03 August, 2025 03:54 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
દરેક માણસની અંદર એક એવો માણસ હોય છે, જેને આપણે જાણતા નથી. આપણે એ માણસને તો જાણીએ છીએ, પરંતુ તેની ભીતરના માણસને નથી જાણતા. આમ તો કન્ફ્યુઝ કરે એવું આ વિધાન લાગી શકે, પણ આ એક સ્પષ્ટ હકીકત છે. આનાથી આગળ જઈને એમ કહી શકાય કે દરેક માણસમાં બીજો માત્ર એક નહીં, બલકે વધુ માણસો હોઈ શકે છે. ફરી નવાઈ લાગી હોય તો ભલે લાગી, પણ માણસની અંદર એકથી વધુ માણસો એવા રહેવાના જ જેને આપણે જાણતા ન હોઈએ. આ જ બાબત બીજાઓ આપણા વિશે કહી શકે. માણસનો ચહેરો ભલે એક જ દેખાય, પરંતુ તેના સ્વભાવ અને વર્તન વ્યક્તિથી વ્યક્તિ અને પ્રસંગથી પ્રસંગ બદલાયા કરે છે.
આ થઈ બીજા માણસની વાત, પણ આપણી વાત કરવી હોય તો? આપણે આપણને ઓળખીએ છીએ? જો ઓળખવું હોય તો આપણે આપણને મળવું પડે, આપણે ખુદને મળીએ છીએ ખરા? ક્યાં, કેટલું? મળીએ ત્યારે શું વાત કરીએ છીએ? આ વાતોમાં આપણને કેવી અને કેટલી ઓળખ મળી શકે? આપણે બીજા બધાને ઓળખવાનો પ્રયાસ કરતા રહીએ છીએ, પણ આપણે ખુદને ઓળખવાની જરૂર છે એ ભૂલી જઈએ છીએ, ખરેખર તો આપણે આપણને ઓળખીએ જ છીએ એવા ભ્રમમાં જીવીએ છીએ. એમ પણ કહી શકાય કે સમાજે કે આસપાસના લોકોએ આપણા વિશે આપણી સાથે કે અન્ય સાથે વાતો કરતા રહી આપણી એક ઓળખ-આઇડેન્ટિટી બનાવી દીધી હોય છે. આપણા વિશે જજમેન્ટ બાંધી લીધા હોય છે, જેને કારણે પણ લોકોએ વિચારેલી કે બાંધેલી એ ઓળખને આપણે પકડી રાખીએ છીએ. દરેકે આપણા વિશે જુદી-જુદી વ્યાખ્યા કરી હોય છે. આ ઓળખ સારી હોય તો આપણે એમાં રહેવાનું પસંદ કરીએ છીએ.
આપણે આપણને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ કે નહીં એ સવાલ છે. આ બહુ અંગત અને ગહન વિષય છે. ખરેખર તો આપણે પોતાને યા બીજાને માત્ર જાણીએ છીએ, ઓળખીએ છીએ એમ ન કહી શકાય. સ્વને ઓળખવું અઘરું કામ છે. આપણે આપણા શરીરમાં સમય સાથે થતા પરિવર્તનને જોઈ શકતા નથી, પણ એ સતત બદલાતું રહે છે અને એમ મન તથા માણસ પણ બદલાતા રહે છે. શરીર તો ઉંમર સાથે સમયાંતરે બદલાય, જ્યારે માણસનું મન સતત પરિવર્તન પામતું રહે છે. મન તો દરિયા કરતાં ઊંડું હોય છે એથી જ માણસે ખુદને ઓળખવા આ દરિયામાં ઊતરવું પડે છે. આ એક જ ઓળખાણ આપણને જીવનના અર્થ સુધી લઈ જઈ શકે છે. આજના સમયની ભાષામાં કહીએ તો નો યૉર કસ્ટમર (KYC)ની જેમ માણસે પોતે નો યૉર સેલ્ફ (KYS) (એટલે કે ખુદને જાણો) કરવું પડે.