25 September, 2025 12:19 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિના નવ દિવસ દરમિયાન સાંજ પડે એટલે ગરબાના ગ્રાઉન્ડમાં જઈને ઢોલના તાલે થિરકવા માટે ખેલૈયાઓ તલપાપડ થતા હોય છે. ગ્રાઉન્ડમાં પણ જોશ અને તાનમાં તેઓ એટલા ગરબા રમે છે કે તે હાર્ટ કે બૉડી જે સિગ્નલ્સ આપે છે એને સમજી શકતા નથી અને આ જ કારણે તેમની હાર્ટ-હેલ્થ પર અસર પડે છે અને ધ્યાન ન અપાતાં હૃદય સંબંધિત બીમારીઓ અથવા ઑન ધ સ્પૉટ હાર્ટ-અટૅક આવે છે. હૃદયરોગના નિષ્ણાતો પણ ગરબા રમતી વખતે અમુક બાબતે સાવચેતી રાખવાની સલાહ આપે છે. નાની સલાહોને ધ્યાનમાં રાખીને ગરબા રમવામાં આવે તો નજીકના ભવિષ્યમાં આવતાં જોખમોને આવતાં અટકાવી શકાય છે. નવરાત્રિના સમયગાળામાં ગરબા લવર્સે શું કાળજી રાખવી જોઈએ એ નિષ્ણાત પાસેથી જાણીએ.
ગરબાનું હાર્ટ-કનેક્શન
ગરબા રમતી વખતે હૃદયનાં ફંક્શન્સ પર કેવો પ્રભાવ પડે છે એ જણાવતાં નાણાવટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. હિરેન ગાલા જણાવે છે, ‘જિમની ભાષામાં કહું તો ખેલૈયાઓ માટે ગરબા કાર્ડિયો સમાન છે. એને કારણે શરીરમાં એક્સ્ટ્રા ફૅટ બર્ન થાય છે, હૃદય અને ફેફસાંની શક્તિ વધે છે, માનસિક તનાવ ઓછો થાય છે, કૅલરીઝ બર્ન થાય છે જેને લીધે શરીરનું વજન કન્ટ્રોલ કરવા માટે ઉપયોગી છે; પણ જો એકધારા ગરબા રમવામાં આવે તો ફેસ્ટિવલની મજા માણવા કે ફિટનેસના ફાયદાઓ મળવાને બદલે હાર્ટ સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. ગરબા રમતી વખતે શરીરમાં ગરમી પેદા થાય છે અને જો તમે મોટી નવરાત્રિમાં રમવા જાઓ તો ભીડ પણ હોય. આવા વાતાવરણમાં ઑક્સિજન પૂરતો મળતો નથી, પરિણામે હાર્ટનાં ફંક્શન્સ પર લોડ આવે છે. પોતાની કૅપેસિટી કરતાં વધુ સમય સુધી રમતા લોકો બીજાની સરખામણી કરે છે. આ નથી થાકતો તો હું કેમ ઊભો રહી જાઉં? એવા સવાલ આવતાં તે બૉડીનાં સિગ્નલ્સને અવગણે છે. પહેલેથી જ હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ કે હૃદયના ધબકારા વધી જવાની સમસ્યા હોય તો આવી સ્થિતિમાં જો ધ્યાન ન રાખ્યું તો ગરબાની મજા સજામાં પરિવર્તિત થઈ શકે છે. છેલ્લાં બેથી ત્રણ વર્ષથી ગરબાના ગ્રાઉન્ડમાં હાર્ટ-અટૅકના વધતા કિસ્સાઓએ ચિંતા વધારી દીધી છે, પણ જો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટ-અટૅક કે હાર્ટ સંબંધિત સમસ્યાઓથી બચવું શક્ય છે.’
