રાતે લેન્સ પહેરો અને દિવસે ચોખ્ખું દેખાવા લાગશે

21 February, 2025 06:56 AM IST  |  Mumbai | Heena Patel

રાતના સમયે કૉર્નિયા પર ચોક્કસ પ્રેશર આપીને રીફ્રૅક્ટિવ એરરને ટેમ્પરરી દૂર કરવાની આ ટેક્નિક આજકાલની નથી, પણ હમણાં-હમણાં એ વધુ પ્રચલનમાં આવી છે. ઑર્થોકેરેટોલૉજી લેન્સ તરીકે ઓળખાતી આ પ્રોડક્ટ આંખ અને વિઝન માટે કઈ રીતે કામ કરે છે એ સમજીએ

પ્રતીકાત્મક તસવીર

ઝાંખું તો દેખાય છે પણ ચશ્માં કે લેન્સ પહેરવાં નથી અને લેસિક સર્જરી પણ કરવી ન હોય તો શું કરવું? તમારા આ સવાલનો જવાબ છે ઑર્થોકેરેટોલૉજી. આ એક સ્પેશ્યલી ડિઝાઇન કરવામાં આવેલા લેન્સ છે જેને તમે રાત્રે આંખોમાં લગાવીને સૂઓ અને સવારે કાઢી નાખો તો ચશ્માં વગર પણ તમને દિવસભર સ્પષ્ટ દેખાશે.

તમને નજીક-દૂરનું જોવામાં તકલીફ થતી હોય અને એવું પણ ઇચ્છતા હો કે દિવસ દરમિયાન ચશ્માં કે લેન્સ પહેર્યા વગર પણ મને સ્પષ્ટ રીતે દેખાય તો શું એ શક્ય છે? હા, આ બિલકુલ શક્ય છે. એ માટે કોઈ સર્જરી કરાવવાની પણ જરૂર નથી, ફક્ત એક ઉપકરણ વાપરવાનું છે. આ ડિવાઇસને તમે રાત્રે આંખમાં લગાવીને સૂઈ જાઓ અને સવારે ઊઠીને એને કાઢી નાખો. તમને આખો દિવસ ચશ્માં કે લેન્સ પહેર્યા વગર પણ સ્પષ્ટ દેખાશે. આ ડિવાઇસનું નામ ઑર્થોકેરેટોલૉજી એટલે કે ઑર્થો-કે છે. આ ડિવાઇસ વિઝન ઇમ્પ્રૂવ કરવા માટે કઈ રીતે કામ કરે છે એ વિશે ઑપ્ટોમેટ્રિસ્ટ પૂજા વાઢર પાસેથી વિગતવાર જાણીએ.

કૉર્નિયા આંખની આગળની પારદર્શક ગુંબજ આકારની સપાટી છે જે પ્રકાશને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. કોઈ કારણસર જ્યારે કૉર્નિયાને નુકસાન પહોંચે ત્યારે દૃષ્ટિ ઝાંખી થઈ જાય છે. ઑર્થો-કે સ્પેશ્યલી ડિઝાઇન કરવામાં આવેલા કૉન્ટૅક્ટ લેન્સ છે જેનો ઉપયોગ અસ્થાયી રૂપથી કૉર્નિયાને ફરી આકાર આપવા માટે થાય છે જેથી દૃષ્ટિમાં સુધારો થાય.

વાંકાચૂકા દાંતને એકસરખા કરવા માટે જે રીતે બ્રેસિસનો ઉપયોગ થાય છે જે દાંત પર ધીરે-ધીરે પ્રેશર નાખીને એને સરખા કરે છે સેમ એવી જ રીતે ઑર્થો-કે કામ કરે છે. ઑર્થો-કેને એ જ રીતે ડિઝાઇન કરેલા હોય છે જે આપણી આંખોના કૉર્નિયા પર હળવો દબાવ નાખીને એને રીશેપ કરે છે, પરિણામે દૃષ્ટિ સુધરી જાય છે.

બાળકો અને કિશોરોમાં વધતા ચશ્માંના નંબર રોકવા માટે તેમ જ જે લોકો લેસિક સર્જરી ન કરાવી શકતા હોય અથવા તો જે લોકો સર્જરી કરવા ન ઇચ્છતા હોય એ લોકો માટે ઑર્થો-કે ઉપયોગી છે. એ સિવાય જે લોકો રેગ્યુલરલી સ્પોર્ટ્સ રમતા હોય અને દિવસમાં ચશ્માં પહેરવાથી તકલીફ થતી હોય એ લોકો માટે પણ આ ડિવાઇસ યુઝફુલ છે. 

