18 June, 2024 08:50 AM IST | Mumbai | Jigisha Jain
માનવ શાહ
મલાડના શાહ પરિવારનો નાનો દીકરો ૨૫ વર્ષનો માનવ શાહ સવારમાં ૬ વાગ્યામાં ઘરેથી નીકળી જાય છે. મેટ્રો પકડે છે. મેટ્રો સ્ટેશનથી દહિસરમાં આવેલા ઍમૅઝૉનના વર્ક સ્ટેશન પર જાય છે. ત્યાં ઇન્વેન્ટરીનું કામ કરે છે. જે વસ્તુઓ આવી છે એને અલગ-અલગ કરવાનું, સ્કૅનિંગ કરવાનું, ડૅમેજ ક્લિયર કરવાનું કામ કરે છે. ૭થી ૧૨ વાગ્યા સુધી તે કામ કરી ફરી ઘરે જવા મેટ્રો પકડે છે અને ૧ વાગ્યે ઘરે જતો રહે છે. પાર્ટટાઇમ જૉબ કરતા માનવને ઍમૅઝૉન દર મહિને દસ હજાર રૂપિયાનો પગાર આપે છે.
આ વાત મુંબઈના કોઈ પણ સર્વિસમૅનની લાગુ પડતી હશે, પણ આ વાતમાં ખાસ વાત એ છે કે માનવ ઑટિઝમ ધરાવે છે. ૨૦૧૮માં મળેલા એક અનઑફિશ્યલ આંકડા મુજબ ભારતભરમાં ૫૦ ઑટિસ્ટિક બાળકો છે જે પોતે નોકરી કરીને પગભર બન્યા છે. માનવ આ ૫૦માંનો એક છે. તેના જીવનની તેની હદોને પાર કરીને તે સ્વમાનભર્યું જીવન જીવવાની કોશિશ કરી રહ્યો છે. સ્પેશ્યલ બાળકોને હંમેશાં એક જવાબદારી સ્વરૂપે જ જોવામાં આવે છે પરંતુ જો ટ્રેઇનિંગ દ્વારા તેમને આત્મનિર્ભર કરી શકાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
જ્યારે ખબર પડી
જન્મનાં ૨ વર્ષ સુધી માનવનાં માતા-પિતાને અંદાજ પણ નહોતો કે માનવ નૉર્મલ બાળક નથી. તે રિસ્પૉન્સ નહોતો આપતો, એકદમ હાઇપર હતો, એક જગ્યાએ ઊભો રહી નહોતો શકતો. એકલો ભાગતો રહેતો, કોઈની સાથે નજર ન મેળવતો. એક ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ પાસે લઈ ગયા ત્યારે ખબર પડી કે તેને ઑટિઝમ છે. એ સમય સુધી તેનાં માતા-પિતાને ખબર જ નહોતી કે ઑટિઝમ હોય શું. એ વિશે વાત કરતાં માનવનાં મમ્મી નંદિની શાહ કહે છે, ‘માનવ ૬ વર્ષ પછી બોલતાં શીખ્યો. ત્યાં સુધી મેં તેની ઘણી થેરપી કરાવી. એ પછી તેને સ્કૂલમાં મૂકવાનું વિચાર્યું. પ્રિયાંજ સ્પેશ્યલ સ્કૂલમાં મેં તેને મૂક્યો જ્યાં તે ઘણું શીખ્યો. એ સ્કૂલમાં જઈને માનવમાં ઘણો ફરક આવ્યો. તેણે આ સ્કૂલમાં રહીને દસમું ધોરણ પાસ પણ કર્યું. નૉર્મલ સ્કૂલોનું કામ છે બાળકોને ભણાવવાનું અને સ્પેશ્યલ સ્કૂલોનું કામ બાળકને ભણાવવાનું જ નહીં, તેને જીવન માટે તૈયાર કરવાનું છે. કઈ રીતે વાત કરાય, એક જગ્યાએ બેસાય, શાંતિથી જમાય આ બધી મૂળભૂત સ્કિલ્સથી લઈને કઈ રીતે કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય, ટ્રાવેલ કેવી રીતે કરાય, પોતાનાં કામ જાતે કેવી રીતે કરાય એ બધું પણ સ્કૂલે જ શીખવવાનું હોય છે. આ સિવાય ઑટિઝમ ધરાવતાં બાળકોને મદદરૂપ થતી જુદી-જુદી થેરપીઝ પણ સ્કૂલમાં આપવામાં આવે છે. એની સાથે-સાથે બાળકને કોર્સ સંબંધિત ભણાવવામાં આવે છે. માનવની આ ટ્રેઇનિંગ ખૂબ સારી રહી.’
