કંઈ પણ થાય ત્યારે બાળક રડવા માંડે એવું ચલાવી લેવાય?

31 December, 2021 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારો આઠ વર્ષનો દીકરો છે. તે પડી જાય કે તેને વાગી જાય તો તે રડે છે. તેના પપ્પા કહે છે કે તેને સ્ટ્રૉન્ગ બનાવો. મારા માટે તે રોતલ નથી, પણ તેને પેઇન થાય તો તે રડે તો ખરોને એમ માનીને મેં તેને કંઈ ન કહ્યું.

મિડ-ડે લોગો

મારો આઠ વર્ષનો દીકરો છે. તે પડી જાય કે તેને વાગી જાય તો તે રડે છે. તેના પપ્પા કહે છે કે તેને સ્ટ્રૉન્ગ બનાવો. મારા માટે તે રોતલ નથી, પણ તેને પેઇન થાય તો તે રડે તો ખરોને એમ માનીને મેં તેને કંઈ ન કહ્યું. જોકે તેના પપ્પા તેને સમજાવે છે કે પેઇન સહન કરવાનું હોય, એમાં રડવાની જરૂર નથી; હિંમત રાખ, સાવ નમાલા થવાની જરૂર નથી. છેલ્લા થોડા સમયથી હું જોઉં છું કે તે બિચારો સહેમીને રહી જાય છે, રડતો નથી અને ખોટું નાટક કરે છે કે તેને કોઈ પેઇન નથી થતું; જ્યારે તે અતિશય પેઇનમાં હોય છે. મને સમજાતું નથી કે હું શું કરું? જે વસ્તુ ફીલ થાય એ એક્સપ્રેસ કરવામાં કોઈ નમાલું કેવી રીતે બને?

તમારી દ્વિધા અને તમારો પૉઇન્ટ સાચાં છે. હકીકત એ છે કે રડવાને હંમેશાં વીકનેસ તરીકે જ જોવામાં આવે છે. હકીકતમાં એ એક થેરપી છે. મનમાં લાગણીઓના જે ઊભરા આવે એને શમાવવા માટે કુદરતે આપણને આંસુ આપ્યાં છે. વ્યક્તિ અમુક ખાસ પરિસ્થિતિમાં રડતી હોય છે જ્યારે તે દુખી હોય, ગુસ્સામાં હોય, પેઇનમાં હોય, ડર લાગે કે ખુશ હોય. આ વખતે તેનાં ઇમોશન્સ પીક પર હોય છે જે રડી લેવાને કારણે સમતલ પર આવતાં હોય છે. લાગણીઓના ઊભરા મનમાં જ રહી જાય તો એ આગળ જતાં મનને ડૅમેજ કરતા હોય છે. જે માણસ રડી શકે છે તેનું મન સ્વસ્થ રહી શકે છે. એટલે રડવાને એક થેરપી તરીકે જોવાની જરૂર છે. 

બીજું એ કે બાળકોને નાનપણથી તેઓ જે અનુભવે છે એને એક્સપ્રેસ કરવાની આદત પાડવી જોઈએ. આ આદત એટલા માટે પણ જરૂરી છે કે બાળકને પોતાની લાગણીઓને સમજતાં અને સમજાવતાં બન્ને આવડે. જો તેને દુખે છે તો તેને કંઈ નથી દુખતું, હું તો સ્ટ્રૉન્ગ છુંવાળો ખોટો અભિગમ મનમાં ઠસાવવાની જરૂર નથી. એમાં બાળક ઊંધું શીખશે કે અનુભવ ભલે ગમે એ હોય, બહાર દેખાડો જુદો કરવાનો છે. એ સારી વાત નથી. ઊલટું બાળક જેટલું એક્સપ્રેસિવ હોય એટલું વધુ સારું. તેથી તે પડી જાય ત્યારે પાંચ મિનિટ રડે તો રડવા દેવું. તેને ત્યારે સહારો આપવો. તે ખુદ શાંત થઈ જશે. આ રીતે તમે તેને નમાલું નથી બનાવતા. ઊલટું તેને એક પ્રકારનું હીલિંગ આપો છો. બાળક રડતું હોય ત્યારે ફક્ત તેને સહાનુભૂતિ અને પ્રેમની જરૂર હોય છે. બાકી તેને રડવા દો.

columnists