મનની ફિટનેસ માટે ડેટા-ડિલીટિંગનો અખતરો અજમાવવા જેવો છે

28 February, 2025 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક નિષ્ણાતની સલાહ લીધી. જવાબ મળ્યો : ‘નક્કી, આ તો વાઇરસ!’ એક-બે દિવસ થયા ત્યાં સેલફોને નવું પરાક્રમ કર્યું. મારો અવાજ જ સામાવાળા સુધી પહોંચવા ન દે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા દિવસોથી મારા મોબાઇલમાં હું કોઈક નંબર સ્ટોર કરવા ઇચ્છું, કોઈને મેસેજ કરવા જાઉં, ગૅલરીમાં કોઈ ઇમેજીસ જોવા ચાહું કે બીજું કોઈ પણ કામ કરવા પ્રયત્ન કરું કે સ્ક્રીન પર સંદેશો ફ્લેશ થાય : ‘નોટ ઇનફ મેમરી ટુ પર્ફોર્મ ધ ઑપરેશન, ડિલીટ સમ ડેટા ફર્સ્ટ.’ આ સંદેશા સાથે ભયસૂચક સંકેત આપતું એક લાલ ચિહ્‍‍ન પણ બાજુમાં પ્રગટે!

એક નિષ્ણાતની સલાહ લીધી. જવાબ મળ્યો : ‘નક્કી, આ તો વાઇરસ!’ એક-બે દિવસ થયા ત્યાં સેલફોને નવું પરાક્રમ કર્યું. મારો અવાજ જ સામાવાળા સુધી પહોંચવા ન દે! જાણે વાઇરસને અટૅન્ડ ન કર્યું એટલે ભુરાયું થયું!? મેકૅનિકની મદદ માગી. તેણે સેલને આગળ-પાછળ, ઊંધો-ચત્તો ફેરવ્યો ને કહ્યું, ‘માઇક ગયેલા હૈ, બદલી ચ કરના પડેગા.’ પણ અજાણ્યા મેકૅનિક પાસે ફોન રાખવાની તો મારી તૈયારી નહોતી એટલે રવિવાર મેં સેલફોનનું મેમરી કાર્ડ ખાલી કરવામાં ગાળ્યો. કલાકો વીત્યા એ વિસર્જનકર્મમાં. થાકીને આંખ બિડાઈ ગઈ. જાગીને જોયું તો! સેલ ડાહ્યોડમરો થઈને પહેલાંની જેમ બધાં કામ કરવા માંડ્યો હતો! અરે! સુખદ આશ્ચર્ય સાથે સમજાયું કે આ હદથી વધારે બોજ જ વાઇરસ? ને એ જ માઇક ફેલ્યર!? આનો અર્થ કે સમસ્યા ઓવર સ્ટફિંગની જ હતી!

આ અનુભવે દિમાગની ઘંટીને પણ રણઝણાવી દીધી. સુપર-ડુપર ક્મ્પ્યુટર જેવા આપણા મગજમાં પણ આપણે કેટલી બધી વાતો ભંડારી રાખીએ છીએ. વરસો જૂની ઉપયોગી-બિનઉપયોગી બેશુમાર સ્મૃતિઓનો ખડકલો! અને રોજેરોજ એમાં નવી વાતો ઉમેરાયા કરે! એની ક્ષમતાનો વિચાર કર્યા વિના ધરબતા જઈએ! મગજને એનો ભાર નહીં લાગતો હોય? એ પણ કો’ક દિવસ કહી શકે કે આ જૂની ફાઇલો કાઢો પહેલાં ને પછી નવું ઉમેરો! અથવા તો પ્રોટેસ્ટમાં એ પણ ક્યારેક એનાં બધાં કામ કરવાનું બંધ કરી દે તો!

એવું બને છેને ક્યારેક? આપણે જોઈએ છીએને સાજી-સારી બુદ્ધિશાળી વ્યક્તિ અચાનક એકદમ અતાર્કિકપણે વર્તવા લાગે, ન હોય એ જોવા લાગે, હકીકતને તદ્દન ગેરવાજબીપણે મૂલવવા લાગે...! એ સ્થિતિ કદાચ દિમાગના મેમરી કાર્ડમાં હદબહારનો બોજો થઈ ગયો હોય એનું પરિણામ પણ હોઈ શકે! આવામાં ડેટા-ડિલીટિંગનો અખતરો અજમાવી શકાય. ખાસ કરીને નકારાત્મક સ્મૃતિઓ, દુ:ખદ સ્મૃતિઓની ફાઇલો ડિલીટ કરવાનો! શક્ય છે હળવું થયેલું મગજ ડાહ્યું-ડમરું થઈને ફરી સડસડાટ કામે લાગી જાય! ને પછી તો આ રામબાણ કીમિયો નિયમિતપણે ઉપયોગમાં લઈ શકાય – ‘ખાલી કરો’નું અલાર્મ વાગવાની રાહ જોયા વગર જ!                            -તરુ મેઘાણી કજારિયા

mental health health tips technology news columnists life and style gujarati mid-day mumbai