મખાના ભલે હેલ્ધી ગણાય, પણ બધા માટે સારા નહીં

18 August, 2025 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મખાનામાં થોડા પ્રમાણમાં પ્યુરીન પણ હોય છે. કેટલાક કિડની સ્ટોનમાં ડૉક્ટર લો પ્યુરીન ડાયટની સલાહ આપે છે જેમાં મખાના પણ ઓછા ખાવાની સલાહ આપે છે.

મખાના

મખાનાને ખૂબ જ હેલ્ધી સ્નૅક ગણવામાં આવે છે. એ વજન ઘટાડવામાં, બ્લડ-શુગરને કન્ટ્રોલ કરવામાં, બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવામાં, હાડકાંઓને મજબૂત કરવામાં મદદરૂપ બને છે. જોકે એમ છતાં કેટલાક લોકોએ મખાનાથી દૂર રહેવું જોઈએ કારણ કે એ તમને નુકસાન પહોંચાડી શકે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમને મખાના ઓછા પ્રમાણમાં ખાવાની અથવા તો સાવ ન ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે એમાં એવાં તત્ત્વો હોય છે જે પથરીની સમસ્યા વધારી શકે છે. મખાનામાં પોટૅશિયમ અને અને ફૉસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. કિડની-ફંક્શન કમજોર થવાથી શરીર એને સરખી રીતે બહાર કાઢી શકતું નથી, જેનાથી મિનરલ્સ જમા થઈને સ્ટોન બનવાનું જોખમ હોય છે. મખાનામાં કૅલ્શિયમ પણ હોય છે અને જો સ્ટોન કૅલ્શિયમ ઑક્સલેટ ટાઇપનો હોય તો વધુ કૅલ્શિયમનું સેવન સ્ટોનને મોટો કરી શકે છે. મખાનામાં થોડા પ્રમાણમાં પ્યુરીન પણ હોય છે. કેટલાક કિડની સ્ટોનમાં ડૉક્ટર લો પ્યુરીન ડાયટની સલાહ આપે છે જેમાં મખાના પણ ઓછા ખાવાની સલાહ આપે છે.

જેમને નટ્સ અને સીડ્સની ઍલર્જી હોય તેમણે મખાના ખાતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ટેક્નિકલી મખાના નટ્સ અને સીડ્સની કૅટેગરીમાં નથી આવતા. એ લોટસ પ્લાન્ટના બીજનો અંદરનો હિસ્સો હોય છે. એનું પ્રોટીન-સ્ટ્રક્ચર પણ સામાન્ય નટ્સ જેમ કે બદામ, કાજુ વગેરેથી અલગ હોય છે. એટલે નટ્સની ઍલર્જીવાળા બધા લોકોને મખાના ખાવાથી ઍલર્જી થાય એવું નથી પણ જો તમને સીડ્સ એટલે કે કોળાનાં બીજ, સૂર્યમુખીનાં બીજ વગેરેની પણ ઍલર્જી હોય તો ક્રૉસ-રીઍક્શન થવાનું જોખમ હોય છે. જો તમે ક્યારેય મખાના ખાધા હોય અને ખંજવાળ, ગળામાં ખરાશ જેવી તકલીફ થઈ હોય તો એ ન ખાઓ. પહેલી વાર મખાના ટ્રાય કરતા હો તો ઓછા પ્રમાણમાં ખાઓ અને જુઓ કે તમને કોઈ રીઍક્શન થાય છે કે નહીં.

મખાના હેલ્ધી વસ્તુ છે, પણ એને તમે બીજા કાર્બ્સ સાથે ખાઓ તો એ અનહેલ્ધી બની જાય છે. મખાનાનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે અને એને ખાધા પછી બ્લડશુગર ધીરે-ધીરે વધે છે. ઘણા લોકો મખાનાની ચિક્કી, ખીર, હલવો બનાવીને ખાતા હોય છે. ઘણા લોકો ચિપ્સ, સેવ, પૂરી જેવી તળેલી વસ્તુ સાથે મખાનાને ભેળની જેમ મિક્સ કરીને ખાતા હોય છે. ઘણા ચા કે કોલ્ડ ડ્રિન્ક સાથે મખાના ખાતા હોય છે. આ બધી મખાના ખાવાની ખોટી રીત છે. મખાનાને હંમેશાં થોડું ઘી લઈને એમાં રોસ્ટ કરીને જ ખાવા જોઈએ. તો જ એના ફાયદા છે જે શરીરને સારી રીતે મળે. મખાનામાં ફાઇબર ભરપૂર હોય છે એટલે એનું પ્રમાણસર જ સેવન કરવું જોઈએ, જો કબજિયાતની સમસ્યા પહેલેથી જ હોય તો એ વધી શકે છે.

health tips life and style food news columnists gujarati mid day mumbai