મજેદાર મખાણા

04 October, 2019 02:52 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

મજેદાર મખાણા

મખાણા

દેવતાઓનું ભોજન ગણાતું અને કમળના ફૂલમાંથી મળતા ઉપવાસ સ્પેશ્યલ આ બીજ વજન ઘટાડવાની સાથે અન્ય અનેક સમસ્યાઓમાં મદદ કરે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કૅલ્શિયમ, પોટૅશ્યમયુક્ત આ મખાણામાં કૅલરીનું પ્રમાણ ઓછું છે. નવરાત્રિના ઉપવાસમાં ખાસ ગણાતા મખાણા કેમ ખાવા, કોણે ખાવા, કેવી રીતે ખાવા એના પર એક નજર કરીએ...

દર થોડા સમયે હેલ્થ અને ન્યુટ્રિશન-ઇન્ડસ્ટ્રીમાં કોઈ નવાં હેલ્ધી અને સુપરફૂડનાં નામ આવતાં રહે છે. છેલ્લા થોડા સમયમાં મખાણાને સુપરફૂડની ઉપમા આપીને એનું ભરપૂર માર્કેટિંગ થઈ રહ્યું છે. જોકે આપણે ત્યાં વર્ષોથી મખાણા આહારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા રહ્યા છે. મખાણાને આપણે ત્યાં દેવોના આહારની ઉપમા અપાઈ છે અને એટલે જ નવરાત્રિમાં માતાજીને તો વૈષ્ણવો પોતાના શ્રીનાથજીને મખાણાને પ્રસાદ તરીકે ઈશ્વરને ધરાવે છે. ભારતના કુલ ઉત્પાદનમાંથી બિહાર રાજ્યમાં ૮૦ ટકાથી વધુ મખાણાની ખેતી થાય છે. ઇંગ્લિશમાં ફોક્સ સીડ એટલે કે કમળનાં ફૂલ તરીકે ઓળખાતા મખાણા તળાવમાં કમળનાં ફૂલ સાથે પાકે છે. મૂળ બીજને સૂકવીને, શેકીને એના પરનું જાડું પડ કાઢી નાખવામાં આવે અને પછી મકાઈમાંથી પૉપકૉર્ન બને એમ મખાણા બનતા હોય છે. ભારત સિવાય રશિયા, ચીન અને જપાનમાં પણ આ તળાવમાં ઊગતા બીજની ખેતી થાય છે. ચીનમાં ત્રણેક હજાર વર્ષ પહેલાંથી દવા તરીકે મખાણાનો ઉપયોગ થાય છે. આજે જાણીએ ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયે કિલો વેચાતા આ ડ્રાયફ્રૂટ્સ જેવા મોંઘા મખાણાની ખૂબી, ખાસિયતો અને મર્યાદાઓ વિશે.

વેરી હેલ્ધી

મખાણા એ પ્લાન્ટ બેઝ્‍ડ અને નૅચરલ પ્રોડક્ટ છે અને હેલ્ધી છે એમ જણાવીને ન્યુટ્રિશનસ્ટિ યોગીતા ગોરડિયા કહે છે, ‘મખાણામાં સારી માત્રામાં પ્રોટીન અને કૉમ્પ્લેક્સ કાર્બ છે, પ્રોટીન છે અને ફાઇબર પણ સારા પ્રમાણમાં છે. આ જ કારણ છે કે મખાણા થોડા ખાઓ તો પેટ ભરાઈ જાય. તુલનાત્મક રીતે એમાં કૅલરી ઓછી છે એટલે પેટ ભરાય પણ વજનને એની કોઈ અસર ન થાય. એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો છે એટલે એને પચવામાં થોડો વધુ સમય લાગે છે જેથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે. ઉપવાસમાં ખાવાનું કારણ પણ એ જ હશે કે એ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગે. બીજું, મખાણામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ ભરપૂર હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે. નમક નથી એટલે હાઈ બ્લડ-પ્રેશરવાળા ખાઈ શકે તો શુગર નથી એટલે ડાયાબિટીઝવાળા ખાઈ શકે. કિડનીના રોગ માટે પણ એ ઉપયોગી છે. એને બનાવવાની પ્રોસેસ સરળ છે. તમે ફ્રાય કરીને ખાઈ શકો, દૂધમાં ખાઈ શકો, શાકમાં ખાઈ શકો. ઓછા સમયમાં બનતી આ વાનગી તરફ ગુજરાતીઓએ ખૂબ દુર્લક્ષ્ય સેવ્યું છે, બાકી નૉર્થ ઇન્ડિયનના ફૂડમાં આ દરરોજ લેવાય છે.’

