27 February, 2025 06:54 AM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર
પ્રીડાયાબિટીઝ સ્ટેજ એક વૉર્નિંગ અલાર્મ જેવું છે. જો એને સમજી શકીએ અને એ સમયે જાગી જઈએ તો ડાયાબિટીઝથી ચોક્કસ બચી શકાય. પહેલાં તો એ સમજો કે કે ખબર કઈ રીતે પડે કે તમે પ્રીડાયાબેટિક છો. એ જાણવા માટે તમારે શુગરની ત્રણ ટેસ્ટ કરાવવી જરૂરી છે. ફાસ્ટિંગ બ્લડ-શુગર અને બીજી પોસ્ટ-લંચ બ્લડ-શુગર અને ત્રીજી HbA1c નામની પણ ટેસ્ટ. સવારે ભૂખ્યા પેટે જે ટેસ્ટ કરવામાં આવે છે એમાં જો રીડિંગ ૧૦૦થી નીચે આવે તો એ નૉર્મલ ગણાય છે અને ૧૨૦થી વધારે આવે તો ડાયાબિટીઝ ગણાય છે. પરંતુ ૧૦૦-૧૨૦ની વચ્ચે આવે તો એ પ્રીડાયાબિટીઝ સ્ટેજ છે. એ જ રીતે જમ્યા પછીના બે કલાકે કરવામાં આવતી ટેસ્ટમાં રીડિંગ ૧૪૦થી નીચે આવે તો નૉર્મલ ગણાય છે, જ્યારે ૨૦૦થી વધુ આવે તો ડાયાબિટીઝ છે એમ કહી શકાય. જે વ્યક્તિની શુગર ૧૪૦-૨૦૦ વચ્ચે આવે તો એ પ્રીડાયાબિટીઝ સ્ટેજ ગણાય છે. HbA1c ટેસ્ટમાં રીડિંગ ૫.૮ આવે તો એ નૉર્મલ ગણાય છે જ્યારે ૬.૪ આવે તો ડાયાબિટીઝ છે એમ કહી શકાય. આ ૫.૮ અને ૬.૪ની વચ્ચે જ્યારે રીડિંગ આવે ત્યારે સમજવું કે વ્યક્તિ પ્રીડાયાબિટીઝ સ્ટેજ પર છે. આ સ્ટેજ કોઈ પણ વ્યક્તિમાં ડાયાબિટીઝ થવાનાં ૩-૫ કે ૧૦ વર્ષ પહેલાં પણ આવી શકે છે. એટલે કે આ સ્ટેજ આવ્યા પછીનાં અમુક વર્ષોમાં કે ક્યારેક ધ્યાન ન રાખીએ તો મહિનાઓમાં જ ડાયાબિટીઝ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
જીન્સ આપણે બદલી શકવાના નથી પરંતુ જીવનમાં નિયમિતતા વધારી શકીએ છીએ, દરરોજ ૪૫ મિનિટથી લઈને ૧ કલાક કસરત પણ કરીએ, ઊંઘ બરાબર લઈએ તો ડાયાબિટીઝને ઘણાં વર્ષો પાછો ઠેલી શકાય છે અને પ્રયત્ન ખૂબ વધુ સારા હોય તો એવું પણ બને કે ડાયાબિટીઝ આવે જ નહીં. પ્રીડાયાબિટીઝમાં કોઈ દવા આપવાની જરૂર હોતી નથી. લાઇફસ્ટાઇલ ચેન્જ જ એનો બેસ્ટ ઇલાજ છે. તમારી શુગર નૉર્મલ કરતાં થોડી વધે તો ફક્ત શુગરની જ નહીં બીજી અમુક ટેસ્ટ પણ અત્યંત જરૂરી છે કારણ કે વધેલી શુગર શરીરમાં કોઈ બીજી ઊથલપાથલનું પરિણામ પણ હોઈ શકે છે. ખાસ કરીને બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ, હાર્ટ ફંક્શન અને યુરિનની ટેસ્ટ પણ કરાવવી જરૂરી છે. હાઈ સેન્સિટિવ C-રીઍક્ટિવ પ્રોટીન નામની ટેસ્ટ પણ છે જે શરીરમાં કોઈ જગ્યાએ ઇન્ફ્લમેશન હોય તો એને પકડી પાડે છે. આ બેઝિક ટેસ્ટ કરાવવી ખૂબ ઉપયોગી સાબિત થાય છે કારણ કે આ બધા રોગો એકબીજા સાથે જોડાયેલા છે.