29 April, 2026 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે ત્યાં કહેવાય છે કે સફળતાની શરૂઆત પથારી સંકેલવાથી થાય છે. શિસ્તના નામે આપણે વર્ષોથી આ શીખતા આવ્યા છીએ. પણ શું તમે જાણો છો કે તમારી આ ગુડ હૅબિટ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે બૅડ ન્યુઝ હોઈ શકે છે? નિષ્ણાતના મતે સવારે તરત પથારી સરખી કરવી એ સ્લીપ-હાઇજીન માટે નુકસાનકારક છે.
રાત્રે જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર કુદરતી રીતે ગરમી અને પરસેવો રિલીઝ કરે છે. આ ભેજ ગાદલાં અને ચાદરમાં ઊતરે છે. જો તમે જાગતાની સાથે જ પથારી સરખી કરી લો તો તમે એ ભેજ અને ગરમીને અંદર જ લૉક કરી દો છો.
આ ભેજવાળું અને ગરમ વાતાવરણ ડસ્ટ માઇટ્સ (ધૂળની જીવાત) માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ બની જાય છે. આ માઇક્રોસ્કોપિક જીવો આપણી ડેડ સ્કિન ખાઈને જીવે છે અને ઍલર્જી, અસ્થમા કે શ્વાસની તકલીફ વધારી શકે છે.
નિષ્ણાતો માને છે કે પથારીને થોડી વાર અસ્તવ્યસ્ત રહેવા દેવી એ જ હેલ્ધી ઑપ્શન છે. પથારીને ખુલ્લી રાખવાથી ટ્રૅપ થયેલી ગરમી અને ભેજ બહાર નીકળી જાય છે તથા ચાદર અને ગાદલું કુદરતી રીતે સુકાય છે અને ડસ્ટ માઇટ્સને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળતું નથી.
જો તમને સવારે ઊઠતાંની સાથે જ છીંકો આવતી હોય કે આંખમાં બળતરા થતી હોય તો એનું કારણ પથારીમાં રહેલી આ જીવાત હોઈ શકે છે. તમે જેટલી જલદી પથારી સંકેલો છો એટલી જ જલદી આ જીવાતોને ઘર કરી લેવામાં મદદ કરો છો.
સ્વસ્થ રહેવા માટે નિષ્ણાતો આ સિમ્પલ સ્ટેપ્સ ફૉલો કરવાની સલાહ આપે છે.
૧. બ્લૅન્કેટ હટાવો : ઊઠ્યા પછી ચાદર અને ધાબળાને પૂરેપૂરા સાઇડમાં કરો જેથી ગાદલાને હવા લાગે.
૨. સૂર્યપ્રકાશ અને તાજી હવા : રૂમની બારીઓ ખોલો. સૂર્યનાં કિરણો કુદરતી સૅનિટાઇઝરનું કામ કરે છે.
૩. ૨૦-૩૦ મિનિટનો વેઇટિંગ પીરિયડ : બ્રશ કરો, ચા પીઓ; પણ પથારી ૨૦-૩૦ મિનિટ પછી જ સરખી કરો.
૪. વીકલી વૉશ : ચાદરને દર અઠવાડિયે ગરમ પાણીમાં ધોવાનું રાખો.