ટૂંકમાં, હાર્ટના પેશન્ટ, ડાયાબિટીઝના પેશન્ટ, આર્થ્રાઇટીસ, ડાયેરિયા જેવા દરેક રોગમાં મખાણા ખાઈ શકાય. સદાય યુવાન રહેવા માગતા લોકો માટે પણ મખાણા કામની ચીજ છે.

આયુર્વેદે પણ વખાણ્યું

નવરાત્રિમાં મખાણાનો ઉપયોગ ઘણાં ઘરોમાં થતો હોય છે અને ખરેખર એ હેલ્થને લાભકારી છે એ વાત આયુર્વેદના ગ્રંથ ભાવપ્રકાશમાં આવે છે એમ જણાવીને આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આયુર્વેદમાં એને તાલ મખાણા કહેવાય છે. તાલ એટલે તળાવ. જે તળાવમાં ઊગે છે એ તાલ મખાણા. એક સૂત્રમાં ગ્રંથકાર મખાણાનાં વખાણ કરતાં કહે છે કે એ બલ્ય એટલે કે બળ વધારનારું, મગજની ક્ષમતા વધારનારું, હૃદયને માટે સારું અને શરીરની સપ્તધાતુને તાકાત આપનારું રસાયણ છે. મખાણા તમારી કસરત કરવાની ક્ષમતાને પણ વધારે છે. મખાણામાં ફ્લેવોનૉઇડ નામનું તત્ત્વ છે અને એક ખાસ પ્રકારની સુગંધ એ તત્ત્વને આભારી છે જે ઇન્ફલેમેશનને ઘટાડે છે અને એજિંગ પ્રોસેસને ધીમી પાડે છે. મખાણા ખાધા પછી ભૂખ જલદી ન લાગે એટલે વ્યક્તિ ઝડપથી ખાય નહીં તેમ જ મખાણા પોતે પણ ખૂબ ઓછી કૅલરી ધરાવતાં બીજ છે એથી વજન ઘટાડવા માગનારા લોકો માટે એ લાભકારી છે.’

આહાર તરીકે નહીં ખાતા તો પણ

મખાણાના ગુણો સાંભળીને જો તમે એમ વિચારી રહ્યા હો કે હવે દિવસ-રાત મખાણામય બની જઈએ તો એની નિષ્ણાતો મનાઈ ફરમાવે છે. ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મખાણા એ સપ્લીમેન્ટ ફૂડ છે. એને તમે આહાર તરીકે ઉપયોગમાં લો તો એ નુકસાન કરે. જેમ કે બદામનું તેલ ખૂબ હેલ્ધી છે એટલે તમે સવાર-સાંજ, દિવસ-રાત બદામના તેલ પર તૂટી પડો, તમારી બધી જ રસોઈ બદામના તેલમાં જ બને તો એ લાભ નહીં, નુકસાન જ કરે. આપણી સદીઓજૂની ખાણી-પીણીમાં મખાણાને સપ્લીમેન્ટ ફૂડનું સ્થાન જ આપ્યું છે. એ  ઉપવાસમાં ખવાય એની પાછળનાં કારણોમાં મુખ્ય એ કે ઓછા ખોરાકમાં વધુ પેટ ભરાય અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે. આમ પણ તમે થોડા ખાઓ ત્યાં જ તમારું પેટ ભરાઈ જાય. રોજબરોજની દિનચર્યામાં મુખ્ય આહાર, અમુક માત્રામાં કૅલરી શરીરની સિસ્ટમને જાળવવા માટે જરૂરી છે. શરીરનું ફ્યુઅલ ન મળે જો તમે સપ્લીમેન્ટ ફૂડ પર સંપૂર્ણ રીતે અવલંબિત થઈ જાઓ. તમે મોટા ડાયેટિશ્યન હો કે ન હો, તમને આયુર્વેદની ખબર પડતી હોય કે ન હોય, પણ મારી એક વાત ગાંઠે બાંધી લો કે આપણા બાપ-દાદાઓનો ટ્રેડિશનલ જે આહાર હતો એ હજારો વર્ષોના રિસર્ચ પછી તૈયાર થયેલો આહાર છે. પરંપરાએ આપણા સુધી જે પહોંચ્યું છે એ અમસ્તું નથી પહોંચ્યું. કાશ્મીરથી કન્યાકુમારી અને મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળનું ટ્રેડિશનલ ભોજન જોશો તો સમજાશે કે એમાં તમામેતમામ પોષક તત્ત્વોનું સંતુલન છે. આ સંતુલન શરીરની અનિવાર્યતા છે એ સમજીને કંઈ પણ ખાવું જોઈએ. મખાણા હેલ્ધી છે, પરંતુ એ તમારા રોજબરોજનાં શાક-રોટલી, દાળ-ભાત, સલાડ, છાશ કે મીઠાઈનો પર્યાય ન બની શકે એ વાત ધ્યાન રાખવી જોઈએ.’

