મનને કાબૂમાં લાવવું છે?

08 February, 2023 04:59 PM IST  |  Mumbai | Ruchita Shah

મનને દોડાવવાનું કામ જે કરે છે એને કાબૂમાં લાવી દો તો ઑટોમૅટિકલી મન્કી માઇન્ડને હૅન્ડલ કરી શકાય. યોગમાં એ માટેની જે થિયરી છે એની પ્રૅક્ટિકલ ટિપ્સ જાણી લો આજે

પ્રતીકાત્મક તસવીર

આંખ. આખો દિવસ એણે જોયા જ કરવાનું છે, એના મતલબનું હોય કે ન હોય. ચકળવકળ થઈને આંખો કેટલીયે દિશામાં ભટકે છે, ક્યારેક કોઈનાં કપડાં તો ક્યારેક કોઈનું રૂપ, ક્યારેક કોઈની સંપત્તિ જોઈને એ મનને બિનજરૂરી ઇન્ફર્મેશન પાસ ઑન કર્યા કરે. એવું જ આપણા નાકનું. અનાયાસ કોઈ સરસ સુગંધ આવે મન, આંખો એ દિશામાં વળે તો ક્યારેક કોઈક દુર્ગંધ મનનું વાતાવરણ પણ બગાડે. એ જ રીત છે આપણા કાનની, સ્પર્શની અને સ્વાદેન્દ્રિયની. કૉમન સેન્સ હોય એ દરેકને એક જ વાક્યમાં સમજાઈ જાય કે આ આપણી પાંચેય ઇન્દ્રિયો જ છે જે બહારના વિશ્વ સાથે આપણો પરિચય કરાવે છે. આપણી અંદર જે પણ વિશ્વ સરજાય છે; આપણો આનંદ, સુખ, દુઃખ, ઈર્ષ્યા એ બધું જ મન અને ઇન્દ્રિયોની મિલીભગતનું પરિણામ છે. બન્ને એકબીજાના માધ્યમે આપણને પજવતાં રહે છે. હવે જો આ બન્નેની મિલીભગત તોડીએ, ડિવાઇડ ઍન્ડ રૂલ કરીએ તો આ બધી જ જફામાંથી છુટકારો મળવાનું શરૂ થાય કે ન થાય? મન અને ઇન્દ્રિયો વચ્ચેની ડિવાઇડ ઍન્ડ રૂલ પૉલિસી એટલે પ્રત્યાહાર. 

એકદમ સિમ્પલ | મનને વિચલિત કરે એવી એક પણ ઇન્ફર્મેશન ઇન્દ્રિયો દ્વારા ન મળે એવું કરવું એટલે પ્રત્યાહાર. જેમ કાચબો જોખમ દેખાય અને પોતાનાં તમામ અંગોને કાચલામાં છુપાવી દે એમ પ્રત્યાહારમાં પણ તમામ ઇન્દ્રિયોને અંદરની તરફ લઈ જવાની હોય છે. ઇન્દ્રિયોનો જે આહાર છે એનાથી વિપરીત અવસ્થામાં એને મૂકવી એટલે પ્રત્યાહાર. આંખોનો આહાર એટલે દૃશ્ય, જોવું. જોવાથી એને પાછી વાળવી એટલે પ્રત્યાહાર. 

પૉસિબલ છે | પ્રત્યાહારનો આજની પ્રૅક્ટિકલ દુનિયામાં ઘણો ઉપયોગ છે. સતત બહારની તરફ જ ધ્યાન આપતા રહેવાને કારણે આપણી બેચેની વધી છે એ સમયે થોડાક-થોડાક સમય માટે પણ જો પ્રત્યાહારના પ્રયત્નો થાય તો ઘણાંખરાં દુઃખ આપમેળે ઓછાં થઈ જાય. અત્યારના સમયમાં પ્રત્યાહાર આપણને સ્થિરતા આપશે, જેની સર્વાધિક જરૂર છે. ઇન્દ્રિયોને રોકવી ખૂબ જરૂરી છે. મન્કી માઇન્ડને હૅન્ડલ કરવા માટે પ્રત્યાહાર પ્રૅક્ટિકલ રસ્તો છે. સાદી ભાષામાં પ્રત્યાહાર એટલે તમારામાં સંતોષનો ગુણ ડેવલપ કરે છે. મેન્ટલ સ્ટેબિલિટી વધારે છે.

ટ્રાય ઇટ | પ્રત્યાહાર વિશે વાત કરવી સરળ છે પણ એને પ્રૅક્ટિસમાં ઉતારવાની કોઈ મેથડ છે? યસ છે. યોગમાં ખૂબ જ પૉપ્યુલર થયેલી યોગનિદ્રાની ક્રિયા એ પ્રત્યાહારની પ્રૅક્ટિસ છે. 

આ પણ વાંચો : યોગ કરતાં-કરતાં અચાનક આંખો ભરાઈ આવી હોય એવું બન્યું છે?

આંખો બંધ કરો અને ધીમે-ધીમે તમારા મનને, તમારા ધ્યાનને અંદરની તરફ લઈ જવાની પ્રોસેસ કરો. બની શકે શરૂઆતમાં બહુ જ બધા વિચારો આવશે, પણ કન્સિસ્ટન્ટ અભ્યાસ મનને સ્થિર કરશે. શરૂઆત તમે આનાપાન ધ્યાન અથવા તો શ્વાસોચ્છ્વાસ પર ફોકસ કરીને પણ મનને અંદરની તરફ વાળી શકો છો અથવા તો તમારા શરીરના એક-એક અંગ પર ધ્યાનને સ્થિર કરવાનો પ્રયાસ કરશો તો પણ પાંચ ઇન્દ્રિયોનું જોર ઘટવા માંડશે.

 તમે તમારી જાત સાથે એન્જૉય કરવા માંડો અને બહારની માહિતીની તમને કોઈ જરૂરિયાત ન રહે એ સ્ટેજ લાવવા માટે અવેરનેસપૂર્વક ઇન્દ્રિયો દ્વારા મળતી ઇન્ફર્મેશનને નજરઅંદાજ કરવા માંડો, એ તરફ કોઈ ફોકસ ન રાખો. આવું જ્યારે થાય ત્યારે સરળતાથી તમારી પર્સનાલિટીમાં પણ એક બદલાવ આવેલો દેખાવા માંડશે. 

એક-એક ઇન્દ્રિયથી આવી જાગૃતિની પ્રૅક્ટિસ શરૂ કરી શકાય છે. આંખો બંધ કરીને તમામ પૂજા અને પ્રાર્થના કરવાની કોશિશ કરો. મૌન એ પણ પ્રત્યાહાર છે. ઉપવાસ એ પણ પ્રત્યાહાર છે. આસનો કરવામાં કેટલીક મર્યાદા છે. તમે થોડાક જ સમય માટે કરી શકશો પરંતુ પ્રત્યાહાર અંતહીન પ્રોસેસ છે. તમારું આંતરવિશ્વ અમર્યાદ છે. બહાર ચાલતાં તોફાનોની કોઈ અસર ન થાય જો તમે પોતાની જાત સાથે, અંદરખાને આનંદ માણતાં શીખી ગયા હો. ઇન્દ્રિયોની સતત બહાર રહેવાની દોટ ચિંતા, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અસુરક્ષિતતા જેવા ભાવ લાવે; પણ જો એ અંદરની તરફ વળેલી હોય તો કોઈ પરવા જ ન રહે.

columnists ruchita shah yoga health tips