24 January, 2024 07:35 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ગયા અઠવાડિયે હાર્વર્ડ મેડિકલ જર્નલમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે, જેના અનુસાર જો તમે હૉટ યોગ કરો એટલે કે તમારા યોગ ક્લાસના સ્ટુડિયોનું ટેમ્પરેચર જો રીઝનેબલી ગરમ હોય, ભેજવાળું હોય અને એમાં તમે બરાબર પસીનો પણ પાડ્યો હોય અને સાથે તમને ડિપ્રેશનની સમસ્યા પણ હોય તો એમાં લાભ થવાની પૂરી સંભાવના છે. જર્નલ ઑફ ક્લિનિકલ સાઇકિયાટ્રીમાં છપાયેલો આ અભ્યાસ ડિપ્રેશનના ૧૮થી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા ૬૫ દરદીઓ પર કરવામાં આવેલો. આઠ અઠવાડિયાં સુધી દરરોજ નેવું મિનિટ માટે તેમની પાસે હૉટ યોગ કરાવવામાં આવ્યા અને પરિણામ એ આવ્યું કે લગભગ ૬૦ ટકા જેટલા દરદીઓના ડિપ્રેશનનાં લક્ષણો હળવાં થતાં દેખાયાં. આ અભ્યાસની મર્યાદા એ છે કે બીજા યોગની તુલનામાં હૉટ યોગ કામ કરે છે એવી કોઈ સ્પષ્ટતા એમાં થઈ નથી. પરંતુ હૉટ યોગ કરવાથી પણ લાભ થઈ શકે છે. તો આખરે આ હૉટ યોગ એટલે કે ગરમાગરમ યોગ છે શું? એ કામ કઈ રીતે કરે છે અને એની મર્યાદા શું છે એના પર વાત કરીએ.
૧૯૭૦ના આરંભમાં બિક્રમ યોગી નામના યોગશિક્ષકે હૉટ યોગનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એ પછી તેઓ અમેરિકા ગયા અને યોગનો આ પ્રકાર પણ ખૂબ પૉપ્યુલર થયો. હૉટ યોગ અને બિક્રમ યોગ એક જ છે એવું ઘણા માને છે. જોકે એ હકીકત નથી. બિક્રમ યોગની મેથડ અને આસનોની સંખ્યા ફિક્સ છે જ્યારે અમુક ઉષ્ણતામાન ધરાવતા રૂમમાં યોગના વિવિધ આસનોની સીક્વન્સને ઘણી રીતે કરી શકાય. ૩૬થી ૪૧ ડિગ્રી ટેમ્પરેચરમાં એક પછી એક આસનોને ઝડપથી કરવાનાં હોય. બિક્રમ યોગમાં આ ટેમ્પરેચર ૪૦.૫ ડિગ્રીમાં સેટ કરવામાં આવે અને એમાં ૪૦ ટકા ભેજ હોય એ પણ ધ્યાનમાં લેવામાં આવે. આ ટેમ્પરેચરમાં ૨૬ આસનોનો એક સેટ કરો એટલે લગભગ ૯૦ મિનિટ થાય અને એ દરમ્યાન તમારું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હોય. એક જમાનામાં બિક્રમ યોગના નામે વિદેશમાં ખૂબ બધા ક્લાસ શરૂ થઈ ગયા હતા પણ પછી બિક્રમ ચૌધરી અમુક ખોટાં કારસ્તાન કરતાં પકડાયો એટલે લોકોએ તેની બગડેલી બ્રૅન્ડ ઇમેજથી પોતાનું નુકસાન ન થાય એટલે પોતાના યોગ ક્લાસ હૉટ યોગ અને એનાં જેવાં જુદા-જુદા નામ દ્વારા સેપરેટલી પ્રમોટ કરવાનું શરૂ કર્યું.
ફાયદા શું?
હૉટ યોગનો કન્સેપ્ટ વિદેશના લોકો માટે બરાબર છે, પરંતુ ભારતમાં અને એમાંય સ્પેશ્યલી મુંબઈમાં આમેય દરરોજ હૉટ યોગ જેવી સ્થિતિ હોય છે એટલે સામાન્ય રૂમમાં પણ યોગ કરો તો લાભ હૉટ યોગ જેવો જ થાય છે. જોકે સાથે એ પણ સમજીએ કે ઉષ્ણતામાન અમુક માત્રાથી વધારે હોય ત્યારે શરીરના સ્નાયુઓમાં લચીલાપણું વધારવાનું કામ ચોક્કસ કરે. પસીનો થવાથી શરીરનાં ટૉક્સિન્સ નીકળી જાય. બ્લડ-સર્ક્યુલેશન સુધારે. ચહેરાની ચમક વધારે. વેઇટલૉસમાં મદદ કરે. વ્યક્તિમાં બૅલૅન્સ અને સ્ટેબિલિટી સુધરે. જોકે પ્રેગ્નન્ટ મહિલાઓ, હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓ વગેરે માટે આ પ્રકારનો યોગ અભ્યાસ અનુકૂળ નથી માનવામાં આવતો.