જ્યારે ૩૦ વર્ષનો યુવાન સ્ટ્રોક અટૅક બાદ ભાનમાં આવ્યા પછી ડૉક્ટર પાસે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો

20 January, 2023 05:02 PM IST  |  Mumbai | Ruchita Shah

આટલો બદલાવ! તમારે ત્યાં જે ઋતુમાં જે ઊગતું હોય એ પ્રકારનો પોષણયુક્ત આહાર, પૂરતી નિદ્રા અને પ્રકૃતિના મૅગ્નેટિક ફીલ્ડ સાથે અલાઇન થવા માટે દરરોજ એક કલાક માટે ચાલવાનો નિયમ તમને દરેક પ્રકારની બીમારીમાંથી બહાર આવવા માટે મદદ કરશે.

પ્રતીકાત્મક તસવીર

ઘરમાં સૌથી યંગ વ્યક્તિ હોવાને નાતે બીજાનો ટેકો બનવાનું હતું ત્યારે પોતાને ટેકો લેવાની જરૂર ઊભી થઈ એ હકીકતે આ યુવાનને હચમચાવી નાખ્યો હતો. આવા ઘણા કેસ છે જેમાં નાની ઉંમરમાં બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનનારાઓની સંખ્યા વધી રહી છે. કાયમી અક્ષમતાથી લઈને મૃત્યુના મુખમાં ધકેલી શકતી આ અવસ્થા યુવાવર્ગમાં શું કામ વધી છે અને એને કઈ રીતે હૅન્ડલ કરશો એ વિષય પર વાત કરીએ આજે

ઉંમર ૩૦ વર્ષ હતી તેની. ચાર વર્ષની દીકરી અને પરિવારનો એક માત્ર અર્નિંગ મેમ્બર. એક દિવસ દીકરીને સ્કૂલમાં લેવા ગયો, સ્કૂલની બહાર સ્કૂટર પાર્ક કરતી વખતે જ જાણે ડાબા હાથમાંથી પ્રાણ જતા રહ્યા હોય એમ સંપૂર્ણ હાથ નમ્બ પડી ગયો. થોડીક ક્ષણોમાં ત્યાંને ત્યાં જ ચક્કર આવીને પડી ગયો. નસીબજોગે સ્કૂલની બાજુમાં જ હૉસ્પિટલ હોવાથી તાત્કાલિક સારવાર શરૂ થઈ ગઈ પરંતુ એ સમય દરમ્યાન પણ જે ડૅમેજ થઈ ગયું હતું એને ફરીથી રિકવર કરવું શક્ય નહોતું. આ યુવાનના ડાબા અંગમાં કેટલાક અવયવોએ સપોર્ટ આપવાનું બંધ કરી દીધું હતું. લાકડીના ટેકા વિના ચાલવું પણ તેના માટે સંભવ નહોતું. હૉસ્પિટલની ટ્રીટમેન્ટ પછી જ્યારે ડૉક્ટરે તેને ડિસ્ચાર્જ માટે કહ્યું ત્યારે તે ડૉક્ટરની સામે ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યો. ‘સાહેબ કંઈક કરો, મારા ઘરમાં મારા પેરન્ટ્સ, મારા અંકલ-આન્ટી બધાં સાથે રહે છે. મારી નાની દીકરી છે. મારે તેમનો ટેકો બનીને તેમનું ધ્યાન રાખવાનું હતું એના બદલે અત્યારે હું જ પરવશ થઈ ગયો.’

