વિશ્વ અસ્થમા દિવસે જાણો શ્વાસને લગતી તકલીફો વિશે

07 May, 2019 01:59 PM IST  |  મુંબઈ

વિશ્વ અસ્થમા દિવસે જાણો શ્વાસને લગતી તકલીફો વિશે

વિશ્વ અસ્થમા દિન

આયુર્વેદમાં મુખ્ય લક્ષ્ય પ્રકૃતિની ચિકિત્સા ઉપર હોય છે. તમારી કઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ વિકૃત થઈ છે કે નહીં તે જાણવાની એક વિશિક્ટ કળા વિદ્વાન વૈદ્યરાજો પાસે હોય છે. મુંબઈમાં પણ આજે ઘણા વૈદ્યરાજો એવા છે જે માત્ર તમારી નાડી જોઈને તમને શું રોગ છે તે કહી આપે. રસવૈદ્યો તો સ્પર્શ કર્યા વગર માત્ર મુખદર્શન કરીને રોગનિદર્શન કરી શકે છે. તમારો વાન શ્યામ છે, વાળ વાંકડિયા છે, તમે નિર્ણય જલદી નથી લઈ શકતા તો તમારો વાયુ વિકૃત થયેલો છે. તમારો વાન ઊજળો છે, વાળ જલદી સફેદ થઈ જાય છે, શરીરનો બાંધો હલકો છે, ગુસ્સો ઝડપથી આવી જાય છે, કોઈ પણ કાર્યમાં સમયસર પહોંચો છો, નિર્ણયશક્તિ પાવરફુલ છે. તમારા ટેબલ પર એક પણ ફાઈલ પેન્ડિંગ નથી રહેતી તો તમારી પિત્ત પ્રકૃતિ છે એમ કહી શકાય. તમે આરામથી નિર્ણય લો છો, સમયથી હંમેશાં મોડા પહોંચો છો,

ઘર-ઑફિસ અસ્તવ્યસ્ત હોય, શરીર થોડું ભારે હોય, જ્યાં બેસો ત્યાંથી તમને ઉઠાડવા મુશ્કેલ હોય તો તમારી કફ પ્રકૃતિ છે એમ કહી શકાય.

કફ પ્રકૃતિ ઉત્તમ છે

પ્રકૃતિમાં કફ પ્રકૃતિ ઉત્તમ ગણાય છે, પરંતુ પ્રાકૃતિક કફ હોવો તે સારુ છે કેમ કે કફ શરીરને બાંધે છે, કફ પ્રકૃતિવાળો બળવાન હોય છે, સામાન્ય રીતે રાજાઓ કફ પ્રકૃતિવાળા હોય છે, પરંતુ તે વિકૃત થાય ત્યારે દોષો ઉત્પન્ન કરે છે, જેનાથી રોગો થાય છે. કફની વિકૃતિનો મુખ્ય રોગ શરદી, કફ, સળેખમ, અસ્થમા, શ્વાસકાસ વગેરે ગણાય છે.

આયુર્વેદમાં એક શ્લોક છે કે

પિત્તે પંગુ, કફ પંગુ ટ્ટ પંગવો મલ ધાતવ: ટ્ટટ્ટ

વાયુના યત્ર નિહન્તી ટ્ટ તત્ર વર્ષન્તિ મેઘ વત્ત ટ્ટટ્ટ

એટલે કે કફ અને પિત્ત તો પંગુ છે, પરંતુ તેની સાથે વાયુ ભળે તેથી તે મેઘની જેમ રોગ પર વરસે છે. શ્વાસ અને અસ્થમા મુખ્ય પૃથ્વી અને જલતત્વ આધારિત છે. અને મુંબઈમાં જલતત્વનું આધિક્ય હોવાથી મોટા ભાગના લોકોને જલદી શરદી થઈ જતી હોય છે.

