તમારા સ્નાયુઓ કેટલા સશક્ત છે?

02 August, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેઇટ-ટ્રેઇનિંગનો મુખ્ય ઉપયોગ હીરો જેવાં બાવડાં બનાવવા માટેનો નથી પરંતુ સ્નાયુઓને સશક્ત બનાવવા માટેનો છે

પ્રતીકાત્મક તસવીર

મસલ માસ એટલે કે સશક્ત સ્નાયુઓની વાત કરીએ તો લોકોને સીધાં બૉલીવુડ હીરોનાં બાવડાં જ દેખાતાં હોય છે અને નહીં તો એક ઍથ્લીટનું શરીર. સશક્ત સ્નાયુઓનો અર્થ ફક્ત બહારથી સુંદર દેખાતા સ્નાયુ જ નથી હોતા. સ્નાયુ ભરાવદાર હોય એ જુદું અને સશક્ત હોય એમાં પણ ફરક. શું તમે તેના નાનકડા બાળકને લઈને એક્સરસાઇઝ કરતી મમ્મીઓનો વિડિયો જોયો છે કે પછી બાળકને પીઠ પર બેસાડીને પુશ-અપ મારતા પપ્પાઓ જોયા છે? આ પણ સ્નાયુઓને સશક્ત બનાવવાની એક રીત છે. વેઇટ-ટ્રેઇનિંગનો મુખ્ય ઉપયોગ હીરો જેવાં બાવડાં બનાવવા માટેનો નથી પરંતુ સ્નાયુઓને સશક્ત બનાવવા માટેનો છે. સ્નાયુઓને મજબૂત બનાવવા માટે વેઇટ-ટ્રેઇનિંગથી વધુ અસરકારક કોઈ એક્સરસાઇઝ નથી.

ઘણા લોકો એવા છે જેને જિમના નામથી જ ચીડ હોય છે કારણ કે તેમને એ પ્રકારની એક્સરસાઇઝ નથી ગમતી અથવા તો એવું પણ હોય છે કે જિમની મોંઘી મેમ્બરશિપ દરેક વ્યક્તિને પોસાય પણ નહીં. તો શું કરવું? વેઇટ-ટ્રેઇનિંગનો ખાસ કોઈ પર્યાય નથી. સૂર્ય નમસ્કાર, દોડવું, પુશ-અપ્સ, પ્લૅન્ક વગેરે એક્સરસાઇઝ એવી છે જેમાં તમે તમારા શરીરના વજનનો જ ઉપયોગ તમારા સ્નાયુઓને સશક્ત બનાવવા માટે કરો છો. કોઈ પણ વ્યક્તિ જેણે જીવનમાં ક્યારેય વેઇટ-ટ્રેઇનિંગ કરી નથી તેણે પહેલાં આ પ્રકારની એક્સરસાઇઝથી શરૂઆત કરવી જોઈએ પછી ધીમે-ધીમે એ વેઇટ-ટ્રેઇનિંગ ચાલુ કરી શકે છે. વેઇટ-ટ્રેઇનિંગમાં પણ જરૂરી નથી કે તમારાં બાવડાં દેખાય. તમારે લીન બૉડી જ રાખવું હોય તો ઓછું વજન ઉપાડવું પરંતુ રિપિટેશન વધુ કરવાં. જેમ કે હાથની એક્સરસાઇઝ કરતા હો તો બન્ને હાથ પર ક્ષમતા મુજબ ઓછા ૨-૫-૧૦ કિલો વજનથી શરૂ કરી શકાય. વધુ વજનથી ૧૦ વાર રિપીટ કરવામાં આવતી એક્સરસાઇઝ કરતાં ઓછા વજન સાથે એ જ એક્સરસાઇઝ ૨૦ વાર કરો જેથી રિઝલ્ટ મળશે અને સ્નાયુ ફૂલેલા નહીં લાગે.

પહેલાંના લોકો દરરોજ ઘણી મહેનત કરતા, સ્ત્રીઓ ઘરનાં એટલાં કામ કરતી કે તેમના રસોડાના કામ અને ઘરનાં કામોમાં તેમના સ્નાયુઓ સશક્ત બની જતા. પુરુષો પણ ખૂબ ભાર ઉપાડતા. આજે હવે આપણે વધુ ને વધુ બેઠાડુ જીવન જીવીએ છીએ. જે લોકો વેઇટ-ટ્રેઇનિંગ નથી કરવા માગતા તેમણે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ૧ કલાક માટે ચોક્કસ કરવી. ફક્ત ચાલવા જવું પૂરતું નથી, દરેક એક્સરસાઇઝમાં કેટલાક અંશે વેઇટ-ટ્રેઇનિંગ આવે જ છે પછી એ યોગ હોય કે પિલાટેઝ, ઝુમ્બા હોય કે ઍરોબિક્સ. તમારા શરીરનો ભાર તો તમારે જ ઉપાડવાનો છે. આ સિવાય લાઇફસ્ટાઇલમાં થોડું પરિવર્તન લાવો. દરરોજની શાકભાજી અને ફળો કે કરિયાણું જાતે ઉપાડીને લાવો. ઘરનાં અને બહારનાં કામો જેટલાં થઈ શકે એટલાં જાતે જ કરો. કંઈ ન કરવા કરતાં કંઈ કરવું મહત્ત્વનું છે.

-ડૉ. વિભૂતિ કાણકિયા

health tips life and style columnists gujarati mid day mumbai