ઍન્ટિડિપ્રેસન્ટ્સ અને સ્લીપિંગ પિલ્સ ક્યારે લેવાય?

04 March, 2019 01:25 PM IST  |  | વર્ષા ચિતલિયા

ઍન્ટિડિપ્રેસન્ટ્સ અને સ્લીપિંગ પિલ્સ ક્યારે લેવાય?

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ સ્ટેટ્સના ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન સેન્ટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા દાયકામાં ત્રીસથી પચાસ વર્ષની મહિલાઓના મૃત્યુદરમાં લગભગ ત્રણસો ટકા જેટલો વધારો થયો છે. ઍન્ટિડિપ્રેસન્ટ્સ, બૅન્ઝોડિએઝેપિન (એક પ્રકારની ઊંઘની ગોળી) અને પ્રિસ્ક્રિપ્શન ઓપીઓઇડ્સ ડ્રગ્સના અતિરેકના કારણે મધ્યમ વયની મહિલાઓમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું હોવાનું ખુલાસો થયો છે. આપણા દેશમાં પણ આ પ્રકારના ડ્રગ્સનો અતિરેક જે રીતે વધી રહ્યો છે એ જોતાં આ રિપોર્ટને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે. ભારતના મેટ્રોસિટીમાં ઍન્ટિડિપ્રેસન્ટ્સ અને સ્લીપિંગ પિલ્સ લેનારા પેશન્ટની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ દવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. આજે આપણે આ દવાઓની પેશન્ટના શરીર પર કેવી અસર અને આડઅસર થઈ શકે છે એ વિશે વાત કરીશું.

સાવ સામાન્ય

આજથી થોડાં વર્ષો પહેલાં ઉંમરના કારણે રાતે ઊંઘ ન આવતી હોય એવા દરદીઓને ડૉક્ટર સ્લીપિંગ પિલ્સ લખી આપતા જેથી તેમના શરીરને આરામ મળે. આજે તો તમામ ઉંમરના લોકો પેપરમિન્ટની ગોળીની જેમ ઊંઘની ગોળીઓ લેવા માંડ્યા છે. યંગ જનરેશનમાં ઉપરોક્ત ડ્રગ્સનો અતિરેક વધ્યો છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ વિશે વાત કરતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. નીપા શાહ કહે છે, ‘યુવાન વયે આ પ્રકારની દવા લેવાનું મુખ્ય કારણ આપણી લાઇફ-સ્ટાઇલ છે. આજના યુવાનોએ પૈસા પાછળ રીતસરની દોટ મૂકી છે. કમિટમેન્ટ્સ અને ટાર્ગેટ પૂરાં કરવામાં તેઓ મોડી રાત સુધી ઉજાગરા કરે છે. શરીર થાકી જાય એટલે એને આરામ આપવો જ પડે અને એ આરામ માટે ઊંઘ જરૂરી છે. ઊંઘને લગતી ફરિયાદ લઈને આવતા પેશન્ટને ડૉક્ટર તાત્કાલિક ગોળી ન લખી આપે. જમ્યા પછી વૉકિંગ કરો, રાતે સૂતાં પહેલાં દૂધ પીઓ, મોબાઇલને સાઇડ પર મૂકી દો, મોડે સુધી ટીવી જોવાની ટેવ છોડો જેવા અનેક ઉપાયો સૂચવ્યા બાદ પણ જો પેશન્ટ એમ કહે કે ઊંઘ નથી આવતી તો જ દવા લેવાની ભલામણ કરવામાં આવે છે.’

