18 August, 2025 02:00 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકોને એવી ફરિયાદ રહેતી હોય છે કે મારું વજન ઝડપથી ઘટી તો જાય છે, પણ થોડા સમયમાં ફરી પાછું વધી જાય છે. એટલે એ લોકોની વજન ઘટવાની અને વધવાની સાઇકલ સતત ચાલતી રહે છે. એ લોકોનું ફોકસ ઝડપથી વજન ઘટાડવા પર હોય છે, પણ એને લાંબો સમય સુધી મેઇનન્ટેન કરી શકતા નથી. આવું ન થાય એ માટે વેઇટલૉસ જર્નીમાં શેનું ધ્યાન રાખવું એ જાણી લઈએ
આજના ક્રૅશ ડાયટિંગના જમાનામાં બધાને ઝડપથી વજન ઘટાડીને સુડોળ શરીર મેળવવું છે, વજન ઘટાડવાની લાંબી પ્રક્રિયામાંથી બચીને શૉર્ટકટ અપનાવવો છે. તેમને મહિનામાં ૧૦ કિલો વજન ઉતારી નાખવું છે. તેમને એવું લાગે છે કે જેટલું ઓછું ખાઈશું એટલું વજન ઝડપથી ઘટશે. શરીરને પૂરતું પોષણ મળી રહ્યું છે કે નહીં એના પર તેઓ ધ્યાન આપતા નથી. ઝડપથી વજન ઘટાડવાના ચક્કરમાં કોઈ ક્રૅશ ડાયટિંગ કરે, કોઈ જમવાનું સ્કિપ કરી દે, કોઈ ઓવર-એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દે તો કોઈ ડાયટમાંથી કાર્બોહાઇડ્રેટ્સ, ફૅટ્સ જેવાં ન્યુટ્રિઅન્ટ્સ હટાવી દેતું હોય છે. જોકે એને કારણે વજન તો ઘટી જતું હોય છે, પણ થોડા જ મહિનાઓમાં એ ફરી પાછું વધી પણ જતું હોય છે. ઉપરથી આ પ્રકારની વેઇટલૉસ જર્નીમાં શરીરમાં બીજી અનેક સાઇડ-ઇફેક્ટ ઊભી થાય છે. વીસથી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર પાસેથી તેમના જ શબ્દોમાં જાણી લઈએ કે વેઇટલૉસ કરવાની સાચી રીત કઈ છે...
વેઇટલૉસ કન્સેપ્ટ
દરેક વ્યક્તિનું એક બૉડી-કમ્પોઝિશન હોય છે. તમે કોઈ ડાયટિશ્યન પાસે જશો તો તે પાંચ એલિમેન્ટ પર કામ કરશે. આ પાંચ એલિમેન્ટ એટલે ચરબીનું વજન, માંસપેશીઓનું વજન, હાડકાંનું વજન, પાણીનું વજન તથા કિડની, લિવર, હૃદય જેવાં ઑર્ગન્સનું વજન. કહેવાનો અર્થ એ કે તમને વજનકાંટા પર જે વેઇટ દેખાય છે એ ફક્ત ચરબીનું નથી. એમાં આ પાંચેય એલિમેન્ટ્સનો સમાવેશ છે. હવે એમાંથી ઑર્ગનનું વજન એવી વસ્તુ છે જેમાં આપણે કંઈ કરી શકવાના નથી. તમે તમારા બૉડી-કમ્પોઝિશનને એવી રીતે ઑલ્ટર કરી શકો કે ફૅટ પર્સન્ટેજ ઘટાડી શકો અને મસલ્સ પર્સન્ટેજ વધારી શકો. તમે તમારું વૉટર પર્સન્ટેજ ઑલ્ટર કરી શકો. જોકે વેઇટલૉસ કરવા માટે સારી ડાયટ એને જ કહેવાય જે બધાં જ એલિમેન્ટ્સ પર કામ કરે. વેરી લો કૅલરી ડાયટ, લિક્વિડ ડાયટ, જૂસ ડાયટ, એક્સ્ટ્રીમ લો કાર્બ ડાયટ જેવી ક્રૅશ ડાયટ આવે છે એ આ બધાં જ એલિમેન્ટ્સ પર કામ કરતી નથી. વેઇટલૉસ ત્યારે જ ટકાઉ બની શકે જ્યારે આ પાંચેય એલિમેન્ટ્સનું બૅલૅન્સ સરખી રીતે કરવામાં આવે. ફક્ત ડાયટ અથવા એક્સરસાઇઝથી મસલ્સ કે વૉટર ઘટી જાય તો એ વેઇટલૉસ હેલ્ધી ન કહેવાય.
