કોરોનાનો બીજો ડોઝ પહેલાં લેવો કે લક્ષણોનું નિદાન કરાવવું?

13 April, 2021 03:43 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

સામાન્ય રીતે કોરોનાની વૅક્સિનનો પહેલો ડોઝ વીસ દિવસ પહેલાં લીધો છે તો બીજો ડોઝ ૪ થી ૧૨ વીક સુધીમાં લેવો જોઈએ

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૨ વર્ષ છે. મને દોઢ વર્ષ પહેલાં જ જમણી બ્રેસ્ટમાં ગાંઠ પકડાઈ હતી. નિદાન કરવામાં મોડું થયું અને છતાં જેવી અમને ખબર પડી કે ગાંઠ કૅન્સરની છે એટલે અમે એની સર્જરી કરાવીને કઢાવી નાખી પણ હતી. એ પછી કોરોનાને કારણે કીમોથેરપીમાં થોડુંક મોડું થયું. જોકે આઠ મહિના પહેલાં કીમોથેરપીના પણ બધા ડોઝ પૂરાં થઈ ગયાં. કૅન્સર પેશન્ટ હોવાથી મને વૅક્સિન પણ વહેલી લઈ લેવાનું કહેવામાં આવેલું. વીસ દિવસ પહેલાં મેં વૅક્સિન લીધી પણ ખરી. જોકે એ પછીથી મને તાવ, ઊલટી અને માથું દુખવાની તકલીફ થઈ. એક વીક હેરાન થઈ પછી સારું થયું. હવે થોડાક દિવસમાં ફરીથી બીજો ડોઝ લેવાનો છે અને મને બીજી બ્રેસ્ટમાં નાનકડી ગાંઠ જેવું દેખાઈ રહ્યું છે અને નીપલમાંથી સાદું લિક્વિડ એમ જ ઝરી રહ્યું છે. આવામાં નિદાન પહેલું કરવું કે વૅક્સિનનો બીજો ડોઝ લેવો?

 

સામાન્ય રીતે કોરોનાની વૅક્સિનનો પહેલો ડોઝ વીસ દિવસ પહેલાં લીધો છે તો બીજો ડોઝ ૪ થી ૧૨ વીક સુધીમાં લેવો જોઈએ. તમને હજી વીસ જ દિવસ થયા છે અને લક્ષણો ગંભીર દેખાઈ રહ્યાં છે ત્યારે એના નિદાનની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરી લેવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનું ડીલે ન કરવું. તમારા પ્રાઇમરી ડૉક્ટરને કન્સલ્ટ કરો અને જરૂરી જે કંઈ પરીક્ષણો કરાવવાં પડે એ કરાવી લો. આ પ્રોસેસમાં એકાદ વીકથી વધુ નહીં જાય.

હવે એમાં બે શક્યતાઓ છે. ધારો કે ખબર પડે કે એ કે લક્ષણો કૅન્સરનાં નથી. તો એવા સમયે પરિસ્થિતિ સરળ થઈ જાય છે. તમારે નૉર્મલ કોરોના વૅક્સિનના પ્રોટોકોલ મુજબ પહેલા ડોઝના ૧૨ વીક પહેલાંના સમયમાં એ બીજી વૅક્સિન લઈ શકો છો.

ધારો કે ટ્યુમર અને કૅન્સર થયું છે એવું નિદાન થાય તો એની સારવાર પ્લાન કરવી પડે. આવા સમયે તમે જે ડૉક્ટરને કન્સલ્ટ કરો છો એને જ નિર્ણય લેવા દો. તમને કઈ સારવારની જરૂર પડશે અે પણ તેઓ જ નક્કી કરશે એટલે વૅક્સિનનો બીજો ડોઝ ક્યારે લેવો એ તમને ડૉક્ટર ગાઇડ કરશે.

અત્યારે તમારાં લક્ષણોનું નિદાન વહેલું થાય એને પહેલી પ્રાયોરિટી આપો. 

columnists