કફ રહેવાનાં સ્થાનો

ક્લેધક કફ આમાશયમાં વસે છે. તર્પક મસ્તિષ્કમાં વસે છે બોધક કફ મુખમાં વસે છે, fલેષમક કફ જોઇન્ટ્સમાં વસે છે અને અવલંબક કફ હૃદયમાં વસે છે. આ પ્રકૃતિમાં જો વાયુ ભળે તો કફ દૂષિત થવાથી બ્રોન્કલ અસ્થમા અને ઍલજર્કિ બ્રોન્કાઇસ્ટિક થઈ શકે છે. કફ પોતે પ્રકૃતિથી સ્નિગ્ધ અને ગુરુ છે. સ્નિગ્ધ અને ગુરુ પદાર્થો ખાવાથી કફ થવાની શક્યતાઓ વધી જાય છે. ગુરુપદાર્થની ત્રણ વ્યાખ્યા કરવામાં આવી છે. પદાર્થ ગુરુ, સંસ્કાર ગુરુ અને માત્રા ગુરુ. ઘઉં અને ગુંદર પદાર્થથી જ ગુરુ છે તેથી પચવામાં ભારે છે. જ્યારે દૂધને સંસ્કારિત કરવામાં આવે અને રબડી બને તો હલકું એવું દૂધ સંસ્કારથી ભારે થઈ જાય છે. જ્યારે દાળ-ભાત હલકા છે, પરંતુ માત્રામાં વધારે લેવામાં આવે તો તે ભારે બને છે અને માત્રા ગુરુ થઈ જાય છે. આજે રાતના સમયે ચૉકલેટ, મિલ્કશેક, ફ્રૂટજ્યૂસ, આઇસક્રીમ, કૅડબરી વગેરે સ્નિગ્ધ પદાર્થો ખાવાનો જે મેનિયા ઊપડ્યો છે તેને કારણે કફ અને શ્વાસનાં દર્દો વધ્યાં છે. જમ્યા પછી ક્યારે પણ આઇસક્રીમ કે મિલ્ક શેક જેવા ઠંડા પદાર્થો ન ખાવા જોઈએ, કારણ કે પેટમાં ગયેલા અન્નને પકવવા ગરમીની જરૂર હોય છે તેથી પાકી રહેલી ખીચડીના આંધણમાં કોઈ પાણી નાખી દે તો શું હાલત થાય? તેવી હાલત ખાધા પછી ઠંડા પદાર્થો ખાવાથી થતી હોય છે. તેથી કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે. આયુર્વેદમાં એક સુંદર શ્લોક છે,

અજીર્ણે ભેષજમ વારિ, જીર્ણે બલત્વમ્ વારિટ્ટ

ભોજન મધ્યે અમૃતમ્ વારિ, ભોજનાન્તે વિષમમ્ વારિ ટ્ટટ્ટ

એટલે કે અપચો અને અર્જીણ હોય ત્યારે પાણી ઔષધસમાન છે. નિરામય-નીરોગી અવસ્થામાં બળપ્રદ છે, ભોજન પહેલાં પથ્થરસમાન છે, ભોજનના અંતે તરત ઝેરસમાન છે, પણ ભોજન વખતે તૃષા પ્રમાણે પાણી પીવું તે અમૃતસમાન છે. જેમ આપણે મિક્સરમાં કડક વસ્તુ નાખી હોય તો તે ફરતું નથી, પરંતુ થોડું પ્રવાહી નાખીએ તો તે ફરવા માંડે છે તે પ્રમાણે જમતી વખતે થોડું પાણી પીવાથી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. જમ્યા પછી પોણોએક કલાક પછી ચકલી પીએ તેટલું થોડું થોડું પાણી દર પંદર મિનિટે પીવું જોઈએ. જમ્યા પછી તરત પાણી પીવાથી જ કફ અને શ્વાસ થાય છે. વૉટર થેરપી આડેધડ કરવાથી જલના આધિક્યથી શરદી કફ થવાની શક્યતાઓ વધી જાય છે. રાત્રે સૂતાં પહેલાં એક-દોઢ કલાક પહેલા પાણી બંધ કરી દેવું જોઈએ. રાત્રે પાણી પીવાથી કફ થવાની શક્યતા વધી જાય છે. હોટેલોમાં જઈને બેþડ, બટર, પીત્ઝા અને જંકફૂડ વગેરે રાત્રે ખાવાથી કફ અને શ્વાસના રોગો થવાની પૂરી શક્યતા છે.

શ્વાસના મુખ્ય પ્રકારો

શ્વાસના મુખ્ય પાંચ પ્રકાર છે. બોરીવલીના વૈદ્યરાજ રાજેન્દ્ર રાણાવત કહે છે, ‘ઊર્ધ્વ, છિન્ન, શૂદ્ર, તમક અને મહા. જીવનનો અંત સમય હોય ત્યારે મહાશ્વાસ ચડે છે અને મુખ્ય રોગ તમક એટલે કે શ્વાસનો છે. આયુર્વેદ જણાવે છે કે મધુર, અમ્લ એટલે કે ખાટો અને લમણ એટલે ખારા રસથી કફની વૃદ્ધિ થાય છે. તેથી અમે તેની પરહેજ કરાવીએ છીએ. આયુર્વેદમાં કફને દૂર કરવા માટે પંચકર્મમાં વમન ઉપર ભાર આપવામાં આવ્યો છે. સામાન્ય શરદીમાં સૂંઠ, હળદર અને ત્રિકટુ એટલે કે સૂંઠ, મરી અને પીપર અત્યંત ઉપયોગી ઔષધિઓ છે, પરંતુ શ્વાસ અને અસ્થમાનાં દર્દોમાં ભારંગી, કંઠકારી, અરડૂસા આદિનો ઉકાળો અપાવીએ છીએ અને શ્વાસ આદિના રોગોમાં અભ્રક, ભસ્મ, શૃંગ ભસ્મ અને તંકણ ભસ્મ આપીએ છીએ. ષડ્બિંદુ અને અણુતેલનાં ટીપાં અને દેશી ગાયનાં ઘીનાં બે ટીપાં નાકમાં નાખવાથી પણ અચૂક ફાયદો થતો હોય છે. રસસિંદૂરનો પણ ઉપયોગ થતો હોય છે.’

