કેવો મસ્ત વરસાદ જામ્યો છે? ચાલો ભજિયાં-સમોસા ખાઈએ

08 July, 2026 03:13 PM IST  |  Mumbai | Heena Patel

શું તમને પણ વરસાદની રમઝટમાં તળેલું ખાવાનું ક્રેવિંગ વધી જાય છે?

પ્રતીકાત્મક તસવીર

શું તમને પણ વરસાદની રમઝટમાં તળેલું ખાવાનું ક્રેવિંગ વધી જાય છે? યસ, ચોમાસામાં સૅલડ કે સાદો ખોરાક ભાવતો નથી અને મન આખો દિવસ તળેલું, ગળ્યું કે તીખું ખાવા માટે તરસ્યા કરે છે. મોટા ભાગના લોકો આને માત્ર એક સીઝનલ મૂડ ગણીને નજરઅંદાજ કરે છે; પણ વાસ્તવમાં ક્રેવિંગ્સને આ સૂર્યપ્રકાશ, હૉર્મોન્સ, હવામાન અને આપણા મગજની પ્રક્રિયાઓ વચ્ચે સંબંધ છે. આ એક કુદરતી બાયોલૉજિકલ પ્રોસેસ છે જેને માત્ર ઇચ્છાશક્તિથી રોકવી મુશ્કેલ બની શકે છે, પરંતુ સ્માર્ટ લાઇફસ્ટાઇલ અને યોગ્ય આહારથી એને સારી રીતે મૅનેજ કરી શકાય છે.

ચોમાસામાં વરસાદ શરૂ થતાં જ ગરમાગરમ ભજિયાં, વડાપાંઉ કે સમોસાં જેવી વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ વધી જતું હોય છે. આમાં ફક્ત તમારી જીભનો જ વાંક નથી. વાસ્તવમાં વરસાદી વાતાવરણમાં ઓછો સૂર્યપ્રકાશ, ઠંડું અને ભેજવાળું હવામાન, શરીરમાં થતા હૉર્મોનલ ફેરફારો તેમ જ બાળપણથી મનમાં બનેલું કમ્ફર્ટ ફૂડનું સાઇકોલૉજિકલ કનેક્શન આ બધાં પરિબળો મળીને આવું ક્રેવિંગ્સ વધારી શકે છે. એટલે જ ચોમાસામાં મન વારંવાર ગરમ, કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર અને તળેલા ખોરાક તરફ ખેંચાય છે. આ સીઝનમાં જીભને સ્વાદ અને શરીરને પોષણ બન્ને મળે એવા હેલ્ધી વિકલ્પો કયા છે અને ડાયટ ઉપરાંત લાઇફસ્ટાઇલમાં કયા નાના-નાના સ્માર્ટ બદલાવ અપનાવવા જોઈએ એ વિશે ડાયટિશ્યન ભાવિ મોદી પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.