ક્વિક વેઇટલૉસ કેમ નકામું?
કોઈ વ્યક્તિ વેરી લો કૅલરી ડાયટ પર છે એટલે કે તેનું રોજનું કૅલરી-ઇન્ટેક ૮૦૦ કૅલરી અથવા તો એનાથી ઓછું છે તો એને કારણે શરીરને પૂરતા પ્રમાણમાં કૅલરી મળતી નથી. એને કારણે વજન તો ઊતરશે, પણ શરીરને જેટલું પોષણ મળવું જોઈએ એ મળતું નથી અને એને લીધે બીજી બધી શારીરિક તકલીફો ઊભી થશે અને તમે પણ લાંબો સમય સુધી એ ડાયટને ફૉલો કરી શકવાના નથી. એટલે પછી ફરી તમે રિસ્ટ્રિક્ટેડ ડાયટ બંધ કરશો એટલે વજન વધવા લાગશે. ઉદાહરણ તરીકે ઘણા લોકો સૂપ અને સૅલડ ડાયટ પર રહીને વજન ઘટાડતા હોય છે. સ્વાભાવિક છે કે સૂપ અને સૅલડ પર તમે આખું જીવન ન કાઢી શકો. એટલે વજન ઘટ્યા પછી તેઓ જેવું બીજી બધી વસ્તુ ખાવાનું ચાલુ કરે એટલે તરત તેમનું વજન વધી જાય, ભલે એ ખાવાનું હેલ્ધી કેમ ન હોય. મારા ક્લિનિકમાં એવા ઘણા લોકો આવે છે જેમણે ક્રૅશ ડાયટ કરીને વજન ઘટાડ્યું હોય, પણ એ ફરી પાછું વધી ગયું હોય. એ લોકો ફકત વેઇટની સમસ્યા લઈને નથી આવતા. તેમની બીજી બધી પણ ફરિયાદો હોય છે - જેમ કે ઍસિડિટી અને કબિજયાત થવી, પેટ ફૂલવું, સાંધામાં દુખાવો થવો, હાડકાં નબળાં પડી જવાં, લોહીની કમી થવી, થાક-નબળાઈ લાગવી, ઇમ્યુનિટી નબળી પડવી, સરખી ઊંઘ ન આવવી, વાળ ખરવા, ત્વચા નિસ્તેજ થઈ જવી, નખ બટકણા થઈ જવા વગેરે.
આ કારણે ઝડપથી વજન વધે
ક્રૅશ ડાયટને અનુસરીને તમે તમારા શરીરને જરૂરિયાત કરતાં ઓછી કૅલરી આપો ત્યારે એ ઊર્જા માટે તમારા મસલ્સમાં સ્ટોર થયેલા કાર્બોહાઇડ્રેટ્સ (ગ્લાયકોજન)ને વાપરવાનું શરૂ કરી દે છે. આ ગ્લાયકોજન મસલ્સમાં જમા રહેતું હોય છે. ગ્લાયકોજન એની સાથે વૉટરને પણ હોલ્ડ કરી રાખે છે. એટલે શરીર ગ્લાયકોજન વાપરવાનું શરૂ કરે ત્યારે વૉટર પણ રિલીઝ થાય છે. એટલે શરીરમાંથી જ્યારે વૉટર નીકળવાનું શરૂ થાય એટલે વજન ઑટોમેટિકલી ઘટવાનું જ છે. હવે જેવી તમે લો કૅલરી ડાયટ બંધ કરીને કાર્બોહાઇડ્રેટ્સ ખાવાનું શરૂ કરશો એટલે શરીરમાં ફરી ગ્લાયકોજન રીફિલ થવા લાગશે. એને લીધે શરીરમાં વૉટર-કન્ટેન્ટ પણ વધે અને વજન પણ વધવા લાગે. એ સિવાય આપણી કૅલરીની જરૂરિયાત એટલે કે દિવસભરમાં આપણે કેટલી ઊર્જા જોઈએ એ મુખ્યત્વે આપણા મેટાબોલિઝમ પર નિર્ભર કરે છે. હવે તમારા શરીરને રોજની ૧૫૦૦ કૅલરીની જરૂર હોય અને તમે ૮૦૦ કૅલરી લેતા હો તો તમારા