બ્રશ કરતી વખતે મને મોંમાંથી લોહી નીકળે છે

15 May, 2023 04:56 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

બીજાં ઘણાં-ઘણાં કારણોને લઈને લોહી નીકળી શકે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રશ્ન : મારી ઉંમર ૩૨ વર્ષ છે. મને છેલ્લા બે મહિનાથી એવો અનુભવ થાય છે કે જ્યારે હું સવારે બ્રશ કરું છું ત્યારે વચ્ચે-વચ્ચે ક્યારેક લોહી નીકળે છે. શરૂઆતમાં તો મેં અવગણ્યું, પછી મને લાગ્યું કે કદાચ હું બ્રશ ખૂબ જોરથી ઘસું છું. તો મેં મારી આદત બદલી અને બ્રશ હળવેથી કરવા લાગ્યો, પણ કઈ ખાસ ફરક ન લાગ્યો એટલે મેં બ્રશ પણ બદલ્યું. એકદમ સૉફ્ટ બ્રશ હું વાપરવા લાગ્યો, છતાં ક્યારેક હજી લોહી નીકળે છે. પછી મને સમજાયું કે ક્યારેક ગલોફામાં ચાંદા થઈ જાય છે, લોહી કદાચ એમાંથી નીકળતું હોય. તો હવે ચેક-અપની જરૂર છે ખરી?
  
મોઢામાંથી લોહી નીકળવું જેટલી સામાન્ય અવસ્થા લાગે છે એટલી છે નહીં. હા, એ વાત સાચી છે કે બ્રશ જોરથી ઘસાઈ જાય કે ચાંદા પડી જાય તો લોહી નીકળે, પરંતુ એ કેટલાંક કારણોમાંનું એક કારણ છે. બીજાં ઘણાં-ઘણાં કારણોને લઈને લોહી નીકળી શકે છે. જો તમને પેઢાનો કોઈ રોગ હોય તો પણ આવું થાય છે. પેઢાના રોગોમાં અરીસામાં જોઈને સરળતાથી વ્યક્તિને ખબર પડતી નથી કે તેને ક્યાંથી લોહી નીકળે છે. આ માટે તમારે ડેન્ટિસ્ટ પાસે જઈને ચેક-અપ કરાવવું જરૂરી છે. ચેક કરીને સમજી શકાય કે દાંતની પરિસ્થિતિ શું છે અને ક્યાંથી લોહી આવે છે. બે મહિનાથી આવું અવારનવાર થયા કરતું હોય તો તમારે આ લક્ષણને ગંભીરતાથી લેવું જરૂરી છે. આ કોઈ પ્રકારનું ઓરલ ઇન્ફેક્શન હોઈ શકે છે. 

ઓરલ ઇન્ફેક્શન થકી બીજાં અંગોમાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે, કારણ કે આ ઇન્ફેક્શન લોહી દ્વારા પણ ફેલાઈ શકે છે. પેઢામાં કે ગલોફામાં જ્યારે કોઈ જાતનું ઇન્ફેક્શન થાય છે ત્યારે લોહી વહેવા માંડે છે. આ ખુલ્લા ઘાવ દ્વારા મોઢામાં રહેલા બૅક્ટેરિયા લોહીમાં ભળે છે અને આ લોહીમાં ભળેલા બૅક્ટેરિયામાં પણ બે પ્રકાર છે, એક ઝેરી બૅક્ટેરિયા અને એક સાદા બૅક્ટેરિયા. આ બૅક્ટેરિયા લોહી દ્વારા સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે અને કોઈ પણ અંગને ઇન્ફેક્શન લગાડી શકે છે. ઘણી વાર કોઈ અંગ પહેલેથી જ ડૅમેજ હોય તો આ બૅક્ટેરિયા એ અંગને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ રીતે ઇન્ફેક્શન લિવર, કિડની, હાર્ટ, બ્રેઇન એમ કોઈ પણ અંગમાં ફેલાઈ શકે છે અને એ અંગને નુકસાન પહોંચાડી શકે છે. માટે એ લોહી કેમ નીકળે છે એની તપાસ જરૂરી છે. બીજું, ચાંદા પડી ગયા છે એનો ઇલાજ પણ જરૂરી છે. 

columnists health tips life and style