આ પણ વાંચો :  ઇસ ગિરિ કા એક એક કંકર, હીરે કે મોલ સે હૈ બઢકર

જોકે હિંમત આપવા સિવાય ડૉક્ટર પાસે આ પરિસ્થિતિ બદલવાનો કોઈ રસ્તો નહોતો. જોકે છેલ્લા કેટલાક અરસાનો ડેટા તપાસશો તો આવા અઢળક કેસ મળશે જેમાં કૉલેજમાં ભણતા યુવાનો પણ સ્ટ્રોકનો ભોગ બન્યા હોય. સામાન્ય રીતે પચાસ અને સાઠ વર્ષની વય પછી જે લક્ષણો જોવા મળતાં હતાં એ હવે પચીસ-ત્રીસ વર્ષના યુવાનોમાં જોવા મળવાથી ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર સાથે સંકળાયેલા વિશ્વના નિષ્ણાતો ચિંતામાં છે. નિષ્ણાતોના મતે અનિયમિત જીવનશૈલી ઉપરાંત સ્થૂળતા, સ્મોકિંગ, દારૂનું સેવન, હાઈ બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ એ વધી રહેલા સ્ટ્રોકનાં કારણોમાં હોઈ શકે છે. અમેરિકામાં દર વર્ષે લગભગ આઠ લાખ લોકો સ્ટ્રોક અટૅકનો ભોગ બને છે. ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ એપિડેમિઓલૉજીમાં પ્રકાશિત થયેલા રિસર્સ પેપર મુજબ સ્ટ્રોકને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ મિલેનિયલ જનરેશનમાં વધી શકે છે. અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે સ્ટ્રોક અને હાર્ટ-અટૅકના બનાવોનું વધતું પ્રમાણ એ કારણે છે કે પ્રિવેન્શનની બાબતમાં આપણું ફોકસ જ નથી. લોકો બીમાર પડે પછી શું કરવું એ સિસ્ટમ આપણે ડેવલપ કરવામાં એટલા ખૂંપી ગયા છીએ કે લોકો બીમાર પડે જ નહીં એ વિષય પર ખાસ વ્યવસ્થાઓ ઊભી નથી થઈ. હાર્ટ-અટૅક અને સ્ટ્રોકમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. અને અત્યારે એનું જ પરિણામ આજની યુવાપેઢી ભોગવી રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલ, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને ઓબેસિટી જેવી સમસ્યા હોય તેવા યુવાનો સ્ટ્રોક અને હાર્ટ-અટૅકનો વધુ ભોગ બની રહ્યાનું અમે ઑબ્ઝર્વ કર્યું છે. કૅનેડાના ટેલિસ્ટ્રોક ન્યુરોલૉજિસ્ટ ડૉ. અતિફ ઝફરનું આ વિધાન છે. આ રિસર્ચરોએ જોકે એક સારી વાત એ નોંધી છે કે ભલે મિલેનિયલ જનરેશનમાં સ્ટ્રોકના ઇન્સિડન્ટ વધ્યા હોય પરંતુ એને કારણે થતાં મૃત્યુનું પરિણામ ઓછું છે. પરંતુ સ્ટ્રોક પછી શારીરિક રીતે કોઈ અક્ષમતા વ્યક્તિમાં રહી જાય છે કે નહીં એ વિશે આ રિપોર્ટમાં કોઈ સ્પષ્ટતા નથી. સ્ટ્રોક શું છે અને એ કઈ રીતે આપણે ત્યાં ઘર-ઘરની કહાની રૂપે આકાર લઈ રહ્યો છે એ સંદર્ભે જાણીતા ન્યુરો સર્જ્યન ડૉ. મનીષ કુમાર સાથે વાત કરીએ. 

શું કામ જોખમી?

ડૉ. મનીષ કુમાર

સ્ટ્રોક એટલે સાદી ભાષામાં બ્રેઇનનો અટૅક. જેમ હાર્ટને લોહી પહોંચાડતી ધમનીઓ બ્લૉક થઈ જવાથી હાર્ટ-અટૅક થાય એમ બ્રેઇનની નસોમાં ક્લૉટ જામવાથી બ્રેઇન અટૅક પણ આવી શકે. એવી સ્પષ્ટતા કરતાં ડૉ. મનીષ કુમાર કહે છે, ‘સ્ટ્રોકને સાદી ભાષામાં તમે ઝટકો પણ કહી શકો. બ્રેઇનને લોહી પહોંચાડતી આર્ટરી અથવા નાની-નાની નસોમાં પણ ગઠ્ઠો જામી જવાથી બ્લડ સપ્લાય અટકી જાય અને બ્રેઇનને બ્લડ ન પહોંચે અથવા તો નાની નસો ફાટી જવાથી પણ મગજને લોહી મળવાનું બંધ થઈ જાય અને ધીમે-ધીમે બ્રેઇનના કોષો મૃત થવા માંડે એ અવસ્થામાં પણ સ્ટ્રોક આવી શકે. 