દહીં જોખમી

રમૂજમાં કહેવાય છે કે સાંજે જે દહીં વાપરે તેના ઘરે ચોરી ન થાય, તેને કૂતરો ન કરડે અને ઘરના કોઈનું પણ મોત તેણે જોવું ન પડે, કેમ કે તે રાત્રે ખાંસતો હોય તેથી ચોર ન આવે અને નાની ઉંમરમાં જ વૃદ્ધાવસ્થા આવી જવાથી હાથમાં લાકડી આવી જાય તેથી કૂતરો ન કરડે અને સૌથી પહેલો ઉપર ચાલ્યો જાય તેથી ઘરના કોઈનું મોત ન જોવું પડે. તેથી સાંજે દહીં - છાશ નહીં વાપરવાં જોઈએ. બપોરે પણ તક્ર એટલે કે માખણ કાઢેલી છાશ હિતાવહ છે. દહીં વાપરવું હોય તો ઘી નાખીને વાપરવું જોઈએ, પરંતુ શ્વાસના દર્દીઓ માટે દૂધ, દહીં, છાશ વર્જ્ય છે.

કફનાશક મુખ્ય ઔષધો

કાંદિવલીનાં નાડી જોઈને રોગને સહેલાઈથી કહી આપનારા વૈદ્ય હેતા શાહ કહે છે, ‘આજનો આહાર અને વિહાર કફ અને શ્વાસનું મૂળ કારણ છે. રાત્રે ઉજાગરા કરવા, બપોરે જમ્યા પછી બે-ત્રણ કલાક સૂઈ જવું, જેને કુંભકર્ણ નિદ્રા કહે છે અને તેનાથી ભૂંડની જેમ શરીર વધે છે અને કફ અને વાયુ સંપૂર્ણ દૂષિત થાય છે. તેમણે જણાવ્યું કે ઘરમાં સૂંઠ, હળદર અને ગોળની ગોળી કરીને ચણાની દાળ જેટલી ધીમે ધીમે ચૂસવાથી કફ અને ઉધરસમાં ફાયદો થાય છે. કાળાં મરી અને તુલસીનો ઉકાળો અત્યંત રામબાણ ઉપાય જેવું કામ કરે છે. કફ પુષ્કર, શ્વાસમાં અરડૂસી, ભોરીંગણી, વંશલોચન, લઘુ માલતી, સુવર્ણ વસંત માલતી અને મહાલક્ષ્મી વિલાસનો રસ દર્દીની પ્રકૃતિ પ્રમાણે આપી શકાય છે. સિતોપલાદી, જેઠીમધ, બહેડાં અને હળદર શ્વાસકાસમાં ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ બ્રોન્કેલ અસ્થમા વગેરેમાં ખાલી કફની ચિકિત્સા કરવાથી શરીર રૂક્ષ બને છે.’

મુખ્ય પાંચ ચિકિત્સા

અસ્થમાના ઇલાજમાં મુખ્યત્વે પાંચ ચિકિત્સા કરવાની હોય છે. હેતા શાહ કહે છે, ‘રસાયણ ચિકિત્સા, વાયુનું અનુલોમન, કફનાશક દ્રવ્યો, અગ્નિની ચિકિત્સા અને સ્નેહન અને સ્વેદન. કુશળ વૈદ્યો આ પાંચનું સંમિશ્રણ કરીને ગમે તેવા શ્વાસ-કફને જડમૂળથી દૂર કરે છે. તલના તેલ અને સિંધાલૂણ નાખીને પીવાથી અને બહાર આ જ દ્રવ્યોનો લેપ કરીને શેક કરવાથી કફ મટે છે. અડધો ગ્લાસ નવશેકું પાણી પીવાથી પણ કફમાં રાહત થાય છે. ભોરીંગણી પંચાંગ કાઢો, વાસાદિ ઉકાળો, કનકાસવ અને અભ્રક ભસ્મ શ્વાસકાસમાં ઉત્તમ ઔષધ છે.’

હળદરનું પાણી

વાલકેશ્વરમાં રહેતા ડાયમંડ બજારના વેપારી નવીન ગોળાવાળા પોતાનો સ્વાનુભવ શૅર કરતા કહે છે, ‘મને દસ-બાર પ્રકારની બીમારીઓ હતી, માત્ર હળદર નાખેલું નવશેકું પાણી પીવાથી ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કફ, શ્વાસ, વાયુના બધા જ રોગોમાંથી મને મુક્તિ મળી છે.’

