વિચારોના ટ્રાફિકને અંકુશમાં કોણ રાખશે? વિચારો સ્વાસ્થ્ય માટે હાનિકારક

19 September, 2019 03:43 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

વિચારોના ટ્રાફિકને અંકુશમાં કોણ રાખશે? વિચારો સ્વાસ્થ્ય માટે હાનિકારક

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં ટ્રાફિકનાં વાહનો ચલાવવાના નિયમો અતિ કડક બનાવાતાં અને એમાં ઉલ્લંઘન બદલ ઊંચા દંડ લાદવામાં આવતા સોશ્યલ મીડિયા પર તેમ જ જાહેરમાં એના વિશે ભરપૂર ચર્ચા-મસ્તી-જોક્સ વગેરે થઈ રહ્યા છે. લોકોમાં આને કારણ શિસ્ત આવશે એવી આશા પણ છે. પરંતુ માણસોના મનમાં સતત દોડતા વિચારોના ટ્રાફિકનું શું? એમાં થતા ઉલ્લંઘનનું ધ્યાન કોણ રાખશે? ચાલો, થોડું એના વિશે પણ વિચારીએ.

એક દિવસ માત્ર એટલું જ વિચારો કે આપણે કેટલું બધું વિચારીએ છીએ! યસ, આ વિચારવા બેસીશું ત્યારે પણ કેટલાય વિચારોનાં મોજાં ઉછાળા મારવા લાગશે. આ ઉછાળા વિચારોનું   વાવાઝોડું પણ બની શકે. આપણને કયા વિચારો અને કઈ રીતે વિચારોનો ટ્રાફિક ઉર્ફે અતિરેક સતાવી શકે છે, આપણા પર હાવી થઈ શકે છે અને ભારરૂપ બની શકે છે. આ માટે વિચારોની પૅટર્નને સમજવી પડે.

એકના એક વિચાર

આપણામાંથી ઘણા માણસો એક જ વિચારને બહુ જોરથી પકડી લે છે. આ જોર એવું દમદાર હોય છે કે એ એક જ વિચાર ઘણી વાર ઘાયલ કરી નાખે છે. દાખલા તરીકે કોઈ દિવસ નોકરીમાં આપણી કોઈ ભૂલ બૉસ પાસે પહોંચી એ સમયે બૉસ ઑલરેડી ગુસ્સામાં હતા અને ઉપરથી આપણી ભૂલ ગઈ તેથી તે આપણા પર વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે બધાની સામે આપણા પર ગુસ્સો કરી દેતાં આપણે વધુ ઘવાયા. મને એકલામાં બોલાવીને કહ્યું હોત તો ચાલત, શા માટે  બધાની સામે મને ઉતારી પાડ્યો? હવે બધા મને એ દૃષ્ટિએ જોયા કરશે, મૂલવ્યા કરશે. બસ! આ જ વિચાર ઘેરી વળશે. દિવસ-રાત એ સતાવ્યા કરશે, એકનો એક વિચાર આપણા માથા પર સવાર થઈ જશે. ખરેખર તો રાત ગઈ ઔર બાત ગઈ જેવું હોવું જોઈએ. શા માટે એ એક જ વિચાર આપણું ચિત્ત ચોરી લે છે? કારણ કે આપણે જ એને છોડતા નથી. જો તમે આવી સ્થિતિનો ભોગ બનો છો તો વિચારી લેજો, અન્યથા એક વિચાર પણ તમને હેરાન-પરેશાન કરી નિરાશામાં ધકેલી શકે છે. ઘણા વળી પોતાની ભૂલ માટે સતત પોતાને દોષ આપ્યા કરે છે. એક વાર ભૂલ થઈ ગઈ એના માટે કાયમ પોતાને ગિલ્ટ ફીલ કરાવવાની જરૂર નથી. એને બદલે ભૂલ સુધારવા પર ધ્યાન આપવું વધુ મહત્વનું છે.

