સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને માટે મહત્ત્વની છે લાળ ગ્રંથિઓ

03 November, 2020 04:11 PM IST  |  Mumbai | Varsha Chitalia

સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને માટે મહત્ત્વની છે લાળ ગ્રંથિઓ

માનવશરીરના બંધારણમાં લાળ ગ્રંથિઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે

તાજેતરમાં નેધરલૅન્ડ્સના વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢવામાં આવેલી નવી લાળ ગ્રંથિ કૅન્સરના રોગના અભ્યાસ અને સારવારમાં ઉપયોગી સાબિત થશે એવો દાવો કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સંક્રમણના નિદાનમાં પણ લાળ પરીક્ષણ થાય છે. માનવ શરીરમાં મોઢાની અંદર આવેલી આ ગ્રંથિઓ પાચનક્રિયાને સરળ બનાવી પેટ અને મુખના રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. એના દ્વારા અનેક પ્રકારના રોગોનું નિદાન શક્ય છે ત્યારે લા‍ળ ગ્રંથિઓનું મહત્ત્વ અને કાર્યપદ્ધતિને સમજીએ...

તાજેતરમાં નેધરલૅન્ડ્સના કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ રેડિયોથેરપીના રિસર્ચ દરમિયાન મનુષ્યના મોઢામાં રહેલી નવી લાળ ગ્રંથિ (સલાઇવરી ગ્લૅન્ડ) શોધી કાઢી છે. ઇન્સ્ટિટ્યૂટે પોતાની વેબસાઇટ પર આ વિશે માહિતી આપતાં લખ્યું છે કે નવી લાળ ગ્રંથિ મળી આવવાથી માથું, મગજ અને ગળાના કૅન્સરના અભ્યાસ અને સારવારમાં મદદ મળશે.
ઑન્કોલૉજિસ્ટ (કૅન્સર નિષ્ણાત) ડૉ. વુટર વોગલ અને મેક્સિલોફેસિયલ (જડબાના નિષ્ણાત) ડૉ. માથિજસ વૉલસ્ટાર નવા પ્રકારના સ્કેનિંગનો અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમને નાકની નીચેના ભાગમાં અજાણ્યા પદાર્થો દેખાયા હતા. શરીરશાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે આ જગ્યાએ કોઈ ગ્રંથિ હોવી ન જોઈએ, પરંતુ આ પદાર્થોનો દેખાવ લાળ ગ્રંથિઓ જેવો હોવાથી બન્ને સંશોધકોએ ઊંડો અભ્યાસ કર્યો. રિસર્ચનો રિપોર્ટ રજૂ કરતાં પહેલાં સાતસોથી વધુ લોકોના ચહેરા પર રેડિયેશન થેરપી આપવામાં આવી હતી. દરેકના ચહેરામાં આ ગ્રંથિ મળી આવ્યા બાદ સંશોધકો તારણ પર આવ્યા હતા કે આ લાળ ગ્રંથિ જ છે. મોઢાની અંદર આવેલી લાળ ગ્રંથિઓ આપણા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. એના દ્વારા અનેક પ્રકારના રોગોનું નિદાન શક્ય છે ત્યારે લા‍ળ ગ્રંથિઓના કાર્યને સમજીએ.
આયુર્વેદ શું કહે છે?
માનવશરીરના બંધારણમાં લાળ ગ્રંથિઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પાચનતંત્ર માટેના સહાયક પ્રતિઅંગ તરીકે એનો ઉલ્લેખ છે. મુંબઈની વૈદિક્યૉર વેલનેસનાં આયુર્વેદ કન્સલ્ટન્ટ ડૉ. સાયલી મોદી કહે છે, ‘મોઢાની અંદર જે લાળ બને છે એમાં ૯૮.૫ ટકા જળ અને ૧.૦૫ ટકા ઇલેક્ટ્રોલાઇડ્સ, એન્ઝાઇમ જેવાં મહત્ત્વનાં રસાયણો છે. આપણે ભોજન લઈએ છીએ ત્યારે લાળ ખોરાકમાં ભળી એને તોડી પચવાને યોગ્ય બનાવે છે જેથી સરળતાથી ગળે ઊતરી જાય અને પેટનું કામ ઘટી જાય. એટલે જ કહ્યું છે કે ખોરાકને વીસ મિનિટ સુધી સરખી રીતે ચાવીને ખાવો જોઈએ. સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને મોઢામાં લા‍ળ પડે છે એનું કારણ સ્વાદ ગ્રંથિઓનું ઍક્ટિવ થવું છે. આ ગ્રંથિઓ મગજને સંદેશો પહોંચાડવાનું કામ કરે છે. મોઢાની અંદર લા‍ળ ન હોય તો સ્વાદની ખબર ન પડે. આયુર્વેદ અનુસાર કડવા રસથી લાળ ગ્રંથિઓ સતેજ થાય છે અને ઝડપથી પ્રતિભાવ આપે છે. કડવો રસ લાળમાં ભળી હાનિકારક બૅક્ટેરિયાનો નાશ કરે છે.’