ક્રેવિંગ્સ વધવાનાં કારણો

આપણું શરીર કુદરતની ૨૪ કલાકની ડે-નાઇટ સાઇકલ એટલે કે સર્કાડિયન રિધમ પર ચાલે છે. આ રિધમને સરખી રાખવાનું મુખ્ય કામ સૂર્યપ્રકાશ કરે છે. ચોમાસામાં દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહે છે અને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો ત્યારે આપણી બાયોલૉજિકલ ક્લૉક ડિસ્ટર્બ થઈ જાય છે. મગજ કન્ફ્યુઝ થાય છે કે દિવસ છે કે રાત? આ મૂંઝવણને લીધે હૉર્મોન્સનું સંતુલન બગડે છે. સેરોટોનિન એક ફીલ ગુડ કેમિકલ છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં વધુ બને છે. ચોમાસામાં ધૂંધળા વાતાવરણ અને ઓછા સૂર્યપ્રકાશને કારણે કેટલાક લોકોમાં સેરોટોનિનનું પ્રમાણ ઘટી શકે છે. પરિણામે મૂડ થોડો ડાઉન રહે છે અને કમ્ફર્ટ ફૂડનું ક્રેવિંગ વધી શકે છે. ત્યારે આપણું મગજ ઇન્સ્ટન્ટ મૂડ સુધારવા માટે એક શૉર્ટકટ શોધે છે. કાર્બોહાઇડ્રેટ્સનું સેવન ટ્રિપ્ટોફૅનને મગજ સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે જે સેરોટોનિનના ઉત્પાદન માટે જરૂરી છે. તેથી ઘણી વખત મગજ આપણને ભજિયાં કે સમોસાં જેવા કમ્ફર્ટ ફૂડ તરફ ધકેલે છે. એવી જ રીતે મેલૅટોનિન આપણને ઊંઘ લાવવા માટેનું હૉર્મોન છે. ઓછા પ્રકાશને કારણે કેટલાક લોકોમાં મેલૅટોનિનના સ્રાવની પૅટર્નમાં ફેરફાર થઈ શકે છે, જેને કારણે દિવસ દરમ્યાન સુસ્તી અને થાક અનુભવાઈ શકે છે. આવી સુસ્તી અને ઓછી એનર્જીની લાગણીમાં મગજ ઘણી વખત ઝડપી કમ્ફર્ટ અને એનર્જી આપતા ખોરાક તરફ આકર્ષાય છે, જેમાં ગરમ, તીખી અને કૅલરીથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ થાય છે. ચોમાસામાં ક્રેવિંગ વધવા પાછળ સ્ટ્રૉન્ગ સાઇકોલૉજિકલ કનેક્શન પણ હોય છે. નાનપણથી જ આપણે ત્યાં એવું વાતાવરણ રહ્યું છે કે જેવો પહેલો વરસાદ પડે એટલે ઘરમાં મમ્મી ભજિયાં તળવા બેસી જાય અથવા આખો પરિવાર સાથે મળીને ગરમાગરમ ચા-નાસ્તો એન્જૉય કરે. મગજમાં વરસાદ અને તળેલું ખાવા વચ્ચેનું એક સ્ટ્રૉન્ગ અસોસિએશન બની ગયું છે એટલે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આપણું સબકૉન્શ્યસ માઇન્ડ એ બાળપણની સુખદ અને હૂંફાળી યાદોને ફરી જીવવા ઇચ્છે છે જે આપોઆપ ક્રેવિંગમાં બદલાઈ જાય છે.

સ્માર્ટ ડાયટ

ચોમાસામાં જ્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યારે મગજ ભજિયાં કે સમોસા જેવા હાઈ-કૅલરી કમ્ફર્ટ ફૂડની માગણી કરે છે. વાસ્તવમાં મગજ એ ખોરાક પાછળ નથી ભાગતું, પણ એમાંથી મળતી ખુશી (સેરોટોનિન) પાછળ ભાગે છે. આપણે ડાયટિંગ કરીને ભૂખ્યા નથી રહેવાનું, પણ સ્માર્ટ ખોરાક દ્વારા મગજને એવું ઇંધણ આપવાનું છે જેથી શરીરમાં હૅપી હૉર્મોનનું સ્તર કુદરતી રીતે વધે. ટ્રિપ્ટોફૅન એક જરૂરી અમીનો ઍસિડ છે જે શરીર માટે મેલૅટોનિન અને સેરોટોનિન હૉર્મોન બનાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ હૉર્મોન્સ સારી ઊંઘ, માનસિક શાંતિ અને મૂડ સુધારવામાં મદદ કરે છે. એટલે તમારે આહારમાં ટ્રિપ્ટોફૅનયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ. તમે ટોફુ, સોયાબીન, પમ્પકિન સીડ્સ, તલ, ચિયા સીડ્સ, દૂધ, પનીર, ચીઝ, બદામ, કાજુ, મગફળી, અખરોટ, ઓટ્સ, ક્વિનોઆ, કેળાં, અનાનસ ખાઈ શકો છો. મગજને ટ્રિપ્ટોફૅન શોષવા માટે કાર્બોહાઇડ્રેટ્સની જરૂર પડે છે. જ્યારે આપણે મેંદો કે ખાંડ (સિમ્પલ કાર્બ્સ) ખાઈએ છીએ ત્યારે શુગર લેવલ અચાનક વધે છે અને પછી તરત જ ક્રૅશ થઈ જાય છે જેથી ક્રેવિંગ વધી જાય છે. એની જગ્યાએ ઓટ્સ, બ્રાઉન રાઇસ, મકાઈ કે જુવાર-બાજરી જેવાં આખાં અનાજ લો. ચોમાસામાં ગરમાગરમ મકાઈનો ડોડો લીંબુ-મરચું લગાવીને ખાવાથી મગજને કાર્બ્સ પણ મળી રહેશે, પેટ પણ ભરાશે અને ફાઇબરને કારણે કૅલરી પણ કન્ટ્રોલમાં રહેશે. આપણા પેટ અને મગજ વચ્ચે એક ખાસ કનેક્શન છે જેને ગટ-બ્રેઇન ઍક્સિસ કહેવાય છે. આ આખી સિસ્ટમ સ્મૂધલી કામ કરે એ માટે આંતરડાંના ગુડ બૅક્ટેરિયા એટલે કે ગટ માઇક્રોબાયોમનું બૅલૅન્સ હોવું બહુ જરૂરી છે. આ ગુડ બૅક્ટેરિયા હેલ્ધી હોય ત્યારે એ આપણી બૉડીની બાયોકેમિકલ પ્રોસેસ અને મૂડને ઇનડાયરેક્ટલી બૂસ્ટ કરવાનું કામ કરે છે. ચોમાસામાં આપણી પાચનક્રિયા થોડી સ્લો થઈ જાય છે એટલે જ આ સીઝનમાં ડાયટમાં હોમમેડ દહીં, છાશ અને બીજાં પ્રોબાયોટિક તેમ જ પ્રીબાયોટિક ફૂડ્સ સામેલ કરવાં ફાયદાકારક છે. જો ગટ-હેલ્થ સારી રહેશે તો એની સકારાત્મક અસર પાચન, એનર્જી અને ઓવરઑલ વેલબીઇંગ પર પણ જોવા મળી શકે છે. મગજમાં જ્યારે ગરમ અને તીખું ખાવાનું ક્રે​વિંગ થાય ત્યારે મરી પાઉડર અને આદું નાખેલો મિક્સ વેજિટેબલ સૂપ કે ટમેટાંનો સૂપ પીવો. આદું, તુલસી અને ફુદીનાવાળી ગરમ બ્લૅક ટી અથવા ગ્રીન ટી પીઓ. આનાથી મગજને હૂંફ મળશે અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ મળવાને કારણે મૂડ સુધરશે.