ટ્રેઇનિંગનું જ પરિણામ
માનવે દસમું પાસ કર્યું. તેને કમ્પ્યુટર્સમાં ખાસ્સો રસ હતો. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘માનવને અમે કમ્પ્યુટર ક્લાસિસ કરાવ્યા હતા, જેમાં ગ્રાફિક ડિઝાઇનિંગ તેને ફાવ્યું નહીં. ઑટિઝમ ધરાવતાં બાળકોમાં પણ સામાન્ય બાળકો જેવું જ છે. દરેક બાળકનો રસ અને આવડત જુદાં-જુદાં હોય છે. માનવને કમ્પ્યુટરનું કામ ફાવતું હતું એટલે બાંદરામાં એક કૅથ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટમાં તે ડેટા એન્ટ્રીનું કામ સંભાળતો હતો. ત્યારે તે ૧૭ વર્ષનો જ હતો. ત્યાં તેને મહિનાના ૫૦૦૦ રૂપિયા મળતા પરંતુ કોરોનામાં એ કામ છૂટી ગયું. લૉકડાઉનમાં તે ઘરે બેસીને કંટાળી ગયો. ત્યારે મને એક સંસ્થા વિશે ખબર પડી જે આ બાળકોને નોકરી અપાવવામાં મદદ કરી શકે એમ છે. એનું નામ છે સોલ્સ આર્ક. એમાં એક વર્ષ ટ્રેસનિંગ લીધા પછી માનવને ઍમૅઝૉનમાં જૉબ મળી. છેલ્લા એક વર્ષથી તે આ કામ કરે છે.’
મમ્મી નંદિની શાહ સાથે માનવ
સૌથી મોટો પડકાર
જ્યારે કામ છૂટી ગયું હતું ત્યારે ઘરે મજા નહોતી આવતી. એ સમય યાદ કરતાં માનવ પોતે કહે છે, ‘મને કામ કરવું ગમે છે. બેઠા રહેવું ગમતું નથી. મને મારી ડેટા એન્ટ્રીવાળી જૉબ ખૂબ ગમતી હતી. ત્યાં વધુ મજા આવતી હતી પરંતુ એ કામ છૂટ્યું પછી મને થતું હતું કે કોઈ પણ જગ્યાએ મને નોકરી અપાવો, પણ મને ઘરે બેસવું નથી. એ પછી મને આ જૉબ મળી. મને કામ કરવું ગમે છે. દર મહિને ૧૦,૨૫૧ રૂપિયા કમાઉં છું જે મારા અકાઉન્ટમાં જમા થાય છે. એ રૂપિયામાંથી હું મારા ઘરના લોકો માટે ગિફ્ટ ખરીદીશ એવું મેં વિચાર્યું છે.’
દરરોજ કામ પર જાય છે ત્યાં તને મજા આવે છે? એનો જવાબ આપતાં માનવ કહે છે, ‘હા, પણ મને મારી જૂની નોકરીમાં વધુ મજા આવતી હતી. મારા કોઈ મિત્રો નથી અહીં ખાસ. હું કોઈ સાથે ટિફિન પણ શૅર નથી કરતો. એક અનુરાગ છે, જે મારા જેવો જ છે. એ મારો મિત્ર છે. ત્યાં બધા મને ટાઇમપાસ કહીને બોલાવે છે. જોકે હું તેમની વાતો પર ધ્યાન નથી આપતો.’
પગાર નહીં, પગભર થવાનું મહત્ત્વ
ઍમૅઝૉનમાં કામ કરતો માનવ શાહ
માનવનો આ જવાબ પોતાનામાં ઘણુંબધું કહી જાય છે. આ બાળકોના લિમિટેશનને સમજીને સમાજ તેમને પ્રેમથી અપનાવે એ અપેક્ષા કદાચ વધુપડતી લાગતી હોય તો તેમના પ્રત્યે સહિષ્ણુ વ્યવહાર તો રાખી જ શકાય. માનવના પિતાની જ્વેલરીની દુકાન છે. સાધનસંપન્ન પરિવારના દીકરા માનવને આ પ્રકારનું કામ કરતા જોઈને નંદિનીબહેનના મનમાં શું લાગણીઓ જન્મી હતી એના વિશે તેઓ કહે છે, ‘મારા ઘરે ૩-૪ નોકરો છે છતાં માનવને સમાન ઉપાડતાં કે ગોઠવવા જેવું કામ કરતો જોઈને હું ખૂબ રડી હતી. અમારા માટે માનવની કમાણી મહત્ત્વની નથી, તેનું પગભર થવું મહત્ત્વનું છે. એ વાત સાચી જ છે કે કોઈ કામ નાનું-મોટું નથી હોતું. તે કામ કરી શકે છે એ જ મોટી ખુશીની વાત છે. તે બિઝી રહે છે, ખુશ રહે છે. મોટા ભાગે જેને ઑટિઝમ હોય એ બાળકો ખૂબ રાડો પાડતાં હોય છે. પરંતુ જ્યારેથી તેણે નોકરી શરૂ કરી છે ત્યારથી તે શાંત થયો છે. તેને સંભાળવાનું કામ સરળ બન્યું છે. અમે જૈન છીએ અને સાચું કહું તો કર્મના સિદ્ધાંત પ્રમાણે આ બાળકો આપણા કરતાં ઘણાં આગળ છે. માનવના મોઢે મેં એક પણ વ્યક્તિની બુરાઈ ક્યારેય સાંભળી જ નથી. તે તેના કોઈ પણ વ્યવહારથી કર્મ બાંધતો જ નથી. ખરું પૂછો તો તેમની પાસેથી આપણે ઘણું શીખવાનું છે.’