લાળ પરીક્ષણ
તબીબી વિજ્ઞાન માટે માનવ શરીરની રચના હંમેશાંથી સંશોધનનો વિષય રહ્યો છે. માઉથ ફર્સ્ટ એક્સપોઝર હોવાથી એની અંદર આવેલાં પ્રતિઅંગો મહત્ત્વનાં છે. હમણાં સુધી મોઢાની અંદર પેરોટિડ ગ્લૅન્ડ, સબમેન્ડીબ્યુલર ગ્લૅન્ડ અને સબલિંગ્યુઅલ ગ્લૅન્ડ એમ ત્રણ પ્રકારની લા‍ળ ગ્રંથિઓની જોડી આવેલી છે એવું આપણે જાણતા હતા. નવી મુંબઈસ્થિત સુઅસ્થ હૉસ્પિટલના સંસ્થાપક ડૉ. સંજીવ કનોરિયા કહે છે, ‘આપણા મોઢાની અંદર છસો કરતાં વધુ જાતના બૅક્ટેરિયા રહે છે. લાળની અંદર સમાયેલા મોટા ભાગના બૅક્ટેરિયા ઉપયોગી છે. બહારનું ફૂડ ખાઈએ, જીવાણુના સંપર્કમાં આવીએ કે મોઢા દ્વારા શરીરમાં સૂક્ષ્મ જંતુઓ અને વાઇરસ પ્રવેશે ત્યારે લાળની અંદર રહેલા ગુડ બૅક્ટેરિયા ફાઇટ કરી આપણા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. લાળમાં રહેલું કૅલ્શિયમ અને ફૉસ્ફેટ આયનો બૅક્ટેરિયલ ઍસિડથી થતા નુકસાનને અટકાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત લાળમાં રહેલાં પ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન મોઢાની ઇકો-સિસ્ટમને નિયંત્રિત રાખે છે.’
લાળ પરીક્ષણ દ્વારા અનેક રોગોનું નિદાન શક્ય છે. ડૉ. સંજીવ કહે છે, ‘લાળનો ઉપયોગ સ્વૉબ (થૂંક) ડ્રગ પરીક્ષણ માટે થાય છે. વિશ્વભરમાં કેર મચાવનાર મહામારી કોરોનાના નિદાનમાં પણ સ્વૉબ પરીક્ષણ કરવામાં આવે છે. સ્વૉબ પરીક્ષણ માટે મોઢામાંથી લાળ એકત્રિત કરી તપાસ માટે મોકલાય છે. ઓરલ હેલ્થ ઉપરાંત કૅન્સર અને ડાયાબિટીઝ જેવી લાંબા ગાળાની બીમારીના પ્રારંભિક નિદાનમાં (પ્રોગ્નોસિસ ડાયગ્નૉસિસ) લાળ પરીક્ષણ મદદ કરી શકે છે. પેશાબ સહિતના અન્ય બાયોલૉજિકલ સૅમ્પલની તુલનામાં લાળ પરીક્ષણ વધુ સચોટ નિદાન કરી શકે છે.’
ઓરલ હેલ્થ
આપણા દેશમાં મોટા ભાગના લોકોમાં ઓરલ હેલ્થની સમસ્યા જોવા મળે છે. લાળ ગ્રંથિઓ મોઢાને ડિટૉક્સ કરે છે. સૈફી હૉસ્પિટલના પ્રોસ્થોડૉન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. હુઝૈફા ઈઝી કહે છે, ‘લાળ ગ્રંથિઓ તમારા મોઢાને સતત ભીનું રાખે છે. દાંતને મજબૂત રાખવા લાળ બનવી જરૂરી છે. લાળનું ઉત્પાદન ઓછું થઈ જાય એ સમસ્યાને ડ્રાય માઉથ સિન્ડ્રૉમ કહે છે. મોઢું સુકાઈ જાય તો જુદા-જુદા રોગો થાય છે. લાળ ન હોય તો ખોરાકના કણો દાંતની વચ્ચે ચોંટી જાય અને એમાં સડો થાય. પેઢાના રોગોનું મુખ્ય કારણ ડ્રાયનેસ છે. લાળનું પ્રમાણ ઘટે તો મોઢામાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. લાળમાં સારા બૅક્ટેરિયાની હાજરીના કારણે ઍસિડનો અટૅક થતો નથી. આ ગ્રંથિઓ હાનિકારક બૅક્ટેરિયાનો ગ્રોથ થતો અટકાવે છે.’
કૅન્સરની સારવારમાં લાળ બનવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. ડૉ. હુઝૈફા કહે છે, ‘કૅન્સરના ઇલાજ દરમિયાન કીમોથેરપીની આડઅસરના લીધે મોઢું સુકાઈ જાય છે. લાળ ગ્રંથિમાં સ્ટોનનો પ્રૉબ્લેમ અથવા બ્લૉકેજ થઈ શકે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સમાં પણ લા‍ળનું પ્રોડક્શન ઘટી જાય છે. દવાની અસરના કારણે લાળ ઓછી બનતી હોય તો દવા બંધ કર્યા બાદ આપોઆપ ઠીક થઈ જાય છે, પરંતુ કેટલાક કેસમાં લાળ બને એવી દવાઓ અથવા આર્ટિફિશ્યલ લાળ આપવામાં આવે છે.’


