ડીટૉક્સ પીણાં છોડો, કુદરતી રીતે તમારાં આંતરડાં સાફ કરો

13 March, 2026 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે પેટ સાફ કરવા માટે બજારમાં મળતાં મોંઘાં કોલોન ક્લેન્ઝ કે ડીટૉક્સ ડ્રિન્ક્સ લેતા હો તો થોભી જજો અને એની જગ્યાએ ઘરે આ ડ્રિન્ક બનાવીને ટ્રાય કરજો

પ્રતીકાત્મક તસવીર

જો તમને ઘણા દિવસો સુધી પેટ સાફ ન આવતું હોય તો તમે એને સામાન્ય કબજિયાત માનીને બજારમાં મળતા કોલોન ક્લેન્ઝ કે ડીટૉક્સ ડ્રિન્ક્સ તરફ વળતા હશો. આ પ્રોડક્ટ્સ તરત રાહત આપવાનો દાવો તો કરે છે, પરંતુ એમાં રહેલાં હાર્શ કેમિકલ્સ તમારાં આંતરડાંને ફાયદો કરવાને બદલે વધુ નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વાર એનાથી પાચનતંત્રમાં બળતરા કે સોજો પણ આવી શકે છે. સારી વાત એ છે કે આ મોંઘા અને નુકસાનકારક વિકલ્પોને બદલે તમે ઘરે જ કુદરતી ડ્રિન્ક બનાવી શકો છો, જે તમારા પાચનને લાંબા ગાળે મજબૂત બનાવશે.

ફ્લૉરિડામાં રહેતા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ (પેટના રોગોના નિષ્ણાત) અને હેલ્થ કન્ટેન્ટ ક્રીએટર ડૉ. જોસેફ સાલ્હાબે ઘરે બનાવી શકાય એવા એક કુદરતી પીણાની રેસિપી શૅર કરી છે. તેમના જણાવ્યા મુજબ આ ડ્રિન્ક બજારમાં કોલોન ક્લેન્ઝ (આંતરડાંની સફાઈ) તરીકે વેચાતાં ઘણાં ઉત્પાદનો કરતાં વધુ સારી રીતે કામ કરે છે. તેમણે એક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં આ પીણાથી પાચનતંત્રને થતા સંભવિત ફાયદાઓ સમજાવ્યા છે અને એને ઘરે કેવી રીતે તૈયાર કરવું એ માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

બનાવવાની રીત

સૉલ્યુબલ ફાઇબર પસંદ કરો : એક ચમચી ઇસબગુલ, અળસીનાં બીજ, ચિયા સીડ્સ અથવા હેમ્પ સીડ્સમાંથી કોઈ પણ એક પસંદ કરો.

પ્રવાહી ઉમેરો : આમાં આશરે ૨૫૦થી ૩૫૦ મિલીલીટર તમારી પસંદગીનું લિક્વિડ ઉમેરો. તમે પાણી કે લીંબુ પાણી અથવા જો સ્મૂધી બનાવવી હોય તો તમારું મનપસંદ દૂધ ઉમેરો.

ફળો ઉમેરો : એકથી બે કપ ફાઇબરથી ભરપૂર ફળો ઉમેરો. જેમ કે કિવી, બેરીઝ, સફરજન, નાસપતિ, ડ્રૅગન ફ્રૂટ, કેરી, નારંગી અથવા તરબૂચ. તમે તાજાં અથવા ફ્રોઝન ફળો વાપરી શકો છો.

આદું ઉમેરો (વૈકલ્પિક) : થોડું તાજું આદું ઉમેરો. એ સ્વાદ તો વધારે જ છે અને સાથે બ્લોટિંગ ઘટાડવામાં અને પેટ ખાલી કરવામાં મદદ કરે છે.

આ બધું મિક્સરમાં બ્લેન્ડ કરી લો. સતત ૭ દિવસ સુધી દરરોજ સવારે આ ડ્રિન્ક પીઓ. જો એક અઠવાડિયા પછી તમને સારું લાગે તો એને ચાલુ રાખો.

હેલ્થ-બેનિફિટ્સ

ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટના જણાવ્યા અનુસાર કોલોન ક્લેન્ઝ તરીકે વેચાતાં ઘણાં પીણાં શક્તિશાળી લૅક્ઝેટિવ્સ (જુલાબ) પર આધાર રાખે છે, જે સારા ગટ-બૅક્ટેરિયાનો સફાયો કરી શકે છે અને સંભવિતપણે તમને પહેલાં કરતાં વધુ ખરાબ અનુભવ કરાવી શકે છે. ઘણી વાર આ ક્લેન્ઝ ખૂબ જ મજબૂત લૅક્ઝેટિવ્સ (અથવા એનિમા) હોય છે અને એ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લાવી શકે છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, પેટમાં દુખાવો, ચૂંક આવવી, ડીહાઇડ્રેટિંગ ડાયેરિયા સામેલ છે. એનાથી વિપરીત ઘરે બનાવેલું આ ડ્રિન્ક મોટા ભાગના કોલોન ક્લેન્ઝ કરતાં વધુ સારું કામ કરે છે કારણ કે એ પેટમાં સારા બૅક્ટેરિયા વધારે છે, પાચનશક્તિ સુધારે છે, કબજિયાતથી કાયમ રાહત આપે છે, કુદરતી પાચક રસ વધારે છે અને શરીરને અંદરથી સાફ રાખે છે.

health tips healthy living lifestyle news life and style columnists gujarati mid day