27 April, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લાંબો સમય બેસી રહેવાની આદત મગજના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એવું એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. કૅનેડાની યૉર્ક યુનિવર્સિટીના સંશોધકોએ એક નવો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ જે લોકો દિવસમાં ૮ કલાકથી વધુ સમય બેસીને વિતાવે છે તેમને ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભ્રંશનું જોખમ લગભગ ૨૭ ટકા જેટલું વધી જાય છે. સંશોધકોએ ૩૫ વર્ષથી વધુ ઉંમરના લાખો લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ માટે અગાઉનાં ૬૯ જેટલાં સંશોધનોની સમીક્ષા કરવામાં આવી હતી. જે લોકો સતત લાંબો સમય બેસી રહે છે તેમના મગજના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાનું જણાયું છે.
જોકે નિયમિત કસરત કરવાથી ડિમેન્શિયાનું જોખમ સરેરાશ પચીસ ટકા જેટલું ઓછું થઈ શકે છે. આ રોગથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા અત્યંત જરૂરી છે. બીજા નંબરે ઊંઘની ગુણવત્તા પણ મગજના સ્વાસ્થ્ય પર અસર કરે છે. જે લોકો રાત્રે ૭ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમનું જોખમ ૧૮ ટકા વધી જાય છે, જ્યારે ૮ કલાકથી વધુ સમય ઊંઘનારા લોકોમાં પણ આ જોખમ ૨૮ ટકા જેટલું વધેલું જોવા મળ્યું છે. સંશોધકોના મતે જે લોકો અન્ય સમયે સક્રિય હોય તો પણ જો તેઓ લાંબો સમય બેસી રહેતા હોય તો ડિમેન્શિયાનું જોખમ વધી શકે છે. આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે. હાલમાં વિશ્વભરમાં અંદાજે સાડાપાંચ કરોડ જેટલા લોકો ડિમેન્શિયા સાથે જીવી રહ્યા છે. ભવિષ્યમાં આ આંકડો વધવાની શક્યતા છે.
જીવનશૈલીમાં સુધારો કરીને ડિમેન્શિયાના ૪૫ ટકા કેસ અટકાવી શકાય છે અથવા એને મોડા કરી શકાય છે. શારીરિક પ્રવૃત્તિ અને સામાજિક રીતે જોડાયેલા રહેવું મગજ માટે ફાયદાકારક છે.