બૉડીનાં સિગ્નલ્સને સમજો
ગરબા રમતી વખતે બૉડી દ્વારા કેવાં સિગ્નલ મળે છે એ સવાલનો જવાબ આપતાં મુલુંડમાં રહેતા ડૉ. હિરેન ગાલા કહે છે, ‘સૌથી પહેલી અને મહત્ત્વની વાત, ગરબા રમતી વખતે જોશમાં હોશ ખોઈ બેસવા નહીં. બૉડી શું કહે છે એ સાંભળો અને સમજો. એકધારા અડધા કલાક સુધી રમીને હાંફ ચડે, શ્વાસ રૂંધાય, ગૂંગળામણ થાય, વધુપડતો પરસેવો આવે, થાક લાગે કે છાતીમાં દુખાવો થાય તો તરત જ ૧૦ મિનિટનો રેસ્ટ લેવો. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે તમારા શરીરની મર્યાદાઓને ઓળખો. એ કેટલા સમય સુધી ગરબા ગમી શકે છે અને ક્યારે સ્ટૉપ થવું એની સમજણ કેળવશો તો એ તમારી હેલ્થને બગાડવાને બદલે સુધારવાનું કામ કરશે. હવે બધું બરાબર છે એવું ફીલ થાય તો જ ફરીથી રમવા જવું, નહીં તો તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં જઈને ECG તો કરાવી જ લેવો. પછી તમે તમારા ફૅમિલી ડૉક્ટર્સ કે કાર્ડિયોલૉજિસ્ટની સલાહ લઈ શકો, પણ પ્રાથમિક ધોરણે જો બૉડી કોઈ પણ સિગ્નલ આપે તો એને અવગણ્યા વગર આટલું કરી લેશો તો મોટી અને ગંભીર સમસ્યા આવતી અટકશે. બીજી મહત્ત્વની વાત, જો તમારી ફૅમિલીમાં હાર્ટ-અટૅકની હિસ્ટરી હોય એટલે કે કોઈનું હાર્ટ-અટૅક આવવાને લીધે અવસાન થયું હોય તો શક્ય છે કે જિનેટિકલી તમને પણ એ ટ્રાન્સફર થાય એવું બની શકે છે. તેથી નિયમિત સ્ક્રીનિંગ કરાવી લેવું જેથી તમને એ પ્રૉબ્લેમ ન આવે. ગરબા રમવા જતાં પહેલાં એક વાર હાર્ટ-હેલ્થ સારી છે કે નહીં એ ચેક કરી લેવું. ૩૫ વર્ષથી વધુની વયના લોકોએ બ્લડપ્રેશર અને બ્લડ-શુગર પણ ચેક કરાવી લેવું. આટલી કાળજી રાખવાથી તમારી હાર્ટ-હેલ્થ કેવી છે એ ખબર પડી જશે.’
લાઇફસ્ટાઇલ પણ છે જવાબદાર
હાર્ટ-ફંક્શન્સ પર દબાણ આવવાની સાથે જીવનશૈલીનાં કેટલાંક પરિબળો પણ હાર્ટની હેલ્થને પ્રભાવિત કરે છે એમ જણાવતાં ડૉ. હિરેન ગાલા જણાવે છે, ‘મોટા ભાગના ખેલૈયાઓ વર્કિંગ પ્રોફેશનલ્સ હોય છે. સવારે વહેલા ઊઠીને જૉબ પર જાય અને આવીને સીધા તૈયાર થઈને ગ્રાઉન્ડમાં ભાગે. ત્યાંથી મોડા-મોડા ઘરે આવે અને ફરીથી સવારે વહેલા ઊઠીને એ જ હેક્ટિક શેડ્યુલ. આવી લાઇફસ્ટાઇલને લીધે હૃદયનાં કાર્યો પર દબાણ વધે છે, બ્લડપ્રેશર અને બ્લડ-શુગર લેવલમાં વધઘટ થાય છે. તેથી પૂરતી ઊંઘ, પૂરતું પાણી અને પ્રૉપર ડાયટ હેલ્ધી રહેવા માટે બહુ જરૂરી છે. સાતથી આઠ કલાકનો આરામ અને ઊંઘ ન મળે તો સ્ટ્રેસ ફીલ થાય છે અને પછી માથામાં દુખાવો અને અનઈઝીનેસ જેવી સમસ્યાઓ વકરે છે, જે સીધી હૃદય સાથે લિન્ક હોય છે. હેક્ટિક શેડ્યુલને કારણે ખાવા-પીવા અને પાણીના ઇન્ટેક પર પૂરતું ધ્યાન અપાતું ન હોવાથી હૃદય પર એની સીધી અસર થાય છે. ગરબા રમતી વખતે થોડા-થોડા સમયે પાણી પીવું બહુ મહત્ત્વનું છે. તમે જોશો તો પ્રોફેશનલી ગરબા રમતા હોય એવા ખેલૈયાઓ થોડા-થોડા સમયે ઠંડાં પીણાં કે પાણી પીતા રહેતા હોય છે, જેથી રમતી વખતે તેઓ ડીહાઇડ્રેટ ન થાય.’
