29 October, 2026 02:09 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના દિવસો નજીક આવે એટલે કોઈ કબાટ ખાલી કરે છે, કોઈ રસોડાના ડબ્બા ગોઠવે છે તો કોઈ વર્ષોથી બંધ પડેલો સ્ટોરરૂમ સાફ કરવાની હિંમત એકઠી કરે છે. સફાઈ દરમ્યાન ક્યારેક એવી વસ્તુઓ હાથમાં આવે છે જેને જોઈને આશ્ચર્ય થાય કે આટલાં વર્ષોથી આપણે એને સાચવીને બેઠા છીએ શા માટે? જૂનાં કપડાં, તૂટેલી વસ્તુઓ, વપરાશમાં ન હોય એવાં ગૅજેટ્સ અને કાગળોના ઢગલા આ બધું ઘરમાં જગ્યા રોકે છે છતાં એને ઘરની બહાર કાઢતાં પહેલાં મનમાં એક જ વિચાર આવે છે, ‘રહેવા દઈએ, ક્યારેક કામ લાગશે.’ પણ શું ઘરના એક ખૂણામાં પડેલી વસ્તુઓનો ઢગલો જોઈને મનમાં અજંપો થાય છે? શું જરૂરી વસ્તુ શોધવા માટે વારંવાર આખું ઘર ફંફોસવું પડે છે? જો આ સવાલોનો જવાબ હા હોય તો સમજવાની જરૂર છે કે સમસ્યા માત્ર સામાનની નથી, એની સાથે જોડાયેલી આપણી આદતો અને માનસિકતાની પણ છે. દિવાળીમાં ઘરની સફાઈ બધા જ કરે છે, પણ આ વખતે એની સાથે ગૂંચવાયેલા મનને પણ સૉર્ટ કરવું જોઈએ.
‘પછી કામ લાગશે’ની માનસિકતા સમજો
વસ્તુઓની સંખ્યા જ્યારે આપણી જરૂરિયાત કરતાં વધી જાય છે ત્યારે એ જ વસ્તુઓ અસુવિધાનું કારણ બની શકે છે. ભરચક ટેબલ પર કામ કરવા બેસીએ ત્યારે જરૂરી કાગળ શોધવામાં સમય જાય છે. કપડાંથી ઊભરાતા વૉર્ડરોબ સામે ઊભા રહીને શું પહેરવું એ નક્કી કરવામાં મૂંઝવણ થાય છે. ટૂંકમાં, સાઇકોલૉજિકલ દૃષ્ટિએ અસ્તવ્યસ્ત વાતાવરણ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘરને થોડું સિસ્ટમૅટિક બનાવીએ તો મેન્ટલ ફટિગ ફીલ નહીં થાય. જોકે પ્લાસ્ટિકના જૂના ડબ્બા, તૂટેલી ચીજવસ્તુઓ કે ઇલેક્ટ્રૉનિકનાં જૂનાં સાધનોને સાચવી રાખવા પાછળનું સૌથી સામાન્ય કારણ છે ‘આગળ જતાં કામ લાગશે.’ આ વિચાર હંમેશાં ખોટો નથી. કેટલીક વસ્તુઓ ખરેખર ભવિષ્યમાં ઉપયોગી બની શકે છે, પણ જ્યારે દરેક વસ્તુ માટે આપણે આ જ દલીલ આપીએ ત્યારે ધીમે-ધીમે ઘર ગોડાઉન બનવા લાગે છે. આવી માનસિકતા કઈ રીતે મનને પ્રભાવિત કરે છે એ વિશે વાત કરતાં મુલુંડના અનુભવી સાઇકોલૉજિસ્ટ સિદ્ધિ મારુ સમજાવે છે, ‘ઘણી વાર આપણે ભવિષ્યમાં પસ્તાવો થશે, વસ્તુઓની અછત સર્જાશે અથવા જરૂરિયાતના સમયે સામાન નહીં મળે એવા ડરને કારણે વસ્તુઓ પકડી રાખીએ છીએ. ભૂતકાળમાં આર્થિક તંગી કે અભાવનો અનુભવ થયો હોય તો પણ વસ્તુઓ ભેગી કરવાની વૃત્તિ વધી શકે છે. આ રીતે સામાન સાચવવાથી આપણને સુરક્ષા અને નિયંત્રણની લાગણી મળી શકે છે, ભલે વાસ્તવમાં એનો ઉપયોગ થતો ન હોય. ધારો કે તમારા રસોડામાં મહેમાન માટે પીરસવાની મીઠાઈની ટ્રે અને થાળીનો સેટ પડેલો છે. એને જોઈને લાગે છે કે મહેમાનો આવશે ત્યારે કામ લાગશે, પણ વર્ષો સુધી મહેમાનોના ઉપયોગમાં ન આવેલી આ ચીજ કબાટમાં જગ્યા રોકે છે અને જરૂરી વાસણો ગોઠવવામાં અડચણ ઊભી કરે છે. આવી સ્થિતિમાં પોતાને એક સવાલ પૂછો કે આ વસ્તુ છેલ્લે ક્યારે વાપરી હતી? જો જવાબ યાદ ન આવતો હોય તો બીજી વાર પૂછો કે આ વસ્તુ ખરેખર જરૂરી છે કે હું માત્ર ભવિષ્યના ડરથી એને સાચવી રહ્યો છું? જરૂર પડે ત્યારે ઉકેલ શોધી શકવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો પણ માનસિક હળવાશ તરફનું એક પગલું છે.’
વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવી એટલે આળસ?
ઘરે આવીને બૅગ સોફા પર મૂકી દેવી, ચાવીઓ ટેબલ પર ફેંકી દેવી, કપડાં ખુરસી પર ઢગલાની જેમ રાખવાં અથવા વપરાયેલી વસ્તુઓને એમની જગ્યાએ પાછી ન મૂકવી - આવી આદતો ઘણાં ઘરોમાં સામાન્ય છે. પરિવારમાં ઘણી વાર આ બાબતને લઈને ટકોર પણ થાય છે, પણ દરેક વખતે આવી અવ્યવસ્થાનું કારણ આળસ જ હોય એવું નથી. સિદ્ધિ મારુ આ મુદ્દાને સમજાવતાં કહે છે, ‘માનસિક રીતે થકવી દેનારા દિવસ પછી કપડાં ગડી કરીને કબાટમાં મૂકવા જેવું નાનું કામ પણ મોટું લાગી શકે છે. માનસિક તનાવ, ભાવનાત્મક થાક, કામ શરૂ કરવામાં પડતી મુશ્કેલી અને જૂની ટેવો આ માટે જવાબદાર હોઈ શકે છે. પોતાને આળસુ કહેવાને બદલે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કામ ન કરવા પાછળનું ખરું કારણ શું છે. ઉદાહરણ તરીકે ઑફિસથી થાકીને ઘરે આવેલી વ્યક્તિ માટે ચાવી યોગ્ય જગ્યાએ મૂકવાનું કામ નાનકડું છે, પણ જો આ ટેવ નિયમિત ન હોય તો બીજા દિવસે સવારે ચાવી શોધવામાં સમય અને ધીરજ બન્ને ખર્ચાય છે. પછી ઉતાવળ, ચીડિયાપણું અને આખા દિવસની શરૂઆતમાં જ સ્ટ્રેસ આવે છે. આનો સરળ ઉકેલ એ છે કે વસ્તુઓ માટે ફિક્સ જગ્યા બનાવવી. ઘરના એન્ટ્રન્સ પાસે ચાવી અને બૅગ મૂકવાની જગ્યા, કપડાં માટે અલગ બકેટ અને મહત્ત્વના ડૉક્યુમેન્ટસ માટે એક ફાઇલ રાખો. વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એને જાળવવા માટે વારંવાર વધારે મહેનત ન કરવી પડે.’