શરીરને એટલામાં જ ગુજારો કરવો કરવો પડશે. લાંબા સમય સુધી આવું ચાલે તો શરીરે પોતાને ઍડ્જસ્ટ કરીને મેટાબોલિઝમ સ્લો કરી દીધું હોય એટલે કે એનર્જીનો ખર્ચ ઓછો કરી દીધો હોય. હવે તમારું શરીર ૮૦૦ કૅલરી પર સર્વાઇવ કરતાં શીખી ગયું. એ પછી જો તમે ૯૦૦ કૅલરી પણ લો તો એ એક્સ્ટ્રા ૧૦૦ કૅલરીને ફૅટરૂપે સ્ટોર કરવા લાગે છે. એવી જ રીતે જ્યારે કોઈ ક્રૅશ ડાયટ કે ઝડપથી વેઇટલૉસ કરે ત્યારે શરીર એને એક સ્ટ્રેસના રૂપમાં જુએ છે. એનાથી હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થાય છે. ઘ્રેલિન જે એક હન્ગર હૉર્મોન છે એ વધી જાય છે અને એને કારણે ભૂખ લાગે છે અને ક્રેવિંગ વધી જાય છે. લિપ્ટન હૉર્મોન જે પેટ ભરવાનું સિગ્નલ આપે છે એ ઓછું થઈ જાય છે. પરિણામે પેટ ભર્યા પછી પણ સંતુષ્ટિ થતી નથી. એને કારણે વ્યક્તિ વધારે ખાવાનું શરૂ કરી દે છે અને વજન વધવા લાગે છે.
વેઇટલૉસની યોગ્ય રીત
વેઇટલૉસ કરતી વખતે ક્રૅશ ડાયટના ચક્કરમાં પડવા કરતાં એવી ડાયટ અપનાવો જેને તમે લાંબા સમય સુધી અનુસરી શકો અને તમારી લાઇફસ્ટાઇલ સાથે મેળ ખાતી હોય. તમારી થાળીમાં અડધો ભાગ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરનો હોવો જોઈએ, પા ભાગ પ્રોટીન હોવું જોઈએ અને બાકીના પા ભાગની હૅલ્ધી ફૅટ્સ હોવી જોઈએ. ફાઇબરમાં બ્રૉકલી, પાલક, કાકડી, ટમેટાં, ગાજર, શિમલા મરચાં, દૂધી, તુરિયાં આવી જાય. કાર્બોહાઇડ્રેટ્સમાં ઘઉંની રોટલી, બ્રાઉન રાઇસ, જુવાર, બાજરો વગેરે આવે. એવી જ રીતે પનીર, દહીં, સોયાબીન, ફણગાવેલાં કઠોળ, વિવિધ પ્રકારની દાળમાંથી પ્રોટીન મળી રહે. હેલ્ધી ફૅટ્સ માટે બદામ, અખરોટ, કાજુ, ચિયા સીડ્સ, ફ્લૅક્સ સીડ્સ, ઘી, તેલ વગેરે ખાઈ શકો. જમતી વખતે બૅલૅન્સ્ડ મીલની સાથે પોર્શન-કન્ટ્રોલનું પણ ધ્યાન રાખો. વજન ઘટાડતી વખતે રિયલિસ્ટિક ટાર્ગેટ સેટ કરો. અઠવાડિયામાં અડધોથી એક કિલો વજન ઘટાડવું એ આઇડિયલ અને સસ્ટેનેબલ માનવામાં આવે છે. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીને હાઇડ્રેટેડ રહો. ઘણી વાર બ્રેઇન તરસ અને ભૂખનાં સિગ્નલ્સને મિક્સ કરી દે છે એટલે આપણને લાગે કે ભૂખ લાગી છે, પણ વાસ્તવિકતામાં પાણીની કમી એટલે કે બૉડી ડિહાઇડ્રેટેડ હોય છે. એટલે શરીરને હાઇડ્રેટેડ રાખીને તમે ઓવરઈટિંગથી બચી શકો છો.