શું ધ્યાન રાખશો?
અનિદ્રા, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ, ઓબેસિટી કે હૃદયરોગનો ઇતિહાસ ધરાવતા ગરબા-લવર્સે ગરબાના ગ્રાઉન્ડમાં પ્રવેશતાં પહેલાં હાર્ટનું ચેક-અપ કરાવી લેવું જેથી ખબર પડે કે તમે કેટલા જોશમાં ગરબા રમી શકો છો.
જે લોકોની ઍન્જિયોપ્લાસ્ટી થઈ હોય, સ્ટેન્ટ અથવા પેસમેકર બેસાડ્યાં હોય તેમણે એક્સ્ટ્રા કૅર કરવાની જરૂર છે. ટાઇમ પર દવા ખાઈ લેવી. ગરબા એકદમ ધીમે અને ધ્યાન રાખીને રમવા અને જો થાક જેવું લાગે તો તરત જ બેસી જવું. મોટી નવરાત્રિમાં ભીડ હોવાથી ત્યાં જવા કરતાં સોસાયટી લેવલ પર નાની નવરાત્રિમાં ભાગ લેવો જેથી પૂરતું વેન્ટિલેશન મળશે.
ગરબા રમવા જતાં પહેલાં ૧૦થી ૧૫ મિનિટનું હળવું વર્કઆઉટ કરવું જરૂરી છે. આ વર્કઆઉટથી મસલ્સ બ્રેકડાઉન નહીં થાય અને એ ગરબા માટે શરીરને તૈયાર કરશે. લાઇટ વર્કઆઉટમાં જમ્પિંગ જૅક્સ, સ્ક્વૉટ્સ, ઍન્કલ રોટેશન અને સ્ટ્રેચિંગ જેવી કસરતનો સમાવેશ કરી શકાય.
ઑફિસથી આવ્યા પછી અને ગરબા રમવા જતાં પહેલાં હળવા ખોરાક સાથે એક કલાકનો આરામ મળે એ રીતે ટાઇમ-મૅનેજમેન્ટ કરશો તો વાંધો નહીં આવે. એટલું ધ્યાન રાખવું કે રમવા જતાં પહેલાં તળેલા ખાદ્ય પદાર્થો ખાવા નહીં. ફળ, નટ્સ કે લાઇટવેઇટ નાસ્તા બેસ્ટ ઑપ્શન છે. રમીને આવ્યા બાદ તમને ભૂખ લાગે તો થોડું ખાઈ લેવું, પણ હેવી નાસ્તો સવારે કરવાનો આગ્રહ રાખવો.
સારા દેખાવ માટે ટાઇટ ફિટિંગનાં કપડાં પહેરવા કરતાં લૂઝ અને સૉફ્ટ અને બ્રીધેબલ ફૅબ્રિકનાં કપડાં પહેરવાનું પસંદ કરો એ સ્કિન-હેલ્થ માટે સારું છે.