યાદોને સાચવવી કે વસ્તુઓને?
જૂની ગિફ્ટ, બાળપણનું રમકડું, સ્કૂલનાં સર્ટિફિકેટ, પહેલી સૅલેરીથી ખરીદેલી વસ્તુ કે કોઈ પ્રિય વ્યક્તિએ આપેલી ગિફ્ટ સાથે કોઈ પ્રસંગ, સંબંધ કે જીવનનો ખાસ સમય જોડાયેલો હોય છે એટલે જ એને છોડવી મુશ્કેલ બને છે. આપણને લાગે છે કે વસ્તુ દૂર કરીશું તો એની સાથે જોડાયેલી યાદ પણ ક્યાંક ખોવાઈ જશે. સિદ્ધિ મારુ સમજાવે છે, ‘ઘણી વાર આપણે વસ્તુ સાથે નહીં, એની સાથે જોડાયેલી યાદો અને લાગણીઓ સાથે કનેક્ટેડ ફીલ કરીએ છીએ. જૂની ગિફ્ટ્સ વગેરે છોડી દેવી એટલે ભૂતકાળના કોઈ ભાગને દૂર થતો જોવો એવું ફીલ થાય છે, પણ વસ્તુ દૂર થવાથી યાદ ગાયબ નથી થતી. ખાસ વસ્તુઓ પસંદ કરીને સાચવી શકાય, એના ફોટોગ્રાફ્સ લઈ શકાય અથવા ઉપયોગી વસ્તુઓ બીજાને આપી શકાય. માની લો કે તમારી પાસે વર્ષો જૂનાં ગ્રીટિંગ કાર્ડ્સનો ઢગલો છે. બધાં કાર્ડ્સ સાચવવાને બદલે સૌથી સ્પેશ્યલ કાર્ડ્સ પસંદ કરો. બાકીનાં કાર્ડ્સના ફોટો પાડીને ડિજિટલ આલબમ બનાવી શકો છો. દરેક યાદને સાચવવા માટે ભૌતિક વસ્તુ સાચવવી જ પડે એવું નથી.’
નવી ખરીદી સાથે જૂની વસ્તુઓનો ઢગલો
દિવાળી આવે એટલે ખરીદીનો ઉત્સાહ વધે છે, પણ નવી વસ્તુઓ ઘરમાં આવે ત્યારે જૂની વસ્તુઓ માટે જગ્યા બનાવવાનું આપણે ભૂલી જઈએ છીએ. પરિણામે ઘરની ઘણી જગ્યાઓ સ્ટોરરૂમ વાઇબ્સ આપવા લાગે છે. આ સ્થિતિમાં માત્ર વસ્તુઓની સંખ્યા જ સમસ્યા નથી. કઈ વસ્તુ ક્યાં છે, કઈ વાપરવાયોગ્ય છે અને કઈ વસ્તુ હવે જરૂરી નથી એ નક્કી કરવામાં પણ સમય જાય છે. સિદ્ધિ મારુ કહે છે, ‘ભરચક વૉર્ડરોબમાં અનેક કપડાં હોવા છતાં શું પહેરવું એ નક્કી કરવું મુશ્કેલ બને છે. ડીક્લટરિંગ એટલે માત્ર વસ્તુઓ ઓછી કરવી નહીં, પણ જે ઉપયોગી અને અર્થપૂર્ણ છે એને જાળવી રાખતાં બિનજરૂરી વસ્તુઓ છોડતાં શીખવું. આ માટે ‘વન ઇન, વન આઉટ’નો નિયમ અપનાવી શકાય. ઘરમાં નવાં કપડાં આવે અને જૂનાં સારી કન્ડિશનમાં હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને આપો. રસોડાનું નવું સાધન ખરીદો ત્યારે જૂનું સાધન ખરેખર ઉપયોગી છે કે નહીં એ તપાસો. આ ટેવ ઘરમાં બિનજરૂરી સામાન વધતો અટકાવી શકે છે.’
