ઘૂંટી મચકોડાઈ ગઈ છે અને ઝાડા થઈ ગયા છે

21 November, 2023 03:35 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

આ સ્થિતિમાં નાડી પરીક્ષણ મદદ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

હું ૨૪ વર્ષની છું. મારી ડાબા પગની ઘૂંટી મચકોડાઈ ગઈ હતી. બધા પ્રકારની ટેસ્ટ મેં કરાવી. અલગ-અલગ ઉપચાર પણ કરાવ્યા, પરંતુ કોઈ ખાસ ફરક નથી પડ્યો. રિપોર્ટમાં દેખાયું હતું કે મને કોઈ ફ્રૅક્ચર તો નથી જ, છતાં હજી કેમ દુખાવો જતો નથી. ઊલટું મને જે દવાઓ આપવામાં આવી હતી એને કારણે કદાચ મને ઝાડા થઈ ગયા. ભૂખ બિલકુલ લાગતી નથી. થાક એટલો લાગે છે કે કશું જ કામ કરવા લાયક રહેતી નથી. હજી પણ પગમાં દુખાવો ઘણો રહે છે અને એ જગ્યાએ સોજો પણ એટલો જ છે. 
   
આ સ્થિતિમાં નાડી પરીક્ષણ મદદ કરી શકે છે. એ ચોક્કસ કરાવી લો. બાકી તમે જે રીતે વર્ણવો છો એ મુજબ આ ‘આમ’ની પરિસ્થિતિ છે. આપણા શરીરમાં અમુક પ્રકારનાં બૅલૅન્સ ખોરવાઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. આમની પરિસ્થિતિ પણ આ જ પ્રકારનું ઇમ્બૅલૅન્સ છે, જેમાં દવાઓ શરૂ કરતાં પહેલાં લંઘન પાચન કરવું અત્યંત જરૂરી છે, જે ચોક્કસ તમે શરૂ કરી દો જેમાં ત્રણ દિવસ સતત ગરમ પાણીનું સેવન જ કરવાનું છે, એ સિવાય કશું જ ગ્રહણ ન કરવું. સૂંઠ, ધાણા અને જીરું આ ત્રણેયને સરખા પ્રમાણમાં ૧-૧ ચમચી લઈને એક લિટર પાણીમાં ઉકાળવા. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવું અને એ પાણીનું સેવન કરવું. ત્રણ દિવસ ફક્ત આ પ્રકારે પાણી બનાવી એનું સેવન કર્યા પછીના દિવસથી ભાતનું ઓસામણ એટલે કે ભાતનું પાણી, મગનું પાણી અને એકદમ પાતળી ખીચડી લઈ શકાય. કાચો ખોરાક એટલે કે જે ખોરાકને પકવવામાં આવતો નથી એ ખોરાક જેમાં ફળ, કાચાં શાકભાજી હોય એ સદંતર બંધ કરો. ૩ દિવસની અંદર તમારા ઝાડા ઓછા થઈ જશે અને સોજો પણ ઘટી જશે. ૩ દિવસ પછી સંજીવની વટી, આમપાચક વટીની સાથે ત્રિગુણાસવ દેવામાં આવ્યું. આ સિવાય જ્યાં સોજો છે ત્યાં આયુર્વેદિક લેપ પણ લગાડી શકાય, એનાથી સોજો ઊતરશે. આ લેપમાં આંબાહળદર, રક્ત ચંદન, ગુગ્ગુલુ, હળદર, મુસ્સ્વરનું તેલ, પાણી અને મધનું મિશ્રણ કરી એને પકવવું અને ગરમ કરીને લગાવવું. ગરમ કર્યા પછી પાટો બાંધવો જરૂરી છે. આ લેપ અકસીર છે. આટલો સમય પસાર થશે પછી ધીમે-ધીમે તમારી ભૂખ ઊઘડશે. જ્યારે ભૂખ ઊઘડવા લાગે ત્યારે આમપાચક બંધ કરીને ક્રવ્યાદરસનો ઉપયોગ કરવો. ૮ દિવસની અંદર તમારી આ બધી તકલીફો ઠીક થઈ જશે. 

health tips life and style columnists