છ જાદુઈ દ્વવ્યો

ઘરઘરમાં આજે નીચેનાં છ દ્રવ્યો રાખવામાં આવે અને જો તે દેશી ગોળના અનુપાન સાથે સરખે ભાગે લેવામાં આવે તો ગમે તેવો શ્વાસ અને કફનો રોગ દૂર થઈ જાય છે. સૂંઠ, મરી, તજ, લવિંગ, સિતોપલાદી અને જેઠીમધ. પહેલાં ચાર દ્રવ્યો તો આપણા ઘરમાં ઉપલબ્ધ હોય છે અને છેલ્લાં બે દ્રવ્યોનો પાઉડર આયુર્વેદિક દુકાનોમાંથી મળી જાય છે. જમ્યા પછી આ છએ છ વસ્તુનો પાઉડર એક ચમચી દેશી ગોળ સાથે લેવામાં આવે તો જૂનો કફ નીકળી જાય છે અને નવો કફ બનતો નથી. સિતોપલાદીમાં આવતું વાંસના મૂળમાંથી બનતું વંશલોચન આજે દુર્લભ બન્યું છે.

રાજસ્થાનમાં ઘણાં ડૉક્ટરને બતાવ્યા પછી એક જૈન સંતે પોતાનો અનુભવ શૅર કરતા જણાવ્યું હતું કે આયુર્વેદની છ વસ્તુના આ નાનકડા નિર્દોષ કુદરતી ઉપચારથી બહુ અલ્પ સમયમાં જીવનભર માટે કફ અને શ્વાસ માટે દૂર થયા છે. આ છ દ્રવ્યનું મિશ્રણ ઇન્હેલર જેવું કામ પણ આપે છે, કેમ કે તેને સૂંઘવા માત્રથી પણ નાક ખૂલી જતું હોય છે. કફ શરદી થાય ત્યારે ખોરાકનું પ્રમાણ અડધું કરી દે અને આખી હળદરના બે-ત્રણ ગાંગડા નાખેલું ગરમ પાણી દિવસ દરમ્યાન પીવે તો માત્ર કફ અને શ્વાસ નહીં પરંતુ બીજા અનેક રોગોમાં ચમત્કારી ફાયદો થતો હોય છે. તેથી મુખ્યત્વે આહાર અને વિહારમાં થોડાક ફેરફારો કરવામાં આવે તો કફ અને શ્વાસના દરદીઓને મોટી રાહત થઈ શકે તેમ છે.

કફનો પ્રકોપ અને શમન

મધુરસ્નિગ્ધશીતાદિભોજ્યૈર્દિવસનિદ્રયાટ્ટમન્દે-ગ્નૌ ચ પ્રભાતે ચ મુક્તમાત્રે તથાશ્રમાત્ટ્ટટ્ટ

fલેષ્મા પ્રકોપં વાત્યેમિ: પ્રત્યનીકૈ શામ્યતિટ્ટટ્ટ

અર્થ: મધુર, સ્નિગ્ધ અને ઠંડા તેમ જ ભારે, લીસા તથા ચીકણા પદાર્થો ખાવાથી, દિવસે નિદ્રા લેવાથી, મંદાગ્નિમાં ભોજન કરવાથી, પ્રાત:કાળમાં ભોજન કરવાથી અને બેસી રહેવાથી કફનો પ્રકોપ થાય છે. આ કફનો પ્રકોપ મુખ્યત્વે સવારના સમયે વધારે પ્રમાણમાં થાય છે. રુક્ષ, ક્ષાર, કષાય, કડવા અને તીખા પદાર્થોના સેવનથી અને વ્યાયામ, ઊલટી, ચાલવું, યુદ્ધ, જાગરણ, તાપ, શિરોવિરેચન તથા વમનથી કફની શાંતિ થાય છે.

આ પણ વાંચો : ફૅશન માટે નહીં, હેલ્થ માટે જરૂરી છે કાન વીંધવા

દોષની ચિકિત્સા એટલે તે દોષના કારણથી વિપરીત કરણી. તે પ્રમાણેના આહાર-વિહારથી તે દોષ શાંત થાય છે. આથી શાઙંગધરે આમાં આહારવિહાર ફેરવવા સિવાય બીજા કોઈ વાતની ચર્ચા કરી નથી. આ પ્રમાણે ઋતુ અનુસાર અને દોષથી વિરુદ્ધ પ્રકારના આહાર-વિહાર તે આરોગ્યનો, ચિકિત્સાનો અને વૈદકશાસ્ત્રનો પાયો છે.

- અતુલકુમાર વ્રજલાલ શાહ

life and style