ડાયાબિટીઝ હોય તો કેરી ખવાય કે નહીં?

03 May, 2021 11:43 AM IST  |  Mumbai | Yogita Goradia

ડાયાબિટીઝ હોય તો પણ કેરી તો ખાઈ શકાય. શું આ સત્ય છે? કેરી ખાવાથી શુગર વધે નહીં? મને સમજાતું નથી કે શું કરવું જોઈએ. જો મારે કેરી ખાવી હોય તો હું કઈ રીતે ખાઈ શકું?  

પ્રતીકાત્મક તસવીર

હું ૫૫ વર્ષનો છું. છેલ્લાં પાંચ વર્ષથી મને ડાયાબિટીઝ આવ્યું છે એટલે કેરીને મેં હાથ સુધ્ધાં નથી અડાડ્યો. મારું ડાયાબિટીઝ એનાથી વધી ન જાય એવી મને બીક છે, પણ થોડા સમય પહેલાં મારા એક મિત્રએ કહ્યું કે ડાયાબિટીઝ હોય તો પણ કેરી તો ખાઈ શકાય. શું આ સત્ય છે? કેરી ખાવાથી શુગર વધે નહીં? મને સમજાતું નથી કે શું કરવું જોઈએ. જો મારે કેરી ખાવી હોય તો હું કઈ રીતે ખાઈ શકું?  
 
કેરીમાં શુગર હોય છે એ વાત સાવ ખોટી નથી. એક સ્ટ્રૉબેરી કરતાં એક કેરીમાં ૩ ગણી વધારે શુગર હોય છે અને કૅલરીની વાત કરીએ તો ૧૦૦ ગ્રામ કેરીની અંદર ૧૦૦ કૅલરી હોય છે, પરંતુ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે. મહત્ત્વની વાત એ છે કે જો કૅલરી અને શુગરને ધ્યાનમાં રાખીને તમે એને ખાતા નથી તો એમાંથી મળતા અઢળક ન્યુટ્રિશનથી પણ વંચિત રહી જાઓ છો. ડાયાબિટીઝના દરદી તરીકે તમારે બિસ્કિટ ન ખાવાં, પૅકેટ-ફૂડ ન ખાવાં, કોલા ડ્રિન્ક્સ ન પીવાં, પણ કેરી ન ખાવી એવું નથી. કેરી કુદરતી ખોરાક છે જે તમને ખૂબ ફાયદો કરાવે છે. કોઈ પણ ડાયાબિટીઝના દરદી કેરી ખાઈ શકે છે, પરંતુ અહીં થોડું સમજીવિચારીને ખાવાની જરૂર છે.
ગુજરાતીઓમાં આપણે સાંભળીએ છીએ કે કેરીનો રસ હતો તો આજે બે રોટલી વધુ ખવાઈ ગઈ. આવું ન થવું જોઈએ. કેરીને ક્યારેય જમવા સાથે ન ખાવી, કારણ કે જમવામાં તો તમે કૅલરી ખાઈ જ રહ્યા છો એની સાથે કેરીની કૅલરી જોડવી નહીં. કેરી ખાઓ ત્યારે ફક્ત કેરી જ ખાઓ. બીજું કાંઈ એની સાથે ખાવાની જરૂર જ નથી. એટલે એને સવારે ૧૧ વાગ્યે એટલે કે જમતાં પહેલાં બે કલાક કે જમ્યા બાદ સાંજે પાંચેક વાગ્યે ખાઈ શકાય. રાતે કેરી ન ખાવી. ઘણા લોકો એવા હોય છે કે ખાવા બેસે તો ૩-૪ કેરી એકસાથે ખાઈ જાય છે. એવું ન કરવું. 
કેરી ખાવી પણ પ્રમાણમાં ખાવી એટલું યાદ રાખવું. દરરોજ એક કેરી બસ છે. આ ઉપરાંત કેરીનો રસ કે કેરીનો મિલ્કશેક ન લેવો. આખી કેરી જ ખાવી. આમ, જો એને સમજીને ખાવામાં આવે તો ડાયાબિટીઝના દરદી પણ કેરી ખાઈ શકે છે. હા, જો તમે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેતા હો અથવા તમારી શુગર ૪૦૦ જેટલી વધુ હોય તો કેરી ખાતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂરી છે.

columnists yogita goradiya