10 July, 2025 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારે લૂઝ મોશન, વૉમિટિંગ, ફીવર, પેટમાં દુખાવાની સમસ્યા ધરાવતા દરદીઓની સંખ્યા વધી રહી છે. ચોમાસામાં પાણી અને આહારને લગતી બીમારીઓ વધુ થાય છે અને એટલે જ જરૂરી છે કે બહારનું ખાવાનું આ ઋતુમાં સંપૂર્ણ અવૉઇડ કરવું જોઈએ. બહારનું ખાવાનું ઢાંકેલું ન હોય, બનાવતી વખતે હાથ ધોયા ન હોય, જે સામગ્રીઓ પૂરતા પ્રમાણમાં સાફ ન કરવામાં આવી હોય ત્યારે તમને તાત્કાલિક બૅક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની સંભાવના રહે છે. હું મારા દરદીઓને કહેતો હોઉં છું કે ચોમાસામાં બહારનું ન જ ખાવું. બહુ ભૂખ લાગે તો ચા સાથે બિસ્કિટ ખાઈને પેટ ભરી લેવું પણ અન્ય આઇટમો ખાવાનું જોખમ ન લેવું. ગરમ ખાવાની જરૂર હોય અને બહાર ખાવાનું આવે તો ઢોસો અથવા ઉત્તપ્પા ખાઓ. એ તાત્કાલિક બનાવીને આપશે એટલે એ તાજું હોવાથી નુકસાન થવાની સંભાવના ઓછી છે. પરંતુ ધ્યાન રહે કે ચટણી ન ખાવી.
ચોમાસામાં વડાપાંઉં, સમોસા-પાંઉ કે પછી સૅન્ડવિચ, ઇડલી-ચટણી વગેરે ઠંડી અથવા બનાવ્યા પછી ઠરી ગયા બાદ ફરી ગરમ કરીને પિરસાતી આઇટમો પેટ માટે તો જોખમી છે જ પણ જો ઇન્ફેક્શન વધી જાય અને મરડો થયા બાદ એ બૅક્ટેરિયા લિવર સુધી પહોંચે તો એ લિવર ઍબ્સેસિસ એટલે કે લિવરમાં પસની સમસ્યાને જન્માવી શકે છે. આજકાલ મારી પાસે લિવરમાં પસની સમસ્યાવાળા દરદીઓ વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે એટલે આ ઋતુમાં માંદા ન પડવું હોય તો પહેલો નિયમ છે કે બહારનું સદંતર ન જ ખાવું.
બીજો નિયમ એ છે કે ધારો કે ડીહાઇડ્રેશન જેવું થાય તો તાત્કાલિક એનો ઇલાજ કરવો. પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ માટે જેટલી વાર મરડાને કારણે વૉશરૂમ જાઓ એટલા ગ્લાસ પાણી પીવું. નાનાં બાળકો અને વડીલો મરડાને કારણે થતાં કૉમ્પ્લીકેશન્સનો જલદી શિકાર બની શકે છે. દહીં લો. ORSનું પાણી પીઓ અને તમારા શરીરમાંથી ઘટી રહેલાં સોડિયમ, ક્લોરાઇડ, પોટેશિયમ જેવા સૉલ્ટના જથ્થાને જાળવી રાખો. ઘણી વાર વૉટરલૉસને કારણે હાઇપોવોલમાઇક શૉકની સ્થિતિ જન્મતી હોય છે જેમાં બ્લડપ્રેશર ઘટી જાય અને વ્યક્તિ કન્ફ્યુઝ્ડ અવસ્થામાં રહે, એને સમજણ ન પડે. આવાં લક્ષણોને સમજો. એક સામાન્ય મરડો બ્રેઇન, કિડની, લિવર જેવાં મહત્ત્વનાં ઑર્ગનને પણ શિકાર બનાવી શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી પરિસ્થિતિ વકરે એ પહેલાં જ એનો ઇલાજ કરો અને માંદા જ ન પડાય એ માટે ચોમાસામાં જરૂરી કાળજી રાખો.
-ડૉ. હેમલ ભગત