એક વર્ષના બાળકનું હર્નિયાનું ઑપરેશન કરાવી શકાય?

02 April, 2021 12:12 PM IST  |  Mumbai | Dr. Vivek Rege

બાળકોમાં આ તકલીફ મોટા ભાગે જન્મજાત હોય છે

પ્રતીકાત્મક તસવીર

મારો એક વર્ષનો દીકરો છે. તેના પેટના નીચેના ભાગ તરફ એકદમ ગાંઠ જેવું લાગતું હતું. અમે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તેને સારણગાંઠ એટલે કે હર્નિયા છે. આટલા નાના બાળકને પણ હર્નિયા થઈ શકે? શું એ ખૂબ તોફાની છે એટલે તેને હર્નિયા થયો? ડૉક્ટર કહે છે તેનું જલદીથી ઑપરેશન કરવું જોઈએ. અમને તો  ઑપરેશનના નામે જ ડર લાગે છે. હજી તો તેની ઉંમર જસ્ટ એક વર્ષની છે ત્યારે આ ઉંમરમાં હર્નિયાનું ઑપરેશન કરાવવું સેફ છે ખરું? દવાથી એ ઠીક જાય એવું ખરું?

હા, ૧ વર્ષના બાળકને હર્નિયા થઈ શકે છે. ઊલટું બાળકોમાં આ તકલીફ મોટા ભાગે જન્મજાત હોય છે. તમને કદાચ થોડા સમય પછી ખબર પડી છે. એટલે કે તમારા બાળકને આ તકલીફ જન્મથી જ હશે. સામાન્ય રીતે પેટના કોઈ સ્નાયુ નબળા પડી જાય ત્યારે આંતરડું કે એ અંગ બહાર આવી જાય છે જે ગાંઠ જેવું દેખાય છે પરંતુ ગાંઠ હોતી નથી, એને હર્નિયા કહેવાય છે. પરંતુ બાળકોમાં સ્નાયુ નબળા પડતા નથી. પેટની અંદર કોઈ જગ્યાએથી કોઈ ભાગ ખુલ્લો રહી ગયો હોય અને ત્યાંથી આંતરડું બહાર આવી ગયું હોય છે. એ રીતે બાળકોમાં હર્નિયા થતો હોય છે.

તમે લખ્યું છે કે તમારું બાળક ખૂબ તોફાની છે, પરંતુ એને કારણે તેને હર્નિયા ન થઈ શકે. બાળકોમાં એ તો જન્મજાત જ હોય છે. જોકે એમાં ગભરાવા જેવી કોઈ બાબત નથી.

હર્નિયાની સર્જરી પણ એકદમ સેફ હોય છે. તમારો દીકરો તો ૧ વર્ષનો છે, બાળક સાવ ૧ મહિનાનું હોય તો એની પણ હર્નિયાની સર્જરી થઈ શકે છે. રાધર, હર્નિયાનું નિદાન જેટલું વહેલું થાય એટલું સારું છે. એટલું જ નહીં, નિદાન થઈ જાય તો એ પછી સર્જરી કરાવી લેવામાં વાર ન લગાડવી જોઈએ, કારણ કે જેટલી તમે વાર લગાડશો એટલાં કૉમ્પ્લીકેશન વધતાં જશે. જેટલાં કૉમ્પ્લીકેશન વધશે એટલી સર્જરી અઘરી બનશે. જેટલું તમે જલદી ઑપરેશન કરાવશો એટલું તમારા અને બાળક બન્ને માટે સારું રહેશે. કૉમ્પ્લિકેશન થાય એ પહેલાં સર્જરી કરાવશો તો ૧-૨ દિવસ હૉસ્પિટલમાં રાખીને અથવા તો ઘણી વાર તો સવારથી સાંજ જ હૉસ્પિટલમાં રાખી દરદીને રજા મળી જાય છે.

columnists Dr. Vivek Rege