18 June, 2026 12:58 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મોટા ભાગના મેદસ્વી લોકોના મોઢે સાંભળવા મળતા શબ્દો એ છે કે દૂબળા લોકો થાળી ભરીને ખાય તોય વાંધો નહીં, પરંતુ અમે તો શ્વાસ પણ લઈએ તો વજન વધી જાય છે. શું તમને એવો અનુભવ છે કે કેટલાક લોકો દસ-દસ અડદિયા ઝાપટી જતા હોય છતાં તેમનું વજન એવું ને એવું રહેતું હોય અને તમે ઘીવાળા અડદિયા તો શું ખીચડીમાં એક ચમચી ઘી નાખો તો પણ બીજા દિવસે વજનકાંટો ઉપર તરફ ખસી જઈને તમને ચીડવતો હોય. એક રીતે જોવા જઈએ તો ખરેખર એ લોકો નસીબવંતા એટલે કે લકી છે જેમને વજન વધી જશે એવા ડરથી ખોરાકમાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડતું નથી. એ નસીબનું નામ છે મેટાબોલિઝમ.
જે લોકોનું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ હોય તેઓ પાણા પણ પચાવી શકે છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. મેટાબોલિઝમ જેમનું સ્ટ્રૉન્ગ હોય તેમનું વજન વધારે નથી હોતું. એટલું જ નહીં, તે વ્યક્તિ ખૂબ જ હેલ્ધી હોય છે. મેટાબોલિઝમને ગુજરાતીમાં ચયાપચયની પ્રક્રિયા કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીર પાચન કરે છે અને એ પાચન થયા પછી ખોરાકનું શક્તિમાં રૂપાંતરણ થાય છે. બાકીના નકામા પદાર્થો મળ-મૂત્ર દ્વારા શરીર બહાર ફેંકી દે છે. ખોરાકમાંથી જે શક્તિ જન્મી છે એ શક્તિનો ઉપયોગ શરીર જુદાં-જુદાં કાર્યો કરવા માટે કરે છે. બાકી જે શક્તિનો ઉપયોગ ન થાય એ શક્તિ મેદ સ્વરૂપે શરીરમાં સચવાઈ રહે છે. આ સમગ્ર પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયા કહી શકાય.
જે વ્યક્તિનું મેટાબોલિઝમ ઠીક નથી એને સુધારી શકાય છે, સ્ટ્રૉન્ગ બનાવી શકાય છે. એ માટે અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે દિવસ દરમ્યાન દર બે-ત્રણ કલાકે થોડું-થોડું ખાવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે કારણ કે એનાથી શરીરને એ સંકેત મળે છે કે એને થોડા-થોડા સમયે કંઈ ને કંઈ મળતું રહેશે જેથી શરીરે એનર્જીનો સંગ્રહ કરવાની જરૂર નથી. આમ શરીરને મળતી શક્તિનું મેદના રૂપમાં સંગ્રહ થવાનું ઘટશે અને મેટાબોલિઝમ ઊંચું જશે.
મેટાબોલિઝમ એટલે તમે કેટલી કૅલરી ઉત્પન્ન કરો છો અને કેટલી ખર્ચ કરો છો એનું ગણિત. આજની આપણી જીવનશૈલી એવી છે કે આપણે જે ખાઈએ છીએ એટલું ખર્ચ કરતા નથી. એટલે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં પાંચ કલાક એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરને કૅલરી ખર્ચ કરવાની આદત પડશે અને મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે.
લાંબા ગાળે વેઇટ ટ્રેઇનિંગ લઈ શકાય તો લેવી, કારણ કે વેઇટ ટ્રેઇનિંગથી બૉડીમાં મસલમાસનો વધારો થાય છે જે મેટાબોલિઝમ માટે ફાયદાકારક છે. વધુ સમય ભૂખ્યા ન રહેવું, રાત્રે મોડે સુધી ન જાગવું, મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહેવું, આલ્કોહૉલ અને સિગારેટનું સેવન ન કરવું.