ઑર્થો-કે લેન્સની અસર ૨૪થી ૪૮ કલાક સુધી રહે છે. એટલે તમે રાત્રે ઑર્થો-કે લેન્સ પહેરીને સૂઈ જાઓ અને દિવસે એને કાઢી નાખો એ પછી તમને દિવસભર ચશ્માં કે લેન્સ પહેર્યા વગર પણ સ્પષ્ટ દેખાશે. આ એક ટેમ્પરરી સોલ્યુશન છે એટલે કે તમારે દરરોજ રાત્રે ઑર્થો-કે પહેરવા પડશે, તો જ તમે બીજા દિવસે દિવસભર સ્પષ્ટ રીતે જોઈ શકશો.

ઑર્થો-કેને આમ તો સુરક્ષ‌િત માનવામાં આવે છે પણ છતાં કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. આ લેન્સને દરરોજ સાફ કરીને સુરક્ષ‌િત રીતે મૂકવા જરૂરી છે જેથી આંખમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનનો ડર ન રહે. બીજું એ કે ઑર્થો-કેને દર વર્ષે-બે વર્ષે એક્સપાયર થઈ જતા હોવાથી વારંવાર રિપ્લેસ કરવા પડે છે, પરિણામે ખર્ચો પણ વધુ થાય છે.

ઑર્થો-કે અમુક આઇ કન્ડિશન ધરાવતા લોકો જેમ કે કેરાટોકોનસ (જેમાં આંખનો કૉર્નિયા પાતળો થતો જાય છે અને શંકુ આકારમાં બહાર ઊભરીને આવે છે), ડ્રાય આઇઝની સમસ્યા હોય એ માટે અનુકૂળ નથી. એટલે તમારા માટે કે તમારા બાળક માટે ઑર્થો-કે પહેરવાનું યોગ્ય રહેશે કે નહીં એ માટે ઑપ્ટોમેટ્રિસ્ટને એક વાર અવશ્ય પૂછી લેવું જોઈએ.

આંખો બચાવવી હોય તો આ બે સારી આદતો કેળવવી મસ્ટ છે

૧. પલકારા મારવા 
‍જેમ શરીર માટે શ્વાસ લેવાનું મહત્ત્વનું છે એમ આંખ માટે પલકારા મારવા જરૂરી છે. જ્યારે સ્માર્ટફોનમાં ગેમ રમવામાં, વેબ-સિરીઝ જોવામાં કે સોશ્યલ મીડિયા પર વ્યસ્ત હોઈએ છીએ ત્યારે લોકો પલકારા મારવાનું ભૂલી જાય છે. દર ત્રણથી ચાર સેકન્ડે એક પલકારો થવો જોઈએ, જો એમ ન થાય તો આંખમાં ડ્રાયનેસ વધે છે. આપણી પાંપણની નીચે વીસથી ત્રીસ ગ્ર‌ંથિઓ આવેલી છે જે ઍન્ટિસેપ્ટિક ચીકણું પ્રવાહી છોડે છે. આંખ ડ્રાય થાય એ પહેલાં જ પાંપણ નીચે ઢળે એટલે એ ગ્રંથિમાંથી પ્રવાહી ઝરતાં આંખમાં ભીનાશ ટકી રહે છે.  

૨. પામિંગ 


યોગાસન દરમ્યાન ચોક્કસ સમયાંતરે શવાસન કરીને સ્નાયુઓને રિલૅક્સ થવા દેવામાં આવે છે એવી જ રીતે આંખના સ્નાયુઓ માટે પા‌મિંગ એક્સરસાઇઝ છે. પામિંગ એટલે કે આંખને હથેળીથી ઢાંકવી. તમે કોઈ પણ કામ કરતા હો, દિવસમાં દર બેથી ત્રણ કલાકે ત્રણથી પાંચ મિનિટ માટે આંખ પર હથેળીનો ખોબો બનાવીને ઢાંકી લેવી. એવી રીતે ઢાંકવી કે આંગળીઓની તિરાડમાંથી આંખ પર પ્રકાશનું એક પણ કિરણ ન પડે. સંપૂર્ણ અંધકાર છવાઈ જાય. અંદર આંખ ખુલ્લી રાખવી અને ઊંડા શ્વાસ લેવા અને કાઢવા. આ ક્રિયા પછી આંખો રિફ્રેશ થઈ ગયેલી લાગશે.

health tips life and style columnists gujarati mid-day mumbai