ઝડપથી વજન ઘટાવું હોય તો શરૂ કરી દો આ ડાયટ પ્લાન

12 June, 2019 11:56 PM IST  |  મુંબઈ

ઝડપથી વજન ઘટાવું હોય તો શરૂ કરી દો આ ડાયટ પ્લાન

વજન ઘટાડવું એ આજના સમયમાં ઘણા લોકો માટે મોટો પ્રશ્ન છે. ઈન્ટરનેટ પર પણ વજન ઉતારવા માટેની અઢળક ટિપ્સ જોવા અને જાણવા મળશે. પરંતુ શું તમે 'જાપાની મોર્નિંગ ડાયટ' વિશે સાંભળ્યું છે? આ ડાયટ આજકાલ ઇન્ટરનેટ પર એક વિશેષ આહાર તરીકે લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. આ ડાયટ જાપાનના હિતોશી વાતાનેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો 'જાપાની મોર્નિંગ ડાયટ' વિશે વધુ જાણીએ.


શું છે 'જાપાની મોર્નિંગ ડાયટ'?

આ ડાયટ મુજબ સવારે નાસ્તામાં તમારે એક પાકું કેળું ખાવાનું છે. ત્યારબાદ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું રહેશે. પછી બપોરે જમવાના સમય પહેલાં બીજું કંઈ જ ખાવાનું નથી. કેળામાં રહેલો સ્ટાર્ચ વજન ઘટાડવામાં ફાયદાકારક નીવડે છે. કેળું નાના આંતરડામાં આવવાને બદલે સીધું મોટા આંતરડાની અંદર જ ઓગળી જાય છે. મોટા આંતરડામાં કેળું જતું રહેવાથી તેમાંથી સ્ટાર્ચ અલગ થાય છે. આંતરડામાં પહેલેથી હાજર બેક્ટેરિયા સ્ટાર્ચને ફેટી એસિડમાં પરિવર્તિત કરી દે છે. આ ફેટી એસિડ તમારી કોશિકાઓમાં પહોંચીને શરીરને પોષણ આપે છે.


આ ડાયટમાં કેટલાં કેળાં ખવાય?

આ ડાયટમાં સવારે નાસ્તામાં તમારે માત્ર એક કેળું ખાવાનું છે. જો વધારે ભૂખ લાગી હોય તો પહેલું કેળું ખાધા બાદ 20 મિનિટ પછી બીજું કેળું ખાવું. આ ડાયટમાં દિવસ દરમિયાન તમને ભૂખ લાગી શકે છે. પરંતુ ધીમે-ધીમે શરીરને આ ડાયટની આદત પડી જશે. આ ડાયટ અનુસરવાનો સૌથી મોટો નિયમ છે કે તમને લાગેલી ભૂખથી ઓછો ખોરાક આરોગો.


જાપાની મોર્નિંગ ડાયટમાં આ વસ્તુઓનું ધ્યાન રાખો

લંચ અને ડિનરમાં તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો. પરંતુ સાંજે નાસ્તાના સમયે ફક્ત ફળો આરોગવાં. તેમજ આખા દિવસ દરમિયાન ગરમ પાણી પીવું. ગરમ પાણી પીવાથી તમારી પાચનની ક્રિયા સારી થશે. રાત્રે 8 વાગ્યા પહેલાં જમી લેવું. ત્યારબાદ કંઈ જ ખાવું નહીં.


'
જાપાની મોર્નિંગ ડાયટ'માં કેળું કેમ ખાવામાં આવે છે?

કેળું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેળું ખાવાથી પાચનની ક્રિયા સારી થાય છે. કેળું ખાવાથી પેટમાં ભાર પડે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. કેળામાં સ્ટાર્ચ ઉપરાંત પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

health tips