આટલું જાણી લો
વારંવાર થૂંકવાની ટેવ ધરાવતી વ્યક્તિના મોઢામાં લાળની માત્રા ઘટતી જાય છે. એન્ઝાઇમ્સની ઊણપ રોગપ્રતિકારક શકિત ઘટાડે છે તેમ જ પાચનતંત્રને અસર થાય છે.
ઘણાને ઊંઘમાં લાળ પડે છે. મોઢાની અંદર વધુ માત્રામાં લાળ બને છે ત્યારે આવું થાય છે. જોકે અન્ય કારણો પણ હોઈ શકે છે. ઊંઘમાં લાળ પડવાનું પ્રમાણ અધિક હોય તો ઓરલ ઇન્ફેક્શન, નાકમાં ઍલર્જી, લિવરના રોગો, પેટની બીમારી, ટૉન્સિલમાં સોજો જેવા રોગોની શક્યતા નકારી ન શકાય. આવા કેસમાં સમયસર નિદાન જરૂરી છે.
વાનગીનો સ્વાદ ન લાગે, મોઢાની અંદર સોજો જણાય, ગળું સુકાવું જેવાં લક્ષણોમાં ડૉક્ટરનો સંપર્ક કરવો.
સામાન્ય રીતે ચોવીસ કલાકમાં મોઢાની અંદર એકથી દોઢ લિટર લાળ બને છે. લાળ ગ્રંથિઓમાં કુદરતી રીતે જ પાણી બને છે, પરંતુ એની માત્રા જળવાઈ રહે અને મુખના રોગો ન થાય એ માટે ભરપૂર પાણી પીવું.
વહેલી સવારની લાળ અથવા થૂંકને ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે એવી માન્યતા ખોટી છે. લાળને ત્વચાના રોગ સાથે કોઈ સંબંધ નથી.