લાઇફસ્ટાઇલમાં બદલાવ

બહાર વરસાદને કારણે મૉર્નિંગ વૉક કે જિમ બંધ હોય તો આખો દિવસ સોફા પર બેસી રહેવાને બદલે સક્રિય રહો. ઘરની અંદર જ ૧૫ મિનિટ માટે સ્પૉટ જૉગિંગ એટલે કે એક જ જગ્યાએ ઊભા રહીને દોડો, સ્ટ્રેચિંગ કરો, સૂર્યનમસ્કાર કરો અથવા ફેવરિટ મ્યુઝિક વગાડીને મન મૂકીને ડાન્સ કરો. ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ નામનાં કેમિકલ્સ રિલીઝ થાય છે જે ઇન્સ્ટન્ટ મૂડ લિફ્ટ કરે છે. મગજને જ્યારે આ નાનકડી કસરતથી જ હૅપી હૉર્મોનનો ડોઝ મળી જાય છે ત્યારે એ ખોરાક દ્વારા ખુશી મેળવવાની જીદ છોડી દે છે. વરસાદના ઠંડા અને આહલાદક વાતાવરણમાં વધુ ઊંઘ આવે કે આખો દિવસ પલંગમાં પડ્યા રહેવાનું મન થવું સ્વાભાવિક છે, પરંતુ બપોરે લાંબી ઊંઘ લેવાનું ટાળો અને રાત્રે સાતથી ૮ કલાકની ક્વૉલિટી ઊંઘ સમયસર લો. જો તમારી ઊંઘ અનિયમિત હશે તો શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન અને ભૂખ વધારતા હૉર્મોનનું સ્તર વધી જશે જે તમને સીધા જન્ક-ફૂડ તરફ ધકેલશે. પૂરતી અને ગાઢ ઊંઘ હૉર્મોન્સને બૅલૅન્સ રાખે છે. ચિંતાને કારણે મગજ સતત તનાવમાં રહે છે. આ સ્ટ્રેસને હૅન્ડલ કરવા માટે સવારે અથવા સાંજે માત્ર પાંચથી ૧૦ મિનિટ પ્રાણાયામ કે મેડિટેશન કરો. આપણી લાઇફસ્ટાઇલ જ્યારે તનાવયુક્ત બને છે ત્યારે મગજ શૉર્ટકટ દ્વારા કમ્ફર્ટ ફૂડ શોધે છે જેથી હળવાશ અનુભવાય. સ્ટ્રેસ-લેવલ ઓછું થતાં જ બિનજરૂરી ભૂખ લાગવાની પ્રક્રિયા અટકી જાય છે.