પોતાનો એક અનુભવ શૅર કરતા ડૉ. નીપા કહે છે, ‘મારી એક લેડી પેશન્ટને આખી રાત ઊંઘ નહોતી આવતી. મને કહે, સવારે ચાર વાગ્યા સુધી પડખાં ફરું ત્યારે માંડ ઊંઘ ચડે. સવારે અશક્તિ લાગે એટલે ઘરના કામ થાય નહીં. આવી સ્થિતિમાં સ્લીપિંગ પિલ્સ લેવી જ પડે. મારા મતે સ્લીપિંગ પિલ્સનાં નુકસાન ઓછાં અને ફાયદા વધુ છે. ડૉક્ટરે જણાવ્યા અનુસાર ડોઝ લેવામાં આવે તો કોઈ આડઅસર થતી નથી. આજે લોકો હેલ્થ કૉન્શિયસ થઈ ગયા છે. યુવાનો આડેધડ સ્લીપિંગ પિલ્સ લેતા હોય એવું મને નથી લાગતું. બીજું, હવે પહેલાં જેવું રહ્યું નથી. કાયદા કડક થઈ ગયા છે. તેથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કેમિસ્ટ ગોળી આપે એ વાત મારા ગળે ઊતરતી નથી. જો કોઈ કેમિસ્ટ સાથે તમારા રિલેશન સારા હોય અને મળી જતી હોય તો વાત જુદી છે. ડૉક્ટરે ત્રણ મહિનાનો ડોઝ લખ્યો હોય અને તમે ત્રણ વર્ષ સુધી ઊંઘની ગોળી લીધા કરો તો આડઅસર થાય, અન્યથા શરીરને કોઈ નુકસાન થતું નથી.’

સરળતાથી મળી રહે

ઊંઘ આપણી મુખ્ય જરૂરિયાત છે. એક દિવસ ભૂખ્યા રહી શકાય, પણ ઊંઘ વગર ન ચાલે. પૂરતી ઊંઘ ન મળે તો આપણા શરીરની બાયોલૉજિકલ ક્લૉક ખોરવાઈ જાય એમ જણાવતાં ફિઝિશ્યન અને હોમિયોપૅથ ડૉ. મીતા ગાલા કહે છે, ‘આપણા દેશમાં કાયદા સ્ટ્રિક્ટ થયા છે, પરંતુ ઊંઘની ગોળીઓ ઑન ધ કાઉન્ટર મળે જ છે એ વાસ્તવિકતા છે. લાઇફ-સ્ટાઇલ ડિસીઝનો ભોગ બની રહેલા યુવાનો સ્લીપિંગ લેવા લાગ્યા છે. વડીલોને ડૉક્ટરે ઊંઘની ગોળી લખી આપી હોય એટલે ઘરમાં પડી જ હોય. મેં એવા અનેક કેસ જોયા છે જેમાં યુવાનો ડૉક્ટરની સલાહ લીધા વગર ઘરમાં ગોળી અવેલેબલ હોય એ લઈ લે છે. કેટલીક વાર પપ્પાની કે મમ્મીની ગોળી ખલાસ થઈ ગઈ છે કહીને કેમિસ્ટ પાસેથી વધારાનો ડોઝ મેળવી લે છે. આ રીતે ગોળી લેવી જોખમી છે. યંગ એજમાં આલ્કોહૉલનો શોખ અને હુક્કાબારમાં જવાનો જે ટ્રેન્ડ છે એને પણ નજરઅંદાજ ન કરી શકાય. બે પ્રકારના ડ્રગ્સ બૉડીમાં જાય તો રીઍક્શન આવે, ડ્રગ્સ પૉઇઝનિંગ થાય. કેટલીક વાર પેશન્ટ કોમામાં પણ સરી જાય. બ્રિધિંગને લગતી સમસ્યા ઊભી થાય તો જીવ ખોવાનો વારો પણ આવી શકે છે. યુવાનોએ ધ્યાનમાં રાખવાનું કે ડૉક્ટરે તમારા પેરન્ટ્સને જે ગોળી લખી આપી છે એ અનિવાર્યતા છે તેમ જ એની માત્રા નક્કી કરેલી છે. દરેક વ્યક્તિ માટે એકસરખો ડોઝ ન હોય.’