લાળગ્રંથિઓને સ્વસ્થ રાખવાનો આયુર્વેદિક નુસખો
મુખના રોગોના ઉપચાર માટે આયુર્વેદમાં જણાવવામાં આવેલી ગંડૂષ અને કવલ પદ્ધતિમાં લાળની ભૂમિકા મહત્ત્વની છે એવી માહિતી આપતાં ડૉ. સાયલી કહે છે, ‘ગંડૂષમાં એક ચમચી તલનું અથવા નાળિયેરનું તેલ લઈ મોઢામાં ભરવું. આ પ્રક્રિયામાં મોઢાની અંદર કોઈ હલનચલન ન થવું જોઈએ. દસ મિનિટ બાદ તેલને થૂંકી નાખો. કવન પ્રક્રિયામાં પણ એક ચમચી તેલ લઈ મોઢામાં ભરવું. કોગળા કરતી વખતે મોઢાની અંદર પાણીને આમતેમ ફેરવીએ છીએ એવી રીતે તેલને ફેરવો. દસ મિનિટ બાદ થૂંકી નાખો. માત્ર એક ચમચી તેલ લેવાનું કારણ લા‍ળ છે. મોઢું ભરાઈ જાય એટલા પ્રમાણમાં અંદર લાળ બનશે જે તેલની સાથે ભળી જતાં પ્રમાણ વધી જશે. મોઢાની અંદરની સિસ્ટમ ઍક્ટિવેટ થતાં દાંત દુખવા, દાંત હલવા, પેઢામાંથી રક્ત વહેવું જેવા મુખના રોગો મટે છે. આ પદ્ધતિમાં રેગ્યુલર પ્રૅક્ટિસથી તેલનું પ્રમાણ વધારવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જીભમાં ચીરા, બળતરા, પિત્તના અતિરેકથી થતું મુખપક્ક (મોઢાનું અલ્સર) વગેરેમાં મધનું ગંડુશ કરવું જોઈએ. ગંડુશ અને કવન વહેલી સવારે નરણા કોઠે કરવું. આ ક્રિયા દિવસમાં બે-ત્રણ વાર કરવાથી આંતરિક અવયવોના સ્વાસ્થ્યને ફાયદો થાય છે.’

આપણે જ્યારે ભોજન લઈએ છીએ ત્યારે લાળ ખોરાકમાં ભળી એને તોડી પચવાને યોગ્ય બનાવે છે જેથી સરળતાથી ગળે ઊતરી જાય છે. કડવા રસથી લાળ ગ્રંથિઓ સતેજ થાય છે અને ઝડપથી પ્રતિભાવ આપે છે. કડવો રસ લાળમાં ભળી હાનિકારક બૅક્ટેરિયાનો નાશ કરે છે.
- ડૉ. સાયલી મોદી

લાળમાં રહેલા પ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન મોઢાની ઇકો-સિસ્ટમને નિયંત્રિત રાખે છે. ઓરલ હેલ્થ ઉપરાંત કૅન્સર અને ડાયાબિટીઝ જેવી લાંબા ગાળાની બીમારીના પ્રારંભિક નિદાનમાં પણ લાળ પરીક્ષણ મદદ કરી શકે છે. પેશાબ સહિતના અન્ય બાયોલૉજિકલ સૅમ્પલની તુલનામાં લાળ પરીક્ષણ વધુ સચોટ નિદાન કરી શકે છે.
- ડૉ. સંજીવ કનોરિયા

લાળ ગ્રંથિઓ મોઢાને ડિટૉક્સ કરે છે. દાંતને મજબૂત રાખવા લાળ બનવી જરૂરી છે. લાળ ન હોય તો ખોરાકના કણો દાંતની વચ્ચે ચોંટી જાય અને દાંતમાં સડો થાય. પેઢાના રોગોનું મુખ્ય કારણ ડ્રાયનેસ છે. કૅન્સરના ઇલાજ દરમિયાન કીમોથેરપીની આડઅસરના લીધે મોઢું સુકાઈ જાય છે.
- ડૉ. હુઝેફા ઈઝી

Varsha Chitaliya health tips