મખાણા શેકીને ખાવા સારા કે ખીર રૂપે?

મખાણાને તમે સેવ-મમરાની જેમ ઘીમાં વઘારીને એમાં સિંધવ મીઠું, મરી અને હિંગ નાખીને નાસ્તાના સ્થાને ખાઈ શકો. અહીં તમે ચીઝ, ફુદીના જેવાં પૉપકૉર્નની જેમ જુદા-જુદા ફ્લેવર પણ આપી શકો. એ સિવાય તમારા ગ્રેવીવાળા શાકમાં ગ્રેવીને ઘટ કરવા માટે પણ મખાણાનો ઉપયોગ કરી શકો. પાલક પનીરની જેમ પાલક મખાણા પણ પંજાબમાં પૉપ્યુલર રેસિપી ગણાય છે. બિહારમાં મખાણા-મટરની સબ્જી ખૂબ જાણીતી છે. મખાણાનું રાયતું અને કઢી પણ ખૂબ ફેમસ છે જેને બનાવવાની રીત બૂંદીના રાયતા જેવી જ હોય છે. મખાણાની આલુ ટિક્કી પણ બની શકે. જોકે લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ મખાણાની ખીર એ સૌની મનભાવન વાનગી છે અને ન્યુટ્રિશનિસ્ટ તથા ડૉક્ટરોની દૃષ્ટિએ ખીર ફૉર્મમાં ખાતાં મખાણા વધુ લાભકારી પણ છે એનું કારણ આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આમ તો કોઈ પણ ફૉર્મમાં મખાણા ખાઓ એ મર્યાદિત માત્રામાં પોષણયુક્ત જ છે, પરંતુ દૂધ, ડ્રાયફ્રૂટ્સ, મિસરી સાથે મખાણાની ખીર વધુ લાભ આપશે.’

આ પણ વાંચો : તમે કેવાં કેળા ખાઓ છો? ગ્રીન, યલો કે પછી બ્રાઉન?

મખાણા શેકીને ખાવા સારા કે ખીર રૂપે?

ખાતાં પહેલાં આ ચકાસી લેજો કેટલાક લોકોને મખાણાની ઍલર્જી હોવાની સંભાવના હોય છે એથી મખાણાને ખાતાં પહેલાં એ ચેક કરી લેવું જરૂરી છે. શરીર પર લાલ ચકામાં પડવાં, પાચનને લગતી સમસ્યા નિર્માણ થવી કે અચાનક શુગર-લેવલ ઘટી જવા જેવી સમસ્યા મખાણાથી થઈ શકે છે. ડાયેરિયા થયો હોય તેમને માટે મખાણા દવાનું કામ કરે છે એટલે સ્વાભાવિક છે કે જેમને કબજિયાતની તીવ્ર સમસ્યા હોય તેમને માટે મખાણા વિલનનું કામ કરી શકે છે અને કૉન્સ્ટિપેશનમાં વધારો કરી શકે છે. ડાયાબિટીઝના દરદીઓએ પણ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ એ ખાવાનું સલાહભર્યું છે. વધુ ડતા મખાણા ખાવાનું અવૉઇડ કરવું જોઈએ.

health tips