આ પણ વાંચો : આવી રહેલા વિનાશક પ્રલયની ચેતવણી છે જોશીમઠની ઘટના?

કેવાં લક્ષણો હોય?

ચક્કર જેવું લાગવું, માથું દુખવું, હાથ અને પગમાં ઝણઝણાટી થવી, બોલતી વખતે જીભનું લડખડાવું અને વૉમિટિંગ જેવું થવું વગેરે સિમ્પટમ્સ મેજર સ્ટ્રોક અટૅક આવે એ પહેલાં જ દેખાવા શરૂ થઈ જાય છે. ડૉ. મનીષ કુમાર કહે છે, ‘વીસ ટકા લોકોને આ પ્રૉબ્લેમ ફેસ કરવા પડે છે. વધતી ઉંમર સાથે આ લક્ષણો વધુ મેજર લેવલ પર દેખાતાં હોય છે. ‍અહીં ચિંતાનું કારણ એ છે યુવાનોને સ્ટ્રોક આવતાં પહેલાં લક્ષણો નથી દેખાતાં અથવા તો તેઓ એ તરફ વધુ ગાફેલ રહી જતા રહે છે, જેથી તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ આપીને ડૅમેજને કન્ટ્રોલ કરવાનો સ્કોપ ઘટી જાય છે. આ ઉંમર એવી હોય છે જેમાં તેઓ મેડિકલ કૅર કે રેગ્યુલર રિપોર્ટ કરાવવાની બાબતમાં ભાગ્યે જ ધ્યાન આપતા હોય છે. એથી ખતરાની ઘંટડીને સમયસર પારખવાનું પણ અઘરું બની જાય છે. બીજું, જીવન વધુને વધુ કમ્પેટિટિવ અને બેઠાડુ બનતું જાય છે. ખાવા-પીવાની આદતો યુવાપેઢીની પહેલેથી જ બગડેલી છે. અપૂરતી ઊંઘ, અલ્પપોષિત અથવા તો કુપોષિત આહાર પદ્ધતિ, દુનિયાભરનું સ્ટ્રેસ, પ્રૉપર ડિરેક્શનનો અભાવ એ બધા વચ્ચે હેલ્થ ગૌણ બાબત બની જતી હોય છે.’‍ પૉલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જથી પણ શરીરને કોઈ અસર પડી હોઈ શકે એવું નિષ્ણાતો માને છે. 

