ગાઉટને કારણે અંગૂઠો સૂજેલો છે, ડાયટમાં શું લેવું?

05 April, 2021 03:45 PM IST  |  Mumbai | Yogita Goradia

ઘણી વાર ગાઉટ માત્ર ડાયટમાં ગરબડને કારણે થયો હોય એવું નથી હોતું, પરંતુ ઓવરવેઇટ લોકોને પણ આ સમસ્યા થાય છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૮ વર્ષ છે. બે મહિનાથી મને પગના અંગૂઠા પાસેના હાડકામાં અસહ્ના દુખાવો થતો હતો. દુખાવો અસહ્ય થતાં ડૉક્ટરે બ્લડ-ટેસ્ટ અને એક્સ-રે કરવાનું જણાવ્યું. બ્લડ-ટેસ્ટમાં યુરિક ઍસિડ અને એક્સ-રેમાં પણ હાડકાંની તપાસ પરથી ડૉક્ટરે ગાઉટનું નિદાન કર્યું છે. શરીરમાંથી યુરિક ઍસિડ ઓછો થાય એ માટે દવા આપી છે અને સાથે ડાયટમાં પણ કાળજી રાખવાનું કહ્નાં છે. એમાં શું ખવાય અને શું નહીં?

 

ઘણી વાર ગાઉટ માત્ર ડાયટમાં ગરબડને કારણે થયો હોય એવું નથી હોતું, પરંતુ ઓવરવેઇટ લોકોને પણ આ સમસ્યા થાય છે. જો તમારું વજન વધારે હોય તો એ ઘટાડવા પર ફોકસ કરવું. ગાઉટ હોય ત્યારે વેઇટ ઘટાડવા માટેના ડાયટમાં પણ વિશેષ કાળજી જરૂરી છે. ગાઉટમાં યુરિક ઍસિડનો ભરાવો સાંધાઓમાં થાય છેપ્રોટીનવાળા પદાર્થોના પાચન પછી સૌથી વધુ યુરિક ઍસિડ બને છે.

કઈ ચીજો ન ખાવી એનું ધ્યાન રાખો. સૌથી પહેલાં બધા જ પ્રકારનાં કઠોળ ખાવાનું બંધ કરી દેવું. તુવેર, વટાણા, ચણા, કાબુલી ચણા, મઠ, વાલ, રાજમા, મગ, અડદ જેવાં તમામ કઠોળ વર્જ્ય ગણવાં. અંજીર અને ખજૂર સિવાયનાં તમામ ડ્રાયફ્રુટ્સ પણ અવૉઇડ કરવાં. ચણા-સિંગ પણ ન ખાવાં. આલ્કોહોલ અને સ્મોકિંગની આદત હોય તો તરત જ છોડવી. શાકભાજીમાં પણ વાલોળ, પાપડી, તુવેર, વટાણા, ટમેટાં જેમાંથી દાણા નીકળે છે એવાં શાક ન ખાવાં. પાલક પણ ન ખાવી. 

ખાવું શું એની પણ કાળજી રાખવી એ પણ યાદ રાખવું. મગ, મસૂર અને મગની દાળ જેવી પાતળી દાળ લઈ શકાય. ઘઉં, ચોખા, પૌંઆ, રવો જેવી ચીજો લઈ શકાય. લીલાં શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારવું. દૂધ, શાકભાજી, ફળો લેવાં. શરીરની પ્રોટીનની જરૂરિયાત માટે મગ અને તુવેરની દાળનું પાતળું પાણી લઈ શકાય. જાડી તુવેરદાળ ખાવી નહીં.

પુષ્કળ પાણી પીવું. વેજિટેબલ સૂપ, જૂસ, નાળિયેરપાણી, છાશ, જવનું પાણી ઉત્તમ છે. લાંબો સમય ભૂખ્યા ન રહેવું. ભૂખ્યા રહેવાથી શરીર ટકાવવા માટે મસલ્સના ટિશ્યુ તૂટે છે. ટિશ્યુમાંથી પેદા થતો યુરિક ઍસિડ‍ બહાર નીકળી નથી શકતો.

columnists