28 January, 2026 02:24 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
સવારે મોબાઇલના અલાર્મથી લઈને રાત્રે લૅપટૉપ બંધ થાય ત્યાં સુધી આપણી લાઇફસ્ટાઇલ સ્ક્રીન સાથે કનેક્ટ થયેલી છે. કામ, ભણતર, એન્ટરટેઇનમેન્ટ, શૉપિંગ અને કમ્યુનિકેશન બધું ડિજિટલ થઈ ગયું છે પણ સુવિધાઓની પાછળ આંખોનાં ફંક્શન્સ પર લોડ વધી રહ્યો છે. આંખોમાં હેવીનેસ ફીલ થવી, ધૂંધળું દેખાવું, બળતરા થવી અને એને લીધે માથું દુખવું આ બધાં લક્ષણોને લોકો સામાન્ય થાક સમજીને અવગણે છે પણ હકીકતમાં આ તમામ લક્ષણો કમ્પ્યુટર વિઝન સિન્ડ્રામ જેવી ગંભીર સમસ્યાની ચેતવણી હોઈ શકે છે. એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે ૮૦ ટકા જેટલા કમ્પ્યુટર યુઝર્સ આ સિન્ડ્રૉમથી પીડાય છે અને તેમને આ વાતની ખબર જ નથી પડતી. કમ્પ્યુટર વિઝન સિન્ડ્રૉમથી થતા રિસ્ક પૅક્ટર અને એનાથી કેવી રીતે બચી શકાય એ વિશે એક્સપર્ટ પાસેથી વિગતવાર જાણીએ.
કમ્પ્યુટર નહીં, સ્ક્રીન વિઝન સિન્ડ્રૉમ કહો
સાંતાક્રુઝમાં કેનિયા આઇ હૉસ્પિટલનું સંચાલન કરતાં અનુભવી આઇ સર્જ્યન વૈશાલ કેનિયા આ સિન્ડ્રૉમ શું છે અને એનાં લક્ષણો કેવાં હોય એ વિશે જણાવે છે, ‘અત્યારે આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે કોઈને મોબાઇલ વગર ચાલતું નથી. જેમ કમ્પ્યુટરની સ્ક્રીન છે એમ મોબાઇલ અને લૅપટૉપની પણ એવી જ સ્ક્રીન હોય છે. એક નૅશનલ સર્વે મુજબ ભારતીયોનો સ્ક્રીન-ટાઇમ ૭.૪ કલાક એટલે કે સરેરાશ સાત કલાક ચાલીસ મિનિટ જેટલો સમય આપણે મોબાઇલ, ટીવી, લૅપટૉપ, ટીવી, કમ્પ્યુટર અને નોટપૅડ જેવાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ સામે વિતાવીએ છીએ. આપણે નવરા બેઠા હોઈએ ત્યારે મગજમાં સૌથી પહેલાં મોબાઇલ જ આવે છે. સોશ્યલ મીડિયા પર સ્ક્રૉલિંગ કરતા હોઈએ ત્યારે મગજ હૅપીનેસ હૉર્મોન રિલીઝ કરે અને આપણે કલાકો સુધી સ્ક્રૉલ કરતા જઈએ. આવું થાય એટલે સ્વાભાવિક છે આંખો પર લોડ આવવાનો જ છે. એટલે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રૉમ ખાલી કમ્પ્યુટર પૂરતું જ સીમિત રહ્યું નથી, તેથી એનાથી ઉદ્ભવતી સમસ્યાઓને સ્ક્રીન વિઝન સિન્ડ્રૉમ કહી શકાય. ફક્ત ડેસ્ક જૉબ કરનારા લોકો જ નહીં, નાનાં બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. જેમનો સ્ક્રીન-ટાઇમ વધારે હોય તેમને આંખોમાં ડ્રાયનેસ, ડિસકમ્ફર્ટ અને ઇરિટેશનની સમસ્યા કે વિઝન કમજોર થાય એવા લોકોમાં કમ્પ્યુટર વિઝન સિન્ડ્રૉમ થવાનું જોખમ વધુ રહેલું હોય છે. લાંબા સમય સુધી બ્લિન્ક કર્યા વગર સ્ક્રીન પર જોયા રાખવાથી સ્ક્રીનનો પ્રકાશ સતત આંખોને એન્ગેજ રાખવાનું કામ કરે છે. એને લીધે આંખોના મસલ્સ થાકી જાય છે અને આ જ કારણે આંખોમાં હેવીનેસ, બળતરા વગેરે થાય છે.’
ઓછો બ્લિન્ક રેટ સમસ્યાનું કારણ
વૈશાલ કેનિયા આ વિશે વધુમાં જણાવે છે, ‘મારા OPDમાં આવતા મોટા ભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. એમાં સૌથી વધુ યંગસ્ટર્સ હોય છે જેમને ખબર જ નથી કે આઇ ડ્રાયનેસ શું હોય. તેઓ વધુ ન થાય ત્યાં સુધી કોઈ સમસ્યાને ગણકારતા નથી. એમાં આંખનો થાક મુખ્ય લક્ષણ છે. આપણે જ્યારે ચોપડી વાંચીએ ત્યારે આંખોને થાક લાગતો નથી પણ જ્યારે સ્ક્રીન પર આપણે જોઈએ છીએ એ કૉન્સ્ટન્ટ નથી હોતી, મોશન હોય છે. ત્યારે જ એનો વિડિયો બને છે અને આપણું ધ્યાન એમાં એટલું પરોવાયેલું હોય કે આપણે આંખને ઝપકાવવાનું જ ભૂલી જઈએ છીએ. આને કારણે આપણો બ્લિન્ક રેટ ૪૦થી ૬૦ ટકા ઓછો થઈ જાય છે. એક મિનિટમાં ૧૬થી ૧૮ વાર બ્લિન્ક કરવું જોઈએ. બ્લિન્ક કરીએ એટલે આંખને લુબ્રિકેશન મળે અને આંખોના મસલ્સ પર લોડ ન આવે.