ડીક્લટરિંગની શરૂઆત ક્યાંથી કરવી?
આખા ઘરની સફાઈનો વિચાર જ મનમાં થાક પેદા કરી દે છે. એકસાથે બધું ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવે તો કંટાળો આવે છે અને કામ અધૂરું રહી જાય છે. ડીક્લટરિંગની શરૂઆત કઈ રીતે કરવી એ સમજાવતાં સિદ્ધિ મારુ કહે છે, ‘શરૂઆત એક ડ્રૉઅર કે એક શેલ્ફથી કરો. પાંચથી ૧૦ મિનિટનું ટાઇમર સેટ કરો અને શરૂઆતમાં એવી વસ્તુઓ પસંદ કરો જેની સાથે તમારી ફીલિંગ્સ ઓછી અટૅચ હોય. કઈ વસ્તુને રાખવી, કઈ જવા દેવી અથવા ડોનેટ કરવી અને નક્કી નથી કરી શકતા એમ ૩ ભાગમાં વસ્તુઓને વહેંચો. આ પદ્ધતિથી આગળ વધવાનો આત્મવિશ્વાસ મળે છે. શરૂઆતમાં જૂના કાગળો, ખાલી ડબ્બા કે ન વપરાતી સામાન્ય વસ્તુઓ ગોઠવી શકાય. ભાવનાત્મક રીતે મહત્ત્વની વસ્તુઓ માટે થોડો વધુ સમય લઈ શકાય. ‘હજી નક્કી નથી’ એવી વસ્તુઓ માટે એક નાનું બૉક્સ રાખો. એને ઘરના દરેક ખૂણામાં ફેલાવવાને બદલે એક જ જગ્યાએ રાખો અને થોડા સમય પછી ફરી એનો રિવ્યુ કરો. આ રીતે નિર્ણય લેવાની પ્રક્રિયા સરળ બની શકે છે. એક જ દિવસમાં આખું ઘર બદલવાનો આગ્રહ ન રાખવો. રોજની ૧૦ મિનિટની મહેનત પણ સમય જતાં મોટો ફેરફાર લાવી શકે છે.
મનની સફાઈ પણ જરૂરી
ઘરની સફાઈ કરતી વખતે આપણે ઘણી વાર પૂછીએ છીએ કે ‘આ વસ્તુ રાખવી કે કાઢી નાખવી?’ આ દિવાળીએ એની સાથે એક બીજો સવાલ પણ ઉમેરીએ કે ‘આ વસ્તુ મારા જીવનને સરળ બનાવે છે કે વધુ ગૂંચવણ ઊભી કરે છે?’ આ જ સવાલ સંબંધો, રોજિંદી આદતો અને માનસિક તનાવ માટે પણ ઉપયોગી બની શકે છે. જોકે લાગણીઓ અને સંબંધોનો ઉકેલ સામાન ફેંકી દેવા જેટલો સરળ નથી. મનમાં જૂની કડવાશ કે ચિંતા હોય તો એને સમજવા, સ્વીકારવા અને જરૂર પડે ત્યારે વિશ્વાસુ વ્યક્તિની મદદ લેવી જરૂરી છે. દિવાળી આપણને પ્રકાશ, આશા અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. આ શરૂઆત માટે મોંઘી સજાવટ કે નવી ખરીદી જરૂરી નથી. ક્યારેક કબાટનું ખાનું ગોઠવવું, લાંબા સમયથી ન વપરાતી વસ્તુ કોઈને ઉપયોગમાં આવે એ રીતે આપવી અથવા દરરોજની એક નાની ટેવ બદલવી પણ પૂરતી હોય છે.