એક નવો દૃષ્ટિકોણ

ડૉ. અભિલાષા દ્વિવેદી

મૉડર્ન સાયન્સમાં સ્ટ્રોક થાય તો બહુ જ લિમિટેડ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એક વાર સ્ટ્રોકને કારણે જે ડૅમેજ થઈ ગયું હોય એને ફરીથી રિપેર કરવાનું શક્ય નથી. એટલે સ્ટ્રોક અન્ય પદ્ધતિઓમાંથી રિકવરી માટે ઉપયોગ કરી શકાય. રિસર્ચર, એજ્યુકેટર, ઓથર અને ‘હીલિંગ સબલાઇમ ફાઉન્ડેશન’નાં સ્થાપક ડૉ. અભિલાષા દ્વિવેદી અત્યારે પ્લેનેટરી કન્ડિશન, સામુદ્રિક શાસ્ત્રોનાં ચિહ્નો વગેરેને આધારે ‘અનનૅચરલ ડેથ’ વિષય પર રિસર્ચ વર્ક કરી રહ્યાં છે. પોતાના આ અભ્યાસ દરમ્યાન જ તેમણે ઑબ્ઝર્વ કર્યું છે કે છેલ્લા થોડાક અરસામાં સ્ટ્રોકને કારણે થઈ રહેલા મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. આ વિષય પર અવેરનેસ લાવવાના પ્રયાસો પણ તેઓ કરી રહ્યા છે. ડૉ. અભિલાષા કહે છે, ‘નસોમાં લોહીના ગઠ્ઠા જામી જવાથી કાં તો નસો ફાટી જાય અથવા તો નસોનો રક્ત પ્રવાહ અટકી જાય એ બન્ને સંજોગોમાં સ્ટ્રોક આવે છે. મુખ્ય કારણ લોહીનું જામી જવું છે એટલે જો પ્રારંભિક અવસ્થામાં લક્ષણોને ઓળખીને ડૉક્ટરની સલાહથી દવાઓ લઈ લેવામાં આવે તો એનાથી ઇમર્જન્સી ટાળી શકાય છે. અત્યારે જે પ્રકારના કેસિસ મેં જોયા છે એમાં એવા યુવાનો પણ છે જેઓ અતિશય હેલ્ધી અને ફિટનેસ ફ્રીક છે, જેમનામાં નબળી હેલ્થનાં કોઈ લક્ષણો ન હોય છતાં અચાનક સ્ટ્રોકનો ભોગ બન્યા હોય. એટલે આ આખી વાતને હવે આપણે એનર્જી સાયન્સની દૃષ્ટિએ પણ જોવાની જરૂર ઊભી થઈ છે. આપણી જીવનશૈલી કુદરતથી વિમુખ અને ડિસ્ટ્રક્ટિવ થઈ રહી છે. આપણે શારીરિક બાબતો પર જ ફોકસ કરી રહ્યા છીએ પરંતુ ભારતીય પરંપરા શરીર, મન અને ચેતનાની વાત કરે છે. આ ત્રણેય વચ્ચે સહચર્ય અને સામંજસ્ય હોય ત્યારે ઓવરઑલ હેલ્થ જળવાયેલી રહે. આ અસંતુલન ફિઝિકલ લેવલ પર પાંચ તત્ત્વોના અસંતુલનથી ઊભું થયું છે. ખાસ કરીને સ્ટ્રોકની વાત કરી તો આકાશ તત્ત્વ ડિસ્ટર્બ થયું છે. શરીરમાં કોઈ પણ સ્થાને ક્લૉટનું હોવું એ આકાશ તત્ત્વની કમી સૂચવે છે અને યથા પિંડે તથા બ્રહ્માંડેના નિયમ પ્રમાણે પણ જોશો તો બહારની દુનિયામાં પણ આપણે ક્યાંકને ક્યાંક આકાશ તત્ત્વને સતત ડિસ્ટર્બ કરવાનું કામ કરી રહ્યા છીએ. આટલા બધા ઉપગ્રહ, સતત વધી રહેલો હવાઈ વ્યવહારને કારણે ડિસ્ટર્બ થયેલા સ્પેસ એલિમેન્ટે આપણા અંદરુની આકાશ તત્ત્વમાં પણ વિક્ષેપ ઊભો કર્યો છે. આકાશ તત્ત્વ મૂળ તત્ત્વ છે. બાકીના તમામ તત્ત્વને એનું સ્થાન આ એક તત્ત્વને કારણે મળ્યું છે. જો એ એક ડિસ્ટર્બ હોય તો એનાથી તમારા શરીરની અન્ય કાર્યપ્રણાલીમાં પણ સહજ ડિસ્ટર્બન્સ ક્રીએટ થશે. સ્ટ્રોકની બાબતમાં બીજી એક મહત્ત્વની બાબત છે જેને વૈજ્ઞાનિકોએ પણ પુષ્ટિ આપી છે કે આપણા શરીરના એન્ડોર્ફિન, ડોપામાઇન, ઑક્સિટોસિન અને સેરોટોનિન આ ચાર હૅપી હૉર્મોન્સમાંથી સેરોટોનિન નામના હૉર્મોનની કમી પણ સ્ટ્રોક અટૅક માટે જવાબદાર હોઈ શકે છે. એવા સમયે ફરી એક વાર આપણાં શાસ્ત્રોમાં પંચ પલ્લવ તરીકે ઓળખાતા પીપળાનું ઝાડ, વડ, આંબા જેવાં લોકલ વૃક્ષો જેમાંથી દૂધ આવતું હોય એમાં સેરોટોનિનનું સર્વાધિક પ્રમાણ હોય છે. આવા ઝાડને પાણી આપો, તેમની વારતહેવારે પ્રદક્ષિણા આપો, એ ઝાડને દીવો કરો જેવી પરંપરા આપણે ત્યાં જે ડેવલપ થઈ હતી એની પાછળ પણ ક્યાંકને ક્યાંક આ વૃક્ષો સાથે વધુ સમય વિતાવવાથી સેરોટોનિનની માત્રા આપણી અંદર વધે એ વૈજ્ઞાનિક ધ્યેય પણ હતું.’

columnists health tips ruchita shah