ફરક સમજો

ડિપ્રેશન અને સ્લીપિંગ પિલ્સ બન્ને અલગ-અલગ ગ્રુપની મેડિસિન છે એવો જવાબ આપતાં ડૉ. મીતા કહે છે, ‘શરીરમાં કેમિકલ ઇમ્બૅલૅન્સ, હૉર્મોનની ઊથલપાથલ, લાઇફ-સ્ટાઇલ ડિસીઝ, બ્રેઇનમાં કેમિકલ ડિસ્ટર્બન્સ જેવાં અનેક કારણો છે ડિપ્રેશનનાં. કોઈક વાર નજીકના સંબંધમાં ડેથ થઈ ગયું હોય તો ટેમ્પરરી પિરિયડ માટે પણ વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલી જાય છે. ડિપ્રેશન કંઈ નવો રોગ નથી. આજથી થોડાં વર્ષ પહેલાં સાઇકિઍટ્રિક ટ્રીટમેન્ટ વિશે લોકોને બહુ ખબર નહોતી એટલે સારવાર થતી નહોતી. ડિપ્રેશનમાં હોય એવા પેશન્ટને છ અઠવાડિયાંથી લઈને ત્રણ મહિના સુધી દવા લખી આપવી પડે. આ સાથે કાઉન્સેલિંગ તો અત્યંત જરૂરી છે.

ડિપ્રેશનના દરદી માટે હોમિયોપથીમાં આમ તો કોઈ દવા નથી, પણ સારવાર ચોક્કસ છે એમ જણાવી ડૉ. મીતા કહે છે, ‘હોમિયોપથીમાં રોગને મૂળમાંથી દૂર કરવા પર ભાર મૂકવામાં આવે છે. દાખલા તરીકે ડાયેરિયા થયા હોય એવા કોઈ પણ પેશન્ટ માટે ઍલોપથીમાં એકસરખી સારવાર છે, જ્યારે હોમિયોપથીમાં ડાયેરિયાનું અલગ રીતે નિદાન થાય છે. પેટમાં ચૂંક આવે છે, ચીકાશ છે, અશક્તિ લાગે છે, ઊલટી થાય છે એમ આખો કેસસ્ટડી કરી પેશન્ટની પ્રકૃતિ અનુસાર દવા આપવામાં આવે છે. હોમિયોપથીમાં રોગને નહીં, પર્સનને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પેશન્ટના શરીરની ઇમ્યુનિટી પાવર વધારવા પર ફોકસ્ડ હોય છે. એ રીતે સારવારની રીતમાં ફરક પડી જાય છે.’

આ પણ વાંચો : વ્યસનના રાક્ષસી પંજામાં સપડાતી યુવા પેઢીને કેવી રીતે ઉગારશો?

ક્યારેક જરૂરી પણ

ડિપ્રેશનની વ્યાખ્યા જ જુદી છે. પાંચ વર્ષના બાળકથી લઈને તમામ ઉંમરના દરદીને ઍન્ટિડિપ્રેસન્ટ્સની ગોળી લખી આપવી પડે છે એવો અભિપ્રાય આપતાં ડૉ. નીપા કહે છે, ‘ડિપ્રેશન એ સાઇકિઍટ્રિક ટ્રીટમેન્ટ છે જેમાં પેશન્ટની ફૅમિલી હિસ્ટરીથી લઈને તમામ બાબતોનું નિરીક્ષણ કરી નિદાન થાય છે. ઘણી વાર પેશન્ટને પણ ખબર નથી હોતી કે તે ડિપ્રેશનનો ભોગ છે. મારી પાસે એક કેસ હતો જેમાં મા-બાપ અને ત્રણેય દીકરીઓ ડિપ્રેશનનો ભોગ હતાં. દીકરીઓની દવા કરાવવા જ્યારે પેરન્ટ્સ આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ પોતે જ ડિપ્રેશનમાં છે. સાઇકિઍટ્રિક સારવાર બાદ પેરન્ટ્સ અને બે દીકરીઓ સારાં થઈ ગયાં છે, પરંતુ હજી પણ એક દીકરીની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ પ્રકારના કેસમાં દવા કરતાં કાઉન્સેલિંગ વધારે અસરકારક બને છે. તેમ છતાં મગજ અને શરીરને આરામ મળે એટલે ઍન્ટિડિપ્રેસન્ટ્સની ગોળી આપવી જ પડે. ડિપ્રેશનની દવાથી પેશન્ટને ઊંઘ આવી જાય છે. તેથી અલગથી ગોળી લેવાની જરૂર પડતી નથી. ડિપ્રેશનમાં હોય એવી વ્યક્તિ ઓવરડોઝ ન લે, કારણ કે તે જીવનથી એટલી હતાશ હોય છે કે સારા થવાની ચાહ જ નથી હોતી. તેમને દવા લેવા માટે પણ સમજાવવા પડે છે.’

life and style