ઑફિસ જતા લોકો ક્યારેય સાંજનો નાસ્તો સ્કિપ ન કરે

24 May, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાત્રે જમીને તો એમ પણ કંઈ ખાસ ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની ન હોય. સીધું સૂવાનું જ હોય. એટલે એને કારણે પણ વજન વધવાનું જોખમ વધી જાય.

પ્રતીકાત્મક તસવીર

આપણે બધા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું તો ધ્યાન રાખીએ છીએ પણ ઈવનિંગ સ્નૅક્સને નજરઅંદાજ કરીએ છીએ. ખાસ કરીને ઑફિસમાં કામ કરતા લોકોમાં આ હૅબિટ વધુ જોવા મળતી હોય છે. કામે જતા ઘણા લોકો સવારે લંચ તો પૅક કરીને લઈ જાય છે પણ સાથે સાંજના નાસ્તા માટેનો ડબ્બો લઈ જતા નથી. ઘણાની એવી ફરિયાદ હોય છે કે ઑફિસમાં એટલું કામ હોય છે ઈવનિંગ સ્નૅક્સ ખાવાનો સમય જ નથી મળતો. જોકે આ રીતે સાંજનો નાસ્તો સ્કિપ કરવાની હૅબિટ આપણા કામ અને સ્વાસ્થ્ય બન્ને માટે સારી નથી. એનું કારણ એ છે કે બપોરે જમ્યાના ત્રણ-ચાર કલાક પછી ભૂખ લાગતી હોય છે. આપણે એને અવગણીને કામ કર્યા કરીએ તો માથામાં દુખાવો થાય, પેટમાં બળતરા થાય, કામમાં ધ્યાન કેન્દ્રિત ન થાય, નબળાઈ જેવું લાગ્યા કરે. આ બધાં સિગ્નલ્સ જે આપણી બૉડી આપણને આપે છે, પણ આપણે એને ઇગ્નૉર કરતા રહીએ છીએ. એટલે કામની વચ્ચે પણ થોડો સમય કાઢીને સૅન્ડવિચ કે ઢોસા જેવો હેલ્ધી નાસ્તો ખાવા માટે સમય કાઢવો જોઈએ. એ શક્ય ન હોય તો ડબ્બામાં ચણા, મખાના અથવા તો થોડાં ડ્રાયફ્રૂટ્સ લઈ જાઓ જે તમે કામ કરતાં-કરતાં ડેસ્ક પર બેસીને ખાઈ શકો.

ઘણી વાર એવું થાય કે કામમાં હોઈએ ત્યાં સુધી આપણે ભૂખને દબાવી રાખીએ. એ પછી જેવા ઑફિસથી બહાર નીકળીએ અને રસ્તા પર વડાપાંઉ, સમોસા, ભજિયાં, બિસ્કિટ, વેફર્સ જે પણ દેખાય એ લઈને ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ. આવું ફૅટ અને શુગરવાળું ખાવાનું ખાઈને આપણે આપણી હેલ્થ બગાડી દઈએ. એક-દોઢ કલાકમાં ઘરે પહોંચવાના હોઈએ તો પણ આપણાથી કન્ટ્રોલ ન રહે. આવી બધી અનહેલ્ધી વસ્તુ ખાઈને પેટ ભરી લઈએ. એટલે પછી ઘરે જઈને આપણે ઘરનું જે હેલ્ધી ખાવાનું છે એ ઓછું ખાઈએ. ઘણા લોકો એવા હોય કે બપોરે ઑફિસમાં લંચ કર્યા પછી સીધા રાત્રે ઘરે આવીને જમે. સાંજનો નાસ્તો ન કર્યો હોય તો કકડતી ભૂખ લાગે. એટલે રાત્રે જમવા બેસે ત્યારે આવશ્યકતા કરતાં વધુ ખવાઈ જાય. રાત્રે જમીને તો એમ પણ કંઈ ખાસ ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની ન હોય. સીધું સૂવાનું જ હોય. એટલે એને કારણે પણ વજન વધવાનું જોખમ વધી જાય.

-શર્મિલા મહેતા

health tips life and style food news columnists gujarati mid-day mumbai