાંતની છારી વ્યવસ્થિત બ્રશ કરો એટલે નીકળી જ જાય છે, પરંતુ એક વખત એનું કૅલ્સિફિકેશન થઈ ગયું તો એ પથ્થર જેવી બની જાય છે. જે પારદર્શી હોય છે એ કૅલ્સિફિકેશન પછી પીળા અને બ્રાઉન રંગની બની જતી હોય છે. આ પ્રકારની છારી પછી બ્રશથી દૂર થતી નથી. આ કૅલ્સિફિકેશન થવાને કારણે એ દાંત પર જામી જાય છે અને આ એક સૂચના છે કે તમારે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું પડશે, કારણ કે આ પ્રકારનું કૅલ્સિફિકેશન દાંતને નબળા કરવા પાછળ જવાબદાર રહે છે. દાંત પરની તમારી પીળાશ બ્રશથી એટલે નથી હટતી. એને જબરદસ્તી હટાવવાનો પ્રયાસ ન કરો. આ રીતે તમે તમારા પેઢાંને નુકસાન પહોંચાડો છો. ડેન્ટિસ્ટ પાસે જાઓ તે તમને દાંત સાફ કરી આપશે. 

columnists health tips life and style