પ્રકાશ અને પૂરતું પાણી

સૂર્યપ્રકાશ નથી તો ઘરમાં જ એવો માહોલ બનાવો. દિવસ દરમ્યાન ઘરનાં બારી-બારણાં અને પડદા ખુલ્લાં રાખો, જેથી બહારનો કુદરતી ઉજાસ અંદર આવે. ચોમાસામાં તરસ ઓછી લાગતી હોવાથી ઘણા લોકો પાણી ઓછું પીએ છે. શરીરમાં પાણીની અછત હોય ત્યારે પણ ક્યારેક ભૂખ કે ક્રેવિંગ જેવી લાગણી થાય છે. તેથી દિવસ દરમ્યાન પૂરતું પાણી, લીંબુપાણી અથવા ગરમ હર્બલ ડ્રિન્ક્સ લેતા રહો. માનવ-મગજ માટે ભૂખ અને તરસનાં સિગ્નલ એકસમાન હોય છે. ઘણી વાર શરીરમાં પાણીની અછત હોય ત્યારે મગજ આપણને એવો સંકેત મોકલે છે કે આપણને ભૂખ લાગી છે અથવા કંઈક ચટાકેદાર ખાવું છે. જો તમે દર કલાકે પાણી પીતા રહેશો તો મગજ કન્ફ્યુઝ નહીં થાય અને ખોટી ભૂખ કે ભજિયાં ખાવાનું ક્રેવિંગ આપોઆપ ઓછું થઈ જશે.

વરસાદી ક્રેવિંગને કન્ટ્રોલ કરવાની સ્માર્ટ ગાઇડ

હંમેશાં ડાયટમાં ૮૦-૨૦નો નિયમ રાખો. દિવસ કે અઠવાડિયા દરમ્યાન ૮૦ ટકા હેલ્ધી અને ક્લીન ફૂડ ખાઓ અને બાકીના ૨૦ ટકામાં તમારું મનગમતું ખાઈ શકો છો. જ્યારે પણ ગરમાગરમ તળેલું ખાવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે તરત જ ઑર્ડર કરવા કે કિચનમાં જઈને તળવા બેસવાને બદલે પહેલાં એક મોટો ગ્લાસ પાણી પીઓ અને ૧૫ મિનિટ રાહ જુઓ. ૧૫ મિનિટ પછી પણ જો ક્રેવિંગ ચાલુ રહે તો પહેલાં થોડાં ફ્રૂટ્સ અથવા નટ્સ ખાઓ. જો એ પછી પણ પેટ ખાલી લાગે ત્યારે જ તમારી મનપસંદ વાનગીનો સ્વાદ માણો. ક્યારેક જ તળેલું ખાવામાં વાંધો નથી, પણ એ રોજની આદત ન બનવી જોઈએ. ભજિયાં કે વડાં જેવી કમ્ફર્ટ ફૂડ-આઇટમ્સનું પણ હેલ્ધી વર્ઝન ટ્રાય કરો. એને ડીપ ફ્રાય કરવાને બદલે ઍર ફ્રાય અથવા શૅલો ફ્રાય કરીને ખાઓ.

જ્યારે પણ ધોધમાર વરસાદ શરૂ થાય અને ભજિયાં, વડાપાંઉ ખાવાનો વિચાર મગજમાં ઘૂમરાવા લાગે ત્યારે મગજને તરત જ બિઝી કરી દો. કોઈ ગમતું પુસ્તક વાંચો, ઇન્ડોર પ્લાન્ટ્સની ગોઠવણી કરો, કબાટ સાફ કરો, કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરો અથવા કોઈ મનપસંદ ગેમ રમો. ઘણી વખત ક્રેવિંગ્સ થોડા સમય માટે ખૂબ તીવ્ર હોય છે. જો એ દરમ્યાન ધ્યાન બીજી પ્રવૃત્તિ તરફ વાળવામાં આવે તો એની તીવ્રતા ઓછી થઈ શકે છે.

monsoon news food news healthy living health tips life and style lifestyle news columnists