અત્યારે તો બહાર જઈએ તો પ્રદૂષણ અને ઘરમાં AC ચાલુ હોય તો પ્યૉર ભેજવાળી હવા મળે જ નહીં. ACની ડ્રાય હવામાં આંખો વધુ ડ્રાય થાય છે અને એમાંય વળી સ્ક્રીન-ટાઇમ તમારી આંખોના સ્વાસ્થ્યને વધુ ખરાબ કરવાનું કામ કરે છે. વિટામિન Dના અભાવને કારણે પણ આ ડ્રાયનેસ થાય છે. હવે જીવન મોબાઇલ અને લૅપટૉપમાં જ ગૂંચવાઈ ગયું હોવાથી લોકો ઇન્ડોર પ્રાણી થઈ ગયા છે. આને લીધે હવે વિટામિન Dની અછત જોવા મળે છે. વિટામિન Dની કમી પણ આંખોમાં ડ્રાયનેસ લાવી શકે છે.
ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, હાર્ટને લગતી સમસ્યા, ઓબેસિટી આ બધા જ લાઇફસ્ટાઇલ ડિઝીસ છે. એને કારણે આંખો પ્રભાવિત થાય જ છે. દર ત્રણ પૈકી બે વ્યક્તિઓ ડ્રાયનેસ અને આંખના થાકની સમસ્યાથી પીડાય જ છે. મૅરથૉનમાં ભાગ લેવાનો હોય ત્યારે શરીરને પ્રિપેર કરીએ છીએ. પાંચ કલાકની મૅરથૉન માટે મહિનાઓ સુધી તૈયારી કરીએ છીએ અને આંખોની મૅરથૉન માટે આપણે કેટલી તૈયારી બતાવી? કંઈ નહીં. પગના મસલ્સ સ્ટ્રૉન્ગ કરવાની જેટલી જરૂર હોય છે એટલું જ આંખોના મસલ્સનું સ્ટ્રૉન્ગ હોવું જરૂરી છે.
આંખોમાં આવતી ખંજવાળને લીધે આપણે એને બન્ને હાથથી જોર-જોરથી પ્રેશર સાથે ખંજવાળીએ તો આંખની કીકીનો આકાર બેડોળ થઈ જશે. સાઇલન્ટ્લી કીકી ડ્રાય અને પાતળી થાય છે. શરૂઆતના સમયમાં જો ખબર પડી જાય તો સારવાર શક્ય છે, પણ જો આવું ન થાય તો કૉર્નિયા રિપ્લેસ કરવાની નોબત આવે છે. ઘણા લોકો ઍન્ટિગ્લેર અને બ્લુ લાઇટથી બચવા માટેનાં ચશ્માં પહેરતા હોય છે. જોકે અત્યારે બ્લુ બ્લૉકિંગ રેઝનાં ચશ્માં પહેરવાં અનિવાર્ય છે એવી હાઇપ ઊભી કરવામાં આવી છે, પણ વાસ્તવિકતામાં આ દાવો તદ્દન પોકળ છે. બ્લુ બ્લૉકિંગ રેઝનાં ચશ્માં પહેરવાથી આંખોને પ્રોટેક્શન મળે છે એ વાત સાચી નથી. એને જો ૨૪ કલાક પહેરવામાં આવે તો એ આંખોને પ્રોટેક્શન આપવાને બદલે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે. એ ઊંઘ માટે જવાબદાર મેલૅટોનિન નામના હૉર્મોનને રિલીઝ થતું અટકાવે છે, પરિણામે તમને દિવસ દરમિયાન સુસ્તી અને ઊંઘ આવવા લાગે છે. હા, યુવી પ્રોટેક્શન રેઝનાં ચશ્માં જરૂરી છે. એ આંખોને પ્રોટેક્ટ કરે છે, પણ બ્લુ બ્લૉકિંગ રેઝવાળાં ચશ્માં નહીં. ઘરમાં કે ઑફિસમાં આંખોને કમ્ફર્ટેબલ લાગે એટલી બ્રાઇટનેસ જેટલો જ રૂમમાં પણ પ્રકાશ હોય તો આંખોને નુકસાન થતું નથી. રાત્રે તમે અંધારામાં મોબાઇલ વાપરશો તો એમાંથી નીકળતી લાઇટ નુકસાનકારક સાબિત થાય છે.’
જો તમે લાંબા સમય સુધી સ્ક્રીન પર જુઓ છો તો દર વીસ મિનિટે ૨૦ સેકન્ડનો બ્રેક લો અને ૨૦ ફીટ દૂર જુઓ અને આંખ ઝપકાવો. આ ટ્રિકથી નૅચરલી આંખની ડ્રાયનેસ દૂર થશે.- ડૉ. વૈશાલ કેનિયા, આઇ સર્જ્યન