 બહુ લાંબું વિચારવું

અમુક લોકો એક નહીં બલકે ઘણા વિચારો કર્યા કરે છે. ઘણા વિચારો કરે એ તો ઠીક, પરંતુ બહુ-બહુ લાંબા-લાંબા વિચાર કરવા વાજબી નથી. ઊંડું વિચારવું, લાંબું વિચારવું સારું ગણાય; પરંતુ લાંબું એટલે કેટલું? એની પણ વ્યાખ્યા યા મર્યાદા બાંધવી જરૂરી છે. જ્યાં વિવેક કામ લાગી શકે. દાખલા તરીકે વિચારનાર વ્યક્તિ પોતે જ વિચારોની શ્રૃંખલા ઘડતો જાય છે, એક  જ વિષયમાં એક પછી એક વિચાર જોડતો જાય છે. આમ થશે તો તેમ થશે, તેમ થશે તો પછી આમ થશે, તેને એવું લાગશે તો પેલાને પણ એવું લાગશે. સગાંમાં કાકાને ખરાબ લાગશે તો કાકાના જમાઈને પણ ખરાબ લાગશે. આમ વિચારોના છેડા લંબાતા જશે. ક્યારેક વળી એવા પણ દાખલા જોવા મળે જ્યાં બે વરસ પછી કાશ્મીર ફરવા જવાનો પ્લાન હોય ત્યાં બે વરસ બાદ કેવું વાતાવરણ હશે?  ત્યાં શાંતિ હશેને કે પાછાં તોફાન શરૂ થયાં હશે? ત્રાસવાદી પ્રવૃત્તિ પુનઃ સક્રિય નહીં થઈ ગઈ હોયને? આવા કેટલાય વિચાર બે વરસ પહેલાં માણસો શરૂ કરી દે છે. આવા લોકો પોતાની જાતને હેરાન અને ચિંતિત કર્યા કરશે. બે વરસ બાદના આવા વિચારોનો કોઈ અર્થ હોતો નથી.  

બીજા શું વિચારશે એ વિચારવું

એક ભાઈને ત્યાં શુભ પ્રસંગ આવી રહ્યો હતો તેથી તેણે વિચાર્યું કે ચાલ, મારા મિત્ર પાસેથી એ શુભ પ્રસંગના બે-ત્રણ દિવસ માટે કાર માગું. આ માટે તેણે મિત્રને ફોન કરી વાત કરવાનું નક્કી કર્યું. પછી વિચાર્યું કે મિત્ર નજીક જ રહે છે, તેના ઘરે જઈને જ વાત કરું. એ દિવસે રાતે જમીને તે ભાઈ ચાલતાં-ચાલતાં મિત્રના ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને વિચાર આવવાના શરૂ થયા, મિત્ર શું કહેશે કાર માટે? આપશે કે બહાનું કાઢશે? કહેશે, મારા ભાઈને જરૂર છે અથવા એમ પણ કહી શકે કે હાલ ગાડી ગૅરેજમાં આપવાની છે. એમ પણ કહી દે કે તેને ત્યાં બહારગામથી મહેમાન આવવાના છે તો તેમને ફરવા લઈ જવા માટે જોઈએ છે. આમ એ ભાઈ સતત વિચારતા રહ્યા કે મિત્ર કાર નહીં આપવા માટે કેવાં-કેવાં બહાનાં કાઢી શકે છે. આ વિચારો તેના ઘર સુધી પહોંચતાં એટલા તીવ્ર બની ગયા કે એ ભાઈએ  તેના ઘર પાસે પહોંચી નીચેથી બૂમ પાડી મિત્રને ગૅલરીમાં આવવા કહ્યું અને તે ગૅલરીમાં આવ્યો કે તરત કહી દીધું, જા, નથી જોઈતી તારી કાર!  આમ પેલા મિત્રએ વિચાર્યું પણ નહીં હોય જે આ ભાઈસાહેબે વિચારીને નિર્ણય પણ લઈ લીધો.

નેગેટિવ અને ઇરેલવન્ટ વિચારવું નહીં

મોટા ભાગના લોકોને નેગેટિવ વિચારવાની આદત વધુ  હોય છે. કંઈ પણ હોય, નેગેટિવ વિચાર જ પહેલાં આવે અને વધુ આવે.  કોઈ પ્રસંગ યા પરીક્ષા હોય, પોતાના જીવનમાં કંઈક બનવાનું હોય; કંઈ પણ હોય, પહેલાં નેગેટિવ વિચાર આવે. દીકરો સારા માર્કે પાસ નહીં થાય તો? દીકરીને સારી નોકરી નહીં મળે તો? નવા મકાનમાં રહેવા જવાનું થાય કે ત્યાં પાડોશી સારા નહીં હોય તો? બસમાં યાત્રા કરવા નીકળે અને વિચારે આપણી બસ ઘાટમાં પડી ગઈ તો? સવાલ, શંકા અને નકારાત્મક વિચારો કરી-કરીને માણસ પોતાની જાતને અને એને વ્યક્ત કરીને આસપાસના લોકોને પણ ગભરાવી નાખતા હોય છે. વળી ઘણા અસંબંધિત વિષયોમાં વિચાર્યા કરે છે. ટીવી-સિરિયલ્સની કૃત્રિમ વાર્તા અને પાત્રો વિશે વિચારીને ચિંતા યા કકળાટ કરતા હોય છે, જેમની સાથે આમ આ લોકોને કોઈ સંબંધ નથી. આવા તો ઘણા અસંબંધિત વિચારોમાં પણ લોકો પોતાને ત્રાસ  આપતા હોય છે. આમને કોણ બચાવે?

પોતાને જ ફસાવતા આપણે

આવું તો વિચારો સાથે આપણે ઘણુંબધું કરતા રહીએ છીએ. વિચારોનાં જાળાં ગૂંથતા રહીને   આપણે ખુદને જ ફસાવતા રહીએ છીએ. જે બન્યું નથી, જે બનશે કે નહીં એ ખબર નથી એની કોઈ ખાતરી નથી. તેમ છતાં માણસનું મન સતત તેને વિચારોમાં બાંધી રાખે છે. તેનો વિચારયોગ વિષાદયોગ બની જાય છે. આ વિચારો માત્ર કલ્પના જ વધુ હોય છે. માણસે વિચાર્યા વિના કંઈ ન કરવું જોઈએ, પરંતુ ક્યાં, કોના માટે, ક્યારે, કયા સંજોગોમાં કેટલું અને કેવું વિચારવું એનો વિવેક રહેવો પણ આવશ્યક છે. વિચાર શક્તિ છે જે સર્જન કરી શકે છે અને વિસર્જન યા નાશ પણ કરી શકે છે. નેગેટિવ વિચારની સાથે-સાથે પૉઝિટિવ વિચાર પણ હોય છે. બન્ને સમાન શક્તિમાન હોય છે, પરંતુ આપણે નેગેટિવ વિચારોને વધુ જમા કરી વધુ ને વધુ સ્થાન આપી, નેગેટિવની શક્તિ વધારી દઈએ છીએ. જો તેમને હરાવવા હોય તો પૉઝિટિવ વિચારોની સંખ્યા અને પ્રમાણ પણ વધારવા જોઈએ. તમે કહેશો, નેગેટિવ હોય તો પૉઝિટિવ કઈ રીતે આવે? યસ, પૉઝિટિવ આવે. નેગેટિવ કોણ લાવે છે એ પૂછો પોતાને. પછી જુઓ અને પોતાને જ કહો, પૉઝિટિવ પણ લાવી શકાય છે.

આ પણ વાંચો : બગાસું માત્ર ઊંઘ આવવાની નિશાની છે કે પછી બીજું કંઈ?

વિચારોના ટ્રાફિકને અકુંશમાં આપણે જ રાખવા પડે

વિચારો તો આવવાના જ છે. ધ્યાનમાં પણ વિચારો આવશે. એને ધક્કા મારી કાઢી નહીં શકાય. વધુપડતું વિચારવું અને સતત નેગેટિવ વિચારવું યોગ્ય નથી. વિચારોના ગુલામ બનવું યોગ્ય નથી. જેમ સિગારેટ, તમાકુ, દારૂ માટે ચેતવણી અપાય છે એમ ભવિષ્યમાં વિચારો માટે ચેતવણી અપાય તો નવાઈ નહીં. વધુપડતું વિચારવું અને સતત નેગેટિવ વિચારવું સ્વાસ્થ્ય માટે જોખમી છે. આપણા વિચારોના અતિરેકને, નકારાત્મકતાને અને અર્થહીનતાને રોકવા માટે કોઈ કાયદો-નિયમ આવશે નહીં. આપણે જ પોતે સ્વશિસ્ત, સ્વઅંકુશ રાખવા પડશે. અન્યથા આપણી સાથે થનાર અકસ્માત માટે આપણે જ